Mon Oct 05 2026

Logo

તને કદી એકલા ફરવા જવાનું મન થાય?

2026-09-24 13:11:00
Author: Kaushik Mehta
તને કદી એકલા ફરવા જવાનું મન થાય?

કૌશિક મહેતા

ડિયર હની,
એક સવાલ પૂછું? તને કદી એકલા ફરવા જવાનું મન થાય ખરું? ક્યારેય આવી ઇચ્છા થઈ હતી અને થઈ હોય તો તું ક્યારેય એકલી ફરવા ગઈ હતી ખરી? તને થશે કે આ પ્રશ્ર્ન મને થયો કેમ? કેમ ના થાય? યુવકો એકલા ફરવા જાય છે એના અનેક દાખલા પણ છે, પણ યુવતીઓમાં આવા દાખલા કેટલા? યુવતીએ એકલા જવું હોય તો ઘરેથી પરમિશન લેવી પડે છે, જે સરળતાથી મળતી નથી, જ્યારે યુવકોને મળી જાય છે.

ફરી અહીં વાત લિંગ અસમાનતાની આવી જાય છે, પણ આ આપણા સમાજની વાસ્તવિકતા છે. હજુય છોકરીઓને ક્યાંય એકલા ફરવા જવું હોય તો મા-બાપ સરળતાથી મંજૂરી આપતાં નથી. અપરિણીત હોય કે પરિણીત... યુવતીઓ માટે આવી મંજૂરી મળવી આસાન નથી. આમ છતાં કેટલાકે આ બંધનો તોડ્યાં  છે, જે જાણવા  માટે ઇતિહાસમાં જવું પડે. ઇતિહાસમાં એવી ઘણી સાહસિક મહિલાઓ થઈ છે જેમણે રૂઢિચુસ્ત સમાજ અને જોખમો સામે લડીને દુનિયામાં એકલા ફરવાની શરૂઆત કરી હતી અને માર્ગ બનાવ્યો હતો.

અઈદા પફેઇફિર... ઑસ્ટ્રિયાની આ મહિલાને વિશ્વની પ્રથમ સોલો મહિલા ટ્રાવેલર અને ટ્રાવેલ રાઇટર માનવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોમાં કેદ હતી ત્યારે તેમણે 40 વર્ષની ઉંમર પછી એકલાં જ મધ્ય પૂર્વ, ભારત, ઇન્ડોનેશિયા અને ઉત્તર ધ્રુવ પ્રદેશોની સફર ખેડી હતી અને પોતાના પ્રવાસો વિશે પુસ્તકો પણ લખ્યાં હતાં. 

અઇદાનું બાળપણથી જ દુનિયા જોવાનું અને મુસાફરી કરવાનું સ્વપ્ન હતું, પરંતુ લગ્ન એક સરકારી અધિકારી સાથે થયાં અને બે સંતાનોની માતા બન્યાં. જ્યાં સુધી બાળકો મોટાં ન થયાં અને પતિનું અવસાન ન થયું ત્યાં સુધી તેમણે પોતાની જવાબદારીઓ નિભાવી. 42 વર્ષનાં થયાં (એટલે કે 1842માં), ત્યારે તેમણે પોતાના બાળપણના  સપનાને પૂરું કરવાનું નક્કી કર્યું અને સોલો ટ્રાવેલિંગની શરૂઆત કરી.

પહેલી મોટી સફર 1842માં પેલેસ્ટાઈન, ઇજિપ્ત અને મિડલ ઈસ્ટના દેશોની કરી. આ પ્રવાસ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ચોરો-લૂંટારાઓનો ભય હતો, છતાં તે હિંમત ન હાર્યાં . આ પ્રવાસ પરથી તેમણે પોતાનું પહેલું પુસ્તક લખ્યું, જે ખૂબ લોકપ્રિય થયું અને તેમને આર્થિક રીતે પણ મદદ મળી.

અઈદાએ બે વાર દુનિયાભરનાં ચક્કર લગાવ્યાં હતાં. 1846થી  1848 દરમિયાન પ્રથમ વર્લ્ડ ટૂર કરી. આ પ્રવાસમાં તેમણે બ્રાઝિલનાં ગાઢ જંગલો, ચીલી, પક્ષીઓની ટાપુઓ, ભારત (મુંબઈ, કલકત્તા વગેરે), ઇરાક, પર્શિયા અને મિડલ ઈસ્ટની મુસાફરી કરી. જહાજમાં મુસાફરી કરતી વખતે તોફાનો અને ચાંચિયાઓ (pirates) સામે પણ લડ્યાં હતાં.

બીજી વર્લ્ડ ટૂર 1851-1855 દરમિયાન કરી. આ સફરમાં તેમણે દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને મલેશિયા તથા ઇન્ડોનેશિયા (બોરિનિયો અને સુમાત્રા)ના અજાણ્યા આદિવાસી વિસ્તારોની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે નરભક્ષક જાતિઓ વચ્ચે પણ સમય વિતાવ્યો હતો.

આવી જ એક બીજી મહિલા છે નેલી બ્લાઈ. એ પત્રકાર હતી. 1889માં માત્ર 72 દિવસમાં ટ્રેન અને અન્ય વાહન દ્વારા એકલા જ આખી દુનિયાનું ચક્કર લગાવીને ઇતિહાસ રચ્યો હતો. તેમના આ સાહસે દુનિયાભરની સ્ત્રીઓને પ્રવાસ માટે પ્રેરિત કરી હતી.

એ જ રીતે બ્રિટિશ સંશોધક ફ્રેયા સ્ટાર્કે 19મી સદીના અંતમાં એકલા હાથે મિડલ ઇસ્ટ (ઈરાન, ઇરાક, યમન, વગેરે)ના અજાણ્યા અને જોખમી વિસ્તારોની મુસાફરી કરી હતી. તેમણે સોલો ટ્રાવેલ વિશે કહ્યું હતું : ‘અજાણ્યા શહેરમાં એકલા જાવું એ દુનિયાની સૌથી સુંદર અનુભૂતિ છે.!’

ભારતમાં પણ આવી મહિલાઓ છે. શિવ્યા નાથ ભારતીય સોલો વુમન ટ્રાવેલર્સમાં ખૂબ જ જાણીતું નામ છે. તેણે 23 વર્ષની નાની વયે કૉર્પોરેટ નોકરી છોડીને કાયમી ધોરણે સોલો ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું અને  ‘ધી શૂટિંગ સ્ટાર’ નામે બ્લૉગ દ્વારા ભારતમાં સોલો ટ્રાવેલ કલ્ચરને લોકપ્રિય બનાવવામાં મોટો ફાળો આપ્યો છે.

કેરળની સાહસિક મહિલા નજી નૌશીએ તો પોતાની થાર ગાડીમાં એકલાં જ 21 દેશોનો પ્રવાસ ખેડીને અદ્ભુત સાહસ દાખવ્યું છે, જેમાં તાલિબાન શાસિત અફઘાનિસ્તાન જેવા જોખમી પ્રદેશોનો પણ સમાવેશ થાય છે તો મુંબઈની રુતવી મહેતાએ જેસલમેરથી શિલોંગ સુધી 3,000 કિલોમીટર લાંબી ઑટો-રિક્ષા સોલો રાઇડ કરીને તથા ન્યૂઝી લૅન્ડથી લઈને યુરોપ સુધી બૅકપૅકિંગ કરીને ભારતીય મહિલાઓની ક્ષમતા સાબિત કરી છે.

હવે તો આવા દાખલાનું પ્રમાણ વધ્યું છે. પ્રવાસ કરવો અને એમાંય એકલા પ્રવાસ કરવો એના અનુભવ અને અનુભૂતિ સાવ અલગ હોય છે. જાણીતી ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યે પણ આવી સફર કરી છે અને એના વિશેે લખ્યું છે : ‘આવી સફર કરવી જોઈએ. હું મહિલા છું એટલે ઘણી બધી જવાબદારી છે કે સલામતીનું શું? એવા પ્રશ્ર્નો મનમાં જરૂર ઊઠે પણ એને અતિક્રમી સોલો ટ્રાવેલ કરવું જોઈએ. એકલા ફરવા જવું એ જાત સાથે પનારો પાડવા જેવું પણ છે. એનો અનુભવ એક મહિલા-યુવતીએ જરૂર લેવો જોઈએ અને હા, એ વિશે લખવું પણ જોઈએ.’

ગુજરાતી ભાષામાં પ્રવાસ પુસ્તક લખનાર પ્રથમ મહિલા મહારાણી નંદકુંવરબા હતાં. એમણે 1902માં ‘ગોમંડળ પરિક્રમા’ પુસ્તક લખ્યું. જેમાં તેમણે પોતાના વિશ્ર્વભ્રમણ અને પ્રવાસના અનુભવોનું અદ્ભુત આલેખન કર્યું હતું. તું પણ આવો કૈક વિચાર કર ને...
તારો બન્ની