Sat Oct 10 2026

Logo

ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સંદર્ભે મુંઢેએ ક્હ્યું, ફિલ્મ કલાકારોને સુનાવણીની વધુ એક તક અપાશે

2026-10-10 19:03:59
Author: Mumbai Samachar Team
ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સંદર્ભે મુંઢેએ ક્હ્યું, ફિલ્મ કલાકારોને સુનાવણીની વધુ એક તક અપાશે

મુંબઈ: પ્રતિબંધિત તમાકુ સંબંધિત ઉત્પાદનોના સરોગેટ એડવર્ટાઈઝિંગ એટલે કે આડકતરી જાહેરાતો દ્વારા કથિત પ્રચાર કરવાના મામલે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ને અભિનેતા શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફના જવાબ મળી ગયા છે. એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે નોટિસનો જવાબ આપનારા કલાકારોને પોતાનો પક્ષ રજૂ કરવાની વધુ એક તક આપવામાં આવશે. ત્યારબાદ કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈમાં આયોજિત ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2026’માં બોલતાં તુકારામ મુંઢેએ ભ્રામક જાહેરાતો અને ગ્રાહકોના અધિકારો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થોના પેકેટ પર છાપવામાં આવેલી માહિતી ગ્રાહકો સરળતાથી વાંચી શકે અને સમજી શકે તે જરૂરી છે. ગ્રાહકોને તેઓ ખરીદી કરી રહ્યા છે તે ઉત્પાદન વિશે યોગ્ય અને સ્પષ્ટ માહિતી મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

પ્રતિબંધિત તમાકુ સંબંધિત ઉત્પાદનોના સરોગેટ પ્રચારના આરોપો અંગે મુંઢેએ જણાવ્યું હતું કે એફડીએ એ પોતાની કાયદાકીય સત્તાઓની મર્યાદામાં રહીને કાર્યવાહી કરી છે. જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદા અનુસાર પગલાં લેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ વ્યક્તિ જાણીતી હસ્તી હોય કે સામાન્ય નાગરિક, કાયદાના અમલમાં કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં.

મુંઢેએ આ મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની કલમ 24 અને વર્ષ 2018માં અમલમાં મૂકવામાં આવેલા જાહેરાત સંબંધિત નિયમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ઉત્પાદનની જાહેરાત કે પ્રચાર કરતા પહેલાં તેની કાયદેસરતા ચકાસવાની જવાબદારી એન્ડોર્સર્સ એટલે કે જાહેરાતમાં ઉત્પાદનને સમર્થન આપતી હસ્તીઓની પણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કલાકારોએ પોતાના શબ્દો, વર્તન અને પ્રસ્તુતિ દ્વારા જે ઉત્પાદનનો પ્રચાર કરે છે, તે લાગુ પડતા નિયમોનું પાલન કરે છે તેની ખાતરી કરવી જોઈએ.

એફડીએ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે જે કલાકારોને નોટિસ આપવામાં આવી હતી તેમના જવાબ વિભાગને મળી ગયા છે. હવે તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે ફરીથી સુનાવણીની તક આપવામાં આવશે. ત્યાર બાદ મળેલી માહિતી અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે. મુંઢેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'જે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે, તેણે કાયદાનો સામનો કરવો પડશે.'

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જાહેરાત સંબંધિત નિયમો માત્ર પ્રતિબંધિત ઉત્પાદનો પૂરતા મર્યાદિત નથી, પરંતુ તમામ ખાદ્ય પદાર્થોને લાગુ પડે છે. તેથી ખાદ્ય ઉત્પાદનોની જાહેરાત, પ્રચાર અને તેના દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી માહિતીમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. ભ્રામક જાહેરાતો સામે કાર્યવાહી કરતી વખતે ઉત્પાદનની શ્રેણી અને તેના પ્રચાર સાથે જોડાયેલી વ્યક્તિઓની જવાબદારીને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

તુકારામ મુંઢેએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે એફડીએ કોઈ વ્યક્તિની લોકપ્રિયતા, સામાજિક પ્રતિષ્ઠા કે વ્યવસાયના કદને ધ્યાનમાં લીધા વિના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરશે. આ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે સેલિબ્રિટીઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતો પણ નિયમનકારી તપાસના દાયરામાં રહેશે અને પ્રચાર કરતાં પહેલાં ઉત્પાદનની કાયદેસરતા તથા ગ્રાહકોને આપવામાં આવતી માહિતી અંગે પૂરતી કાળજી રાખવી પડશે.