Sat Oct 10 2026

Logo

મયંક યાદવે શુક્રવારની ટી-20માં સતત 140-પ્લસ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યા એનું આ રહ્યું રહસ્ય

2026-10-10 19:00:49
Author: Ajay Motiwala
મયંક યાદવે શુક્રવારની ટી-20માં સતત 140-પ્લસ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યા એનું આ રહ્યું રહસ્ય

રાંચીઃ શુક્રવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત પાંચ મૅચવાળી ટી-20 સિરીઝના બીજા હાઇ-સ્કોરિંગ મુકાબલામાં હારી ગયું અને શ્રેણી 1-1ની બરાબરીમાં થઈ ગઈ, પણ ફાસ્ટ બોલર મયંક યાદવને આ મૅચથી પોતાની બોલિંગમાં નવું પરિવર્તન લાવવાનો મોકો મળ્યો હતો અને એનો શ્રેય હેડ-કોચ ગૌતમ ગંભીરને જાય છે. મયંક અગાઉ સ્ટ્રેસ ફ્રૅક્ચર, પીઠનો દુખાવો અને સાથળમાં પેઇન સહિતની કેટલીક ઈજાનો શિકાર થયો હતો.

ભારતને સ્પિનર્સની તુલનામાં બહુ ઓછા ફાસ્ટ બોલર મળતા હોય છે. ફાસ્ટ બોલર મયંક યાદવે (3-0-36-3) શુક્રવારે તરખાટ મચાવી દીધો હતો. તેણે એક તબક્કે બે બૉલમાં બે વિકેટ લીધી હતી. તેની કુલ ત્રણમાંથી બે વિકેટમાં બન્ને બૅટ્સમેન ક્લીન બોલ્ડ થયા હતા. મયંકે કલાકે 140.00-પ્લસ કિલોમીટરની ઝડપે ફેંકેલા બૉલમાં ઓપનર કમિલ પૂરન (ચાર રન) કૅચઆઉટ થયો હતો, પણ શિમરૉન હેટમાયર (0) અને રૉવમૅન પૉવેલ (24 રન) ક્લીન બોલ્ડ થયા હતા. મયંકે કલાકે 144 કિલોમીટરની ઝડપે ફેંકેલા બૉલને હેટમાયર સમજી જ નહોતો શક્યો અને પળવારમાં તેની બેલ્સ ઉડી ગઈ હતી. હેટમાયર ઊંધો ઊભો રહીને જોતો રહી ગયો હતો. પછીથી મયંકે કલાકે 149.5 કિલોમીટરની ઝડપે ફેંકેલા બૉલમાં પૉવેલનું ઑફ સ્ટમ્પ ઉડીને દૂર પડ્યું હતું. કૅપ્ટન શ્રેયસ ઐયરે મયંકને જો ચોથી ઓવર આપી હોત તો કદાચ વિજય ભારતની તરફેણમાં આવી ગયો હોત.

મયંક (Mayank)ને છઠ્ઠી ઑક્ટોબરની પ્રથમ ટી-20માં 40 રનમાં ફક્ત એક વિકેટ મળી હતી. ત્યારે તેણે કલાકે 137.00 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં શેરફેન રુધરફર્ડ (56 રન)ને કૅચઆઉટ કરાવ્યો હતો. જોકે શુક્રવારે મયંક 150.00 કિલોમીટરના આંકડાની લગોલગ પહોંચી ગયો હતો. સામાન્ય રીતે ફાસ્ટ બોલર ક્યારેક ધીમો બૉલ ફેંકી દેતા હોય છે તેમ જ આઉટસ્વિંગર, ઇનકટર, યૉર્કર સહિતના વૅરિએશન પણ અજમાવતો હોય છે.

જોકે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir)એ મયંકને સલાહ આપી હતી કે તું ઝડપી બોલર છે એટલે તારી ઝડપ પર જ વધુ ધ્યાન આપજે.' ગંભીરે શુક્રવારની મૅચ પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, મયંક પેસર (ઝડપી બોલર) છે એટલે તેણે પેસર તરીકેની બોલિંગ કરવા પર જ એકાગ્રતા રાખવી જોઈએ. તે ધીમી ગતિએ બોલિંગ કરનારો બોલર છે જ નહીં. તે જો કલાકે 150.00 કિલોમીટર આસપાસની ઝડપે બૉલ ફેંકતો હોય તો તેણે એ ઝડપથી જ બૉલ ફેંકવા જોઈએ. મયંકે એવું જ કર્યું અને ત્રણ વિકેટ લેવામાં સફળ થયો.'

જોકે આ હાઇ-સ્કોરિંગ મૅચમાં ભારતે પાંચ વિકેટે 249 રન બનાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે શાઇ હોપના અણનમ 102 રન તેમ જ શેરફેન રુધરફર્ડના 84 રન અને રોમારિયો શેફર્ડના અણનમ 34 રનની મદદથી ચાર વિકેટે 252 રન બનાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો.