મુંબઈ: રવિવારની રજા અને સાથે જ નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી મુંબઈગરાઓ ઘટસ્થાપન બાદ કુળદેવીના દર્શને કે બહાર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો રેલવેનું ટાઈમ ટેબલ ખાસ ચકાસી લેવું જરૂરી છે. રેલવે ટ્રેકના સમારકામ અને ટેકનિકલ જાળવણી (Maintenance Work) માટે આવતીકાલે એટલે કે 11ની ઓક્ટોબર, 2026 રવિવારના રોજ મુંબઈ લોકલના સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર ત્રણેય માર્ગો પર મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. બ્લોકના કારણે અનેક લોકલ ટ્રેનો મોડી દોડશે, જ્યારે કેટલીક સેવાઓ રદ પણ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે આવતીકાલે પશ્ચિમ રેલવેમાં દિવસે નહીં પણ રાતના બ્લોક હાથ ધરવામાં આવશે. શનિવાર અને રવિવારની રાતે 12.25 કલાકથી વહેલી સવારે 4.25 વાગ્યા સુધી ચાર કલાકનો જમ્બો બ્લોક મુંબઈ સેન્ટ્રલ અને માહિમ bacche અપ ફાસ્ટ લાઈન અને પાંચમી લાઈન પર હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન કેટલીક ઉપનગરીય લોકલ સેવાઓ પ્રભાવિત થશે. પશ્ચિમ રેલવે પર રવિવારે દિવસ દરમિયાન કોઈ દિવસીય બ્લોક રહેશે નહીં.
મધ્ય રેલવે પર સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી માટુંગા-મુલુંડ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લોક હાથ ધરાશે. સમયગાળા દરમિયાન સીએસએમટી (CSMT)થી ઉપડતી ડાઉન સ્લો લોકલ ટ્રેનોને માટુંગાથી મુલુંડ વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશનો પર ઊભી રહેશે. થાણેથી ઉપડતી અપ ધીમી લોકલ ટ્રેનોને મુલુંડ સ્ટેશનથી અપ ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે, જેથી ટ્રેનો 15થી 20 મિનિટ મોડી પહોંચશે.
હાર્બર લાઈન પર સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી સીએસએમટી - ચૂનાભઠ્ઠી / બાંદ્રા અપ અને ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે.
બ્લોકને કારણે સીએસએમટી અને વડાલાથી વાશી, બેલાપુર અને પનવેલ તરફ જતી ડાઉન હાર્બર સેવાઓ સ્થગિત રહેશે. બાંદ્રા અને ગોરેગાંવથી સીએસએમટી માટેની સેવાઓ પણ બ્લોક દરમિયાન રદ રહેશે.
પનવેલ, બેલાપુર અને વાશીથી સીએસએમટી તરફ આવતી અપ હાર્બર લાઇન સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, પ્રવાસીઓની સુવિધા માટે પનવેલ-વાશી વચ્ચે વિશેષ શટલ સેવાઓ દોડાવવામાં આવી શકે છે.