Sat Oct 10 2026

Logo

ટાટા મોટર્સે ઈવેકો હસ્તગત કરવા માટેનો ભાવ વધારીને શૅરદીઠ 14.40 યુરો કર્યા...

2026-10-10 19:49:29
Author: Ramesh Gohil
ટાટા મોટર્સે ઈવેકો હસ્તગત કરવા માટેનો ભાવ વધારીને શૅરદીઠ 14.40 યુરો કર્યા...

નવી દિલ્હીઃ ઈટાલિયન ટ્રક ઉત્પાદક કંપની ઈવેકો ગ્રૂપ એનવીનાં હસ્તાંતરણમાં ઑથોરાઈઝેશનની પ્રક્રિયામાં થયેલા વિલંબને ધ્યાનમાં લેતા ટાટા મોટર્સ લિ.એ હસ્તાંતરણ કરવા માટેનો ઓફર ભાવ 0.30 યુરો વધારીને શૅરદીઠ 14.40 નિર્ધારિત કર્યો છે.નોંધનીય બાબત એ છે કે વર્ષ 2025માં ટાટા મોટર્સ લિ.એ ટીએમએલ સીવી હોલ્ડિંગ પીટીઈ લિ. મારફતે સંરક્ષણના વેપાર રહિત ઈવેકોને 3.8 અબજ યુરો (અંદાજે રૂ. 38,240 કરોડ)માં હસ્તગત કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

વેપારી વાહનો બનાવતી અગ્રણી કંપનીએ અગાઉ શૅર દીઠ 14.10 યુરોની ઓફર કરી હતી તે મુજબ સોદાનું મૂલ્ય 3.82 અબજ યુરોનું આંકવામાં આવ્યું હતું. તેમ જ ગત સપ્ટેમ્બરમાં ઈવેકોનાં તમામ સામાન્ય શૅર માટે સંપૂર્ણ રોકડ આધારિત સ્વૈચ્છિક ટેન્ડર ઑફરની શરૂઆત કરી હતી. આ ઑફર સ્વીકારવાનો સમયગાળો 7મી સપ્ટેમ્બરથી 26 ઑક્ટોબર, 2026 સુધીનો રાખવામાં આવ્યો હતો અને ઈવેકો જૂથના શૅરધારકો આગામી 16મી ઑક્ટોબરનાં રોજ યોજાનારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં સંબંધિત ઠરાવો પર મતદાન કરશે. 

ઈવેકો જૂથના બોર્ડ ઑફ ડિરેક્ટરોએ સર્વસંમતીથી આ સોદાને સમર્થન આપ્યું છે અને શૅર ધારકોને તેના શૅર ઑફર કરવા તથા અગાઉની ઑફરની તરફેણમાં મતદાન કરવાની ભલામણ કરી છે. અગાઉની ઑફર કિંમત ઈવેકોના સંપૂર્ણ અને વાજબી મૂલ્યો દર્શાવતી હોવા છતાં મંજૂરીઓ મળવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ઑફરની કિંમતમાં અમે વધારો કરી રહ્યા છીએ એમ ટાટા મોટર્સે ગત શુક્રવારે મોડી સાંજે એક્સચેન્જને કરેલા ફાઈલિંગમાં જણાવતા ઉમેર્યું હતું કે જો ઈવેકોના તમામ 27.12 કરોડ સામાન્ય શૅર ઑફર કરવામાં આવે તો સુધારેલી ઑફર કિંમત મુજબ સોદાનું મૂલ્ય 3.91 અબજ યુરો થશે. ટાટા મોટર્સ વધારાનું 8.5 કરોડ યુરોનું પૅ આઉટ એમયુએફજી બૅન્ક લિ. ગિફ્ટ બ્રાન્ચની ક્રેડિટ ફેસિલિટીમાંથી કરશે. જોકે, આ સુધારિત ઑફરમાં હવે પછીથી કોઈ વધારો કરવામાં નહીં આવે, એમ યાદીમાં ઉમેર્યું હતું.