(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કોલાબા, કફ પરેડ અને ફોર્ટના રહેવાસીઓની નાગરિક સમસ્યાઓનું સમયસર અને પારદર્શક રીતે નિરાકરણ લાવી શકાય તે માટે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ તરફ એક મોટું પગલું ભરતા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડેએ શુક્રવારે ‘હેલો એ વોર્ડ’નું ઉદ્ઘાટન કર્યું, જે એક આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત વોટ્સએપ નાગરી સહાયક અને ફરિયાદ નોંધણી સિસ્ટમ છે.
આ ચેટબોટ નાગરિકોને સરળ ઇન્ટરેક્ટિવ સંદેશાઓ દ્વારા નાગરી ફરિયાદો નોંધાવવા અને તેમના નિવારણને સરળ બનાવવા માટે વિકસાવવામાં આવ્યો છે. આ સુવિધા દક્ષિણ મુંબઈના મુખ્ય વિસ્તારો જેમ કે કોલાબા, કફ પરેડ અને ફોર્ટના રહેવાસીઓ માટે ઉપલબ્ધ રહેશે. અલગ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના અથવા લાંબા ફોર્મ ભર્યા વિના, નાગરિકો તેમના વિસ્તારના નાગરિક સમસ્યાઓ વિશે ફરિયાદો નોંધાવી શકશે. આમાં પાલિકાના અધિકારક્ષેત્ર હેઠળ આવતા કચરા વ્યવસ્થાપન, પાણીપુરવઠો, રસ્તાનું સમારકામ અને સ્ટ્રીટલાઇટ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જોકે, ખાનગી રહેણાંક ઇમારતોના વિવાદો આ સુવિધા હેઠળ આવશે નહીં.
વોર્ડ નંબર ૨૨૬ના નગરસેવક મકરંદ નાર્વેકરે જણાવ્યું હતું કે આ સિસ્ટમ નાગરિકોને વોટ્સઍપ પર સરળ રીતે ફરિયાદ નોંધાવવા માટે ઉપયોગી સાબિત થશે. ફોટો સાથે નાગરિકો ફરિયાદ નોંધાવી શકશે અને નાગરિકને સમસ્યાનું નિરાકરણ કરવા માટે સોંપાયેલ મ્યુનિસિપલ અધિકારીનું નામ પણ આ સિસ્ટમ હેઠળ જણાવાશે. નાગરિક ફરિયાદની વિગતોની પુષ્ટિ કર્યા પછી સિસ્ટમ એક ફરિયાદ નંબર અને ફરિયાદનો સંક્ષિપ્ત સારાંશ જનરેટ કરે છે. આનાથી ફરિયાદનો સંદર્ભ લેવાનું સરળ બને છે.
આ સુવિધા ફક્ત ફરિયાદ નોંધાવવા સુધી મર્યાદિત નથી, પરંતુ ‘હેલો એ વોર્ડ’ દ્વારા ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવશે. નાગરિકો ફરિયાદ નોંધણી, સંબંધિત વિભાગમાં ટ્રાન્સફર, વાસ્તવિક કાર્ય શરૂ કરવા અને અંતિમ નિરાકરણ સહિત દરેક તબક્કે પ્રગતિ જોઈ શકશે. જવાબદારી નક્કી કરવા માટે ફરિયાદની સ્થિતિ અંગેના અપડેટેડ સંદેશાઓ સીધા નાગરિકોના વોટ્સએપ ચેટ પર મોકલવામાં આવશે. કામ પૂર્ણ થયા પછી અને કામ પહેલાંના ફોટોગ્રાફ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી ફરિયાદની સ્થિતિ અંગે નાગરિકોમાં અનિશ્ર્ચિતતા દૂર થશે, અને વારંવાર ફોલો-અપ્સ અથવા પાલિકાની ઓફિસના ચક્કર કાપવાથી છુટકારો મળશે.