કોલકાતાઃ દેશમાં ચાના ખરીદદારોમાં સ્પર્ધાત્મકતા વધે તે માટે ટી બોર્ડ ઈન્ડિયા લિલામ કેન્દ્રોની સંખ્યા વધારવાનો લક્ષ્યાંક રાખી રહ્યું છે તેમ જ ઉત્પાદકોને પાકના સારા ભાવ મળે તે માટે એઆઈ અને ડ્રોન ટેક્નોલૉજી જેવાં ટેક્નોલૉજિકલ હસ્તક્ષેપ સાથે સ્માર્ટ પ્લાન્ટેશનને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવી રહ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ટી રિસર્ચ એસોસિયેશનની 62મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા ટી બોર્ડના ઉપાધ્યક્ષ સી મુરુગને સારા ભાવની ઊપજ માટે હાલમાં ચાલી રહેલા લિલામના સુધારાઓ પર ભાર મૂક્યો હતો.
જ્યારે કેન્દ્રીય પ્રધાન પવિત્રા માર્ગરેટાએ ચા ઉદ્યોગ માટે તૈયાર કરવામાં આવેલા વિશ્વના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મૉડૅલ પ્રોજેક્ટ ટોકલાઈનું લોકાર્પણ કર્યું હતું. નોંધનીય બાબત એ છે કે ટોકલાઈએ આસામના જોરાહાટમાં આવેલું એક સ્થળ છે, જ્યાં વિશ્વની સૌથી જૂની ચા સંશોધન સંસ્થા આવેલી છે અને આ એઆઈ પ્લેટફોર્મનું નામ તેના પરથી રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદકોની અપેક્ષા મુજબ ભાવની પ્રાપ્તિ નથી થઈ રહી. તાજેતરમાં અમે લિલામ પ્રક્રિયામાં સુધારા માટે ઘણી પહેલ કરી છે અને અમને આશા છે કે આ સુધારાઓ ભવિષ્યમાં ઉદ્યોગને સારા ભાવ મેળવવામાં લાભદાયી થશે.
વધુમાં મુરુગને કહ્યું હતું કે બોર્ડ કાર્યરત લિલામ કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અમે આસામના દિબ્રુગઢ અને જોરહાટ ખાતે બે લિલામ કેન્દ્રો ખોલ્યાં છે. અને આ મહિનાના અંતે અગરતાલા ખાતે વધુ એક લિલામ કેન્દ્ર ખોલશું. આ ઉપરાંત જલ્પાઈગુડી લિલામ કેન્દ્ર ટૂંક સમયમાં શરૂ કરવાની સાથે અરૂણાચલ પ્રદેશનું પણ સર્વેક્ષણ કરી રહ્યા છીએ. નોંધનીય બાબત એ છે કે દેશમાં કોલકાતા, સિલિગુડી, ગુવાહાટી, કુન્નુર, કોઈમ્બત્તુર અને કોચીન ખાતે ચાનાં લિલામ કેન્દ્રો છે.
ટી બોર્ડ લિલામ કેન્દ્રો વધારવાની સાથે સેમ્પલ (નમૂના)ની સાઈઝને તર્કસંગત બનાવવા જઈ રહ્યું છે અને કયા ખરીદદારોને મફત સેમ્પલ મળશે તેનો નિર્ણય કરવા ઉત્પાદકોને સશક્ત બનાવાશે, એમ તેમણે જણાવ્યું હતું. જોકે, આવા પગલાંથી ઉત્પાદકોને સારા ભાવ કઈ રીતે મળી શકશે ? એવા પ્રશ્નના ઉત્તરમાં મુરુગને જણાવ્યું હતું કે હાલ લિલામ પ્રક્રિયામાં બહુ ઓછા ખરીદદારો સહભાગી થઈ રહ્યા છે, પરંતુ જ્યારે તમે રજિસ્ટર્ડ થયેલા ખરીદદારોનેે સહભાગી થવા મંજૂરી આપશો તો સ્પર્ધાત્મકતા વધશે અને ઉત્પાદકોને તેની ઊપજના સારા ભાવ ઊપજશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે ટી બોર્ડ સ્માર્ટ પ્લાન્ટેશનને ટેકો આપવાની યોજના ઘડી રહ્યું છે. અમે આ કુન્નુરમાં આ સ્કીમ અમલી કરી છે. સ્માર્ટ પ્લાન્ટેશન એ ટેક્નોલૉજીલક્ષી છે. તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજનન્સ, ડ્રોન સર્વેક્ષણ આધારિત પેસ્ટ અને રોગને અંકુશમાં રાખવા અને જીપીએસ ટેક્નોલૉજીના ઉપયોગનો સમાવેશ થાય છે. તે માટે અમે ઉત્તરપૂર્વ અને પશ્ચિમ બંગાળના ડુઆર્સ વિસ્તારોને સ્માર્ટ પ્લાન્ટેશનમાં રૂપાંતરિત કરવા માટેના વિસ્તારો ઓળખી કાઢવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર