Mon Oct 05 2026

Logo

કથા કોલાજઃ હું જીવી ત્યાં સુધી મારું વેર પણ જીવ્યું!

2026-09-10 07:51:29
Author: Kajal oza Vaidya
કથા કોલાજઃ હું જીવી ત્યાં સુધી મારું વેર પણ જીવ્યું!

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 2)
નામ: એન બોલેઇન
સમય: જાન્યુઆરી, 1559
સ્થળ: વેસ્ટમિનિસ્ટર એબે, લંડન
ઉંમર: 58 વર્ષ (જો જીવિત હોત તો)

મારા મામા, થોમસ હાવર્ડ, નોરફ્લોકના ત્રીજા ડ્યૂક. ઇંગ્લૅન્ડથી થોડા દિવસ માટે હીવર કાસલ-એની બહેન એલિઝાબેથ હાવર્ડને ત્યાં રજાઓ ગાળવા આવ્યા હતા. મેરીનાં લગ્ન મારા મામાને બહુ ગમ્યા નહોતા, કારણ કે, એણે એક ઉમરાવ સાથે લગ્ન કર્યા હોવા છતાં લંડન જઈને વસવાને બદલે હીવર કાસલની સાદી અને કંટાળાજનક જિંદગી પસંદ કરી હતી. મારા મામા ખૂબ મહત્ત્વાકાંક્ષી હતા, એવી જ હું પણ હતી. મેરીને લંડનના મહાલયોમાં કોઈ રસ નહોતો, પણ મને તો ત્યાં જ પહોંચવું હતું. 

મારા મામાની ઇચ્છા હતી કે, મેરીને ઇંગ્લૅન્ડના રાજા હેન્રી 8માની સામે રજૂ કરવામાં આવે, પરંતુ એણે લગ્નની ઉતાવળ કરી એટલે હવે મારા મામાની નજરમાં હું હતી. એમણે મારા પિતાને સમજાવ્યું કે જો ઇંગ્લૅન્ડનો રાજા મારામાં રસ લે તો આવનારાં વર્ષોમાં થોમસ બોલેઇન કેટલો પ્રભાવશાળી બની શકે! એની દીકરી જ્યારે ઇંગ્લૅન્ડની રાણી બને ત્યારે થોમસ બોલેઇન પાસે કેટલી સત્તા હોઈ શકે એ વિચારે મારા પિતા લલચાઈ ગયા. એમણે ઇંગ્લૅન્ડના રાજાને પોતાના મિત્ર થોમસ હાવર્ડ સાથે રજાઓ ગાળવાનું આમંત્રણ આપ્યું. રાજા જ્યારે અહીં આવે ત્યારે એમનું ધ્યાન ખેંચવું, એમને મારામાં રસ પડે એ રીતે વર્તવું અને એમને મારા પ્રેમમાં પાડવાનું કામ મને સોંપવામાં આવ્યું. 

મેં ખુશી ખુશી સ્વીકારી લીધું, કારણ કે મને તો એમાં મોટી ચૅલેન્જ દેખાતી હતી, પણ મારી મા આ પ્રપંચથી ખુશ નહોતી. એણે મારા પિતાને ચેતવણી આપી કે ઇંગ્લૅન્ડના રાજાના જીવનમાં કોઈ સ્ત્રી લાંબો સમય ટકી શકતી નથી. એમની પ્રેમિકાઓ બદલાતી રહે છે, એટલું જ નહીં, બદલાયેલી પ્રેમિકા પછી જૂની પ્રેમિકાના હાલ પૂછવા જેટલું પણ રાજામાં સૌજન્ય નથી. 

મારી માને ભય હતો કે ઇંગ્લૅન્ડના રાજા હેન્રી 8માને કદાચ મારામાં રસ પડી જાય, એ મને લંડન લઈ જાય તો પણ એ સંબંધ લાંબો સમય નહીં ટકી શકે. મારી માને ખાતરી હતી કે હું એમની અનેક રખાતોમાંથી એક બનીને રહી જઈશ! હેન્રી 8મો પરિણીત હતો અને પ્રથમ પત્ની જીવતી હોય ત્યાં સુધી બીજાં લગ્ન કરવાની કે છૂટાછેડાની કેથલિક સમાજમાં છૂટ નહોતી.

રાજા હેન્રીની પત્ની કેથરિન ઑફ આરાગોન એક સજ્જન પતિવ્રતા સ્ત્રી હતી, પરંતુ એ વારંવાર મૃત સંતાનોને જન્મ આપતી રહી. ઇંગ્લૅન્ડને રાજ્ય વારસ મળતો નહોતો એવામાં એમની એક દીકરી જીવિત રહી, પરંતુ દીકરો ન થયો. કેથરિનની તબિયત ખૂબ ખરાબ રહેતી અને હેન્રી 8મો રસિક સ્ત્રીઓમાં રત રહેતો, આસક્ત પુરુષ હતો. એને રાજ્યના વારસની જરૂર હતી, પરંતુ કેથરિનના મૃત્યુ સુધી એ બીજાં લગ્ન કરી શકે નહીં, એવો વેટિકનનો કાયદો હતો. 

હેન્રી 8મો મનોમન અકળાતો હતો, કારણ કે બીમાર, પથારીમાં પડેલી અનેક બાળકો જણી જણીને થાકી ગયેલી કેથરિન એને કશું જ આપી શકતી નહોતી. હેન્રી યુવાન હતો, એની સત્તા મજબૂત હતી, મગજમાં એ સત્તાનો મદ હતો અને ઇંગ્લૅન્ડ જેવા રાજ્યના રાજા હોવાનો ગર્વ હતો. એને એક સ્ત્રીની જરૂર હતી... મારા મામાએ મને હેન્રીની સામે ચારો બનાવીને ફેંકવાનું નક્કી કર્યું, જેમાં મારા પિતા સહમત થયા! એથી વધુ નવાઈની વાત તો એ છે કે હું મારી જાતને વસ્તુ તરીકે પ્રદર્શિત કરવા, રાજાનું ધ્યાન આકર્ષવા અને એને મારા પ્રેમમાં ગિરફ્તાર કરવા માટે પેંતરા કરવા તૈયાર હતી! 

ઇંગ્લૅન્ડનો રાજા મારા પિતાનું નિમંત્રણ સ્વીકારીને હીવર કાસલ આવવા તૈયાર થયા. એમના પરમ મિત્ર એવા મારા મામા અહીં હતા, વળી એમને મારા સૌંદર્ય વિશે, મારી આવડત વિશે જાતભાતની વાતો કરવામાં આવી. કદાચ એથી પણ એમનો રસ જાગૃત થયો હોવો જોઈએ. ઇંગ્લૅન્ડનો રાજા પોતાના અનેક સૈનિકો અને તંબુનો રસાન લઈને હીવર કાસલ આવી પહોંચ્યો...
 
પહેલા દિવસે તો એમને મારી સાથે મજા પડી, પરંતુ બીજે દિવસે શિકાર કરવા નીકળતા હતા ત્યારે એમણે મને પૂછ્યું, તું કોના ઘોડાની પાછળ બેસીશ? મેં કહ્યું, મારા પોતાના ઘોડા પર. રાજાને આ જવાબ ગમ્યો નહીં એટલું ઓછું હોય એમ શિકાર વખતે મેં એમની પણ આગળ મારો ઘોડો દોડાવ્યો. એમના રાજસી અભિમાન અને પુરુષત્વને ઠેસ પહોંચી, એટલે એમણે મારી આગળ નીકળવાનો પ્રયત્ન કર્યો જેમાં એ ઘોડા પરથી પડ્યા... એમનો પગ મચકોડાઈ ગયો, ને મારા વિશે એમના મનમાં ચીડ બેસી ગઈ. 

આમ જોવા જાઓ તો મેં કંઈ કર્યું નહોતું. હું સ્પષ્ટ વક્તા, ઉદ્દંડ, તોફાની હતી જ... પરંતુ ઇંગ્લૅન્ડના રાજાને આવી સ્ત્રી નહીં ગમે એવી મને ખબર નહોતી! મારા મામા અને પિતા ઘણા નિરાશ થયા, કારણ કે એ પછીના દિવસોમાં રાજાએ મને એમની સેવામાં મોકલવાની કડક ના પાડી...

મારે બદલે મેરીને મોકલવામાં આવી. મેરીની સરળતા, સ્નેહભીનો સ્વભાવ, કાળજી અને નમ્રતા સામે હંમેશની જેમ મારા અવગુણો વધારે કાળા અને કડવા દેખાયા. હેન્રી સ્ત્રીઓનો સ્વભાવ જાણતો જ હશે એટલે એણે પાછા જતી વખતે મેરીની સામે ઊભા રહીને કહ્યું, તું સુંદર છે. તારી નમ્રતા, કાળજી અને સ્નેહ જેવા ગુણોથી હું અભિભૂત થયો છું. હું તારા પતિને ઇંગ્લૅન્ડના દરબારમાં બોલાવીશ. તારે ના નથી પાડવાની, કારણ કે મારે તારી ત્યાં જરૂર છે... મારા મામા, થોમસ હાવર્ડ પોતાના મિત્ર અને ઇંગ્લૅન્ડના રાજાનો આટલો ઇશારો ન સમજે એટલા ભોળા નહોતા. 

એમણે મારા પિતાને પોતાની બીજી દીકરીને ઇંગ્લૅન્ડના રાજાને આકર્ષવા માટે મોકલવા મનાવી લીધા. મેરી પરિણીત હતી, એનાં પ્રેમ લગ્ન હતાં, એ વિલિયમને ચાહતી હતી તેમ છતાં મારા પિતા અને મામાએ એને ફરજ પાડી કે એ રાજાના રસને થોડો વધુ બહેલાવે. એમને પોતાના તરફ આકર્ષે એટલું જ નહીં, એમની સાથે શારીરિક સંબંધ બાંધવા પણ એને મજબૂર કરી. મેરીએ શરૂઆતમાં વિરોધ કર્યો, પરંતુ પિતાની લાલચ અને મામાના દુરાગ્રહ સામે મેરીનું કંઈ ચાલ્યું નહીં... ટૂંકમાં, મેરી અને વિલિયમ ઇંગ્લૅન્ડના મહેલમાં વસવા માટે પોતાનો નાનકડો સુખી સંસાર લઈને લંડન પહોંચી ગયાં.

શરૂઆતમાં મેરીએ આનાકાની કરી હશે, પરંતુ હેન્રી દેખાવમાં આકર્ષક હતો. ઇંગ્લૅન્ડ જેવા માતબર રાજ્યનો રાજા હતો. વૈભવ અને મહાલયનું જીવન જોઈને મેરીની ‘ના’ બહુ ટકી નહીં હોય એમ હું માનું છું... હેન્રી મેરીના પ્રેમમાં પાગલ થઈ ગયો. એણે કેથરિનને પોતાના મુખ્ય મહાલયથી દૂર એક નાનકડા, પરંતુ સગવડભર્યા આવાસમાં રહેવાની ફરજ પાડી. હવે મેરી જ હેન્રીના દિવસ-રાતની ઝંખના બની ગઈ. મેરીના પતિ વિલિયમને રાજા હેન્રીએ નેધરલૅન્ડના રાજદૂત તરીકે મોકલી આપ્યો, જેથી એ ઇંગ્લૅન્ડથી દૂર રહે અને મેરીને એના પ્રશ્ર્નોનો ઉત્તર આપવો ન પડે. રાજા અને મેરી એકબીજાના પ્રેમમાં પાગલ હતાં. મારા મામા ખુશ અને પિતા સંતુષ્ટ હતા.

હું અપમાનિત અને તિરસ્કૃત હતી. મેરી ઉપરનો મારો ગુસ્સો ફૂંફાડા મારતો હતો ત્યારે અચાનક મારી નજરમાં હેન્રી પર્સી વસી ગયો. એ ઇંગ્લૅન્ડના શક્તિશાળી અને અમીર ઘરનો દીકરો હતો. અમે એકમેકને પ્રેમ કરવા લાગ્યાં. પર્સીના વિવાહ મેરી ટેલ્બોટ સાથે નક્કી થઈ ચૂક્યા હતા અને એના પિતા એ વિવાહ કોઈ રીતે તોડે એમ નહોતા. રાજાના મુખ્ય સલાહકાર હોવાને નાતે જો હેન્રી પર્સી સાથેના એન્ગેજમેન્ટ તૂટે તો ટેલ્બોટ પરિવાર પર્સી પરિવારને ખતમ કરી શકે... હેન્રીને તાત્કાલિક મેરી ટેલ્બોટ સાથે લગ્ન કરવાં પડ્યાં, ને હું ફરીથી એકલી પડી. થોમસ વોલ્સી, જે રાજાના સલાહકાર હતા એમણે મારા અને હેન્રી પર્સીના સંબંધને તોડાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હું એમને ક્યારેય માફ કરી શકી નહીં. 

હું એવી જ હતી... જીવી ત્યાં સુધી મારું વેર પણ જીવ્યું. મારી બહેન હોય કે દરબારના સલાહકાર, મારા પ્રેમને, મારા અહમને ચોટ પહોંચાડનાર દરેક વ્યક્તિને મેં બરાબરનો પાઠ ભણાવ્યો. મેરી મારી સાથેની હરીફાઈમાં જીતીને ઇંગ્લૅન્ડના રાજાની પ્રેમિકા બની, એ માટે એને સજા કરવાની મારા મનમાં સતત ઇચ્છા રહેતી. એવી જ રીતે વોલ્સી, જેમણે મારો અને હેન્રી પર્સીનો સંબંધ તોડાવ્યો એમને પણ મારે સીધા કરવા હતા... હું ફ્રાંસમાં રહેતી હતી, પરંતુ મારા મગજમાં ઇંગ્લૅન્ડ પહોંચવાના રસ્તા શોધ્યા કરતી. કહે છે ને, તમે બહુ હૃદયથી કશુંક ઇચ્છો તો યુનિવર્સ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બનાવી આપે છે-મારી સાથે પણ એવું જ થયું. મેં ધાર્યું નહોતું એવી રીતે મારી સામે લંડન પહોંચવાનો રસ્તો આપમેળે ખૂલી ગયો.   (ક્રમશ:)