Mon Oct 05 2026

Logo

શું રશિયામાં પ્લેગ ફેલાયો? લેબમાં એક મહિલા સંશોધકનું મોત થતાં હડકંપ, 200 લોકો ક્વોરૅન્ટીન

2026-10-05 12:06:00
Author: Vimal Prajapati
શું રશિયામાં પ્લેગ ફેલાયો? લેબમાં એક મહિલા સંશોધકનું મોત થતાં હડકંપ, 200 લોકો ક્વોરૅન્ટીન

મોસ્કોઃ રશિયા જે અત્યાર સુધી યુક્રેન યુદ્ધ અને ક્રૂડ ઓઈલને લઈને વિશ્વમાં ચર્ચામાં હતું, પરંતુ હવે સ્વાસ્થ્યને લઈને ફરી વિશ્વની નજર રશિયા પર કેન્દ્રીત થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયામાં આઈબેરિયાઈ વિસ્તારમાં ઇર્કુત્સ્કમાં એક મહિલા રિસર્ચનું મોત થયું છે. આ મહિલાના મોત ઇન્ફેક્શનના કારણે થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટનાને લઈ દેશ-વિદેશમાં પ્લેગને લઈને ચિંતા વધી ગઈ છે. રશિયાની આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી એ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી કે તે મહિલાનું મૃત્યુ પ્લેગને કારણે થયું હતું કે પછી તે વિસ્તારમાં પ્લેગ જેવો કોઈ રોગ ફેલાઈ રહ્યો છે!

એન્ટી પ્લેગ સંશોધન સંસ્થામાં આ ઘટના બની

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સમગ્ર ઘટના ઇરકુત્સ્ક વિસ્તારના શેલેખોવમાં આવેલ એન્ટી પ્લેગ સંશોધન સંસ્થામાં બની છે. રશિયન સ્વાસ્થ્ય એજન્સીઓના અહેવાલ પ્રમાણે આ મહિલા કર્મચારીનું મોત કોઈ અજ્ઞાત કારણે થયું છે. પ્લેગ અંગે સત્તાવાર રીતે હજી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. એવું જાણવા મળ્યું છે કેસ પ્રયોગશાળાના કર્મચારીને ન્યુમોનિયા થયો હતો. તેમની સ્થિતિ ક્રમશઃ બગડતી ગઈ અને અંતે તેમનું મૃત્યુ થયું છે. પરંતુ આ મોતના કારણે વિશ્વભરના દેશોની નજર અત્યારે રશિયા પર છે.

મહિલાનું મોત ન્યુમોનિયાના કારણે થયું હોવાનો દાવો

ઇર્કુત્સ્ક નજીક શેલેખોવમાં આવેલી 'એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' વિશ્વના સૌથી ઘાતક અને ચેપી રોગો પર સંશોધન કરે છે. આ મહિલાનું મોત ન્યુમોનિયાના કારણે થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ મહિલા એન્ટી પ્લેગ સંશોધન સંસ્થામાં કામ કરતી હોવાના કારણે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે, એન્ટી પ્લેગ સંશોધન સંસ્થામાં જ્યારે મહિલા કામ કરી રહી હતી ત્યારે પ્લેગ બેક્ટરિયા વાળી એક ટેસ્ટ ટ્યુબ તૂટી હોવાની ઘટના ઘટી હતી! જોકે, આ મામલે વિગતો સાચી છે તેની હજી કોઈ સત્તાવાર પુષ્ટી કે જાહેરાત કરવામાં આવી નથી.

200 થી પણ વધારે લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યાં

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મહિલા સાથે સંપર્કમાં આવેલા દરેક લોકોને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે, 200 થી પણ વધારે લોકોને હોસ્પિટલમાં ક્વોરૅન્ટીન કરવામાં આવ્યાં છે. જો કે, આ ક્વોરૅન્ટીન કરેલા લોકોમાં બીમારીના કોઈ લક્ષણ દેખાયા નથી. અત્યારે જેની ચર્ચા થઈ રહી છે તે ઇન્ફેક્શનનું નામ ન્યુમોનિક પ્લગ છે, આ પ્લેગને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. આ વાઇરસ વ્યક્તિને ફેફસામાં સીધી અસર કરે છે, જે ખાસ કરીને હવાના કારણે ફેલાય છે.