(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર)નું કામ શક્ય એટલી વહેલી તકે પૂરું કરવાના પ્રયાસ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે હેઠળ પાલિકાના ‘આર-ઉત્તર’ વોર્ડ દ્વારા બોરીવલીમાં લિંક રોડની પશ્ર્ચિમ બાજુએ રહેલા ૩૦ બાંધકામને શુક્રવારે તોડી પાડવામાં આવ્યાં હતાં.
મુંબઈ મહાનગરમાં ટ્રાફિક જૅમની સમસ્યાને ઉકેલવા અને સરળ અને ઝડપી મુસાફરી સુનિશ્ર્ચિત કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) હાથ ધર્યો છે. આ દ્વારા મુંબઈનો સમગ્ર દરિયાકાંઠો એકબીજા સાથે જોડાઈ જવાનો છે. આ પ્રોજેક્ટના બાંધકામને સાત અલગ અલગ પૅકેજોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પૅકેજ એફમાં ૩.૪૭ કિમી લાંબા ગોરાઈ ઇન્ટરચેન્જથી દહિસર ઇન્ટરચેન્જ (અપગ્રેડેડ રોડ) ના વિકાસનો સમાવેશ થાય છે.

મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) માર્ગ બોરીવલી કનેક્ટરની પશ્ર્ચિમ બાજુ પરનાં ૩૦ બાંધકામોને અસર કરી રહ્યો છે. પાલિકાના ઝોન - સાતના ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ આર- ઉત્તર વોર્ડ દ્વારા શુક્રવારે આ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ તમામ બાંધકામો દૂર કરવામાં પાંચ ઍન્જિનિયર, પાલિકાના ૨૦ કર્મચારીઓ, બે પોકલેન પ્લાન્ટ, બે જેસીબી પ્લાન્ટ, ત્રણ ડમ્પર વગેરેનો સમાવેશ થતો હતો. આ કાર્યવાહી દરમ્યાન મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ કોલોની પોલીસ સ્ટેશનના સ્ટાફને તહેનાત કરવામાં આવ્યા હતા.