Mon Oct 05 2026

Logo

મેલ મેટર્સઃ પાપા કી પરી ને મમ્મીનો લાડલો... બન્નેના ઉછેરમાં સમાનતાનાં મૂલ્યોનું કેટલું મહત્ત્વ?

2026-10-01 12:39:00
Author: Ankit Desai
મેલ મેટર્સઃ પાપા કી પરી ને મમ્મીનો લાડલો... બન્નેના ઉછેરમાં સમાનતાનાં મૂલ્યોનું કેટલું મહત્ત્વ?

અંકિત દેસાઈ

આજના આધુનિક અને વેગવંત સમાજમાં આપણી ભાષા અને સોશ્યલ મીડિયામાં બે શબ્દ ખૂબ જ પ્રચલિત બન્યા છે  ‘પાપા કી પરી’ અને ‘મમ્મીનો લાડલો’. પ્રથમ દૃષ્ટિએ આ બંને શબ્દો અત્યંત નિર્દોષ, વાત્સલ્યસભર અને માતા-પિતાનાં સંતાનો પ્રત્યેના પ્રેમ તેમજ લાગણીને વ્યક્ત કરતાં પ્રતીક  લાગે છે, પરંતુ જો આ ખ્યાલોનું થોડું ઊંડાણપૂર્વક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે કે આ રૂપકોમાં ક્યાંક ને ક્યાંક આપણી પરંપરાગત લિંગભેદ આધારિત માનસિકતા અને અસમાન ઉછેરની ઝાંખી છુપાયેલી છે. 

જ્યારે આપણે પુત્રીને માત્ર એક નાજુક ‘પરી’ ગણીને તેના રક્ષણની જવાબદારી અન્ય પર છોડી દઈએ છીએ અને પુત્રને ‘લાડલો’ બનાવીને તેની તમામ ભૂલો કે જવાબદારીહીન વર્તનને નજર અંદાજ કરી દઈએ છીએ ત્યારે આપણે અજાણતાં જ સમાજમાં એક મોટું અસંતુલન ઊભું કરીએ છીએ. આથી જ વર્તમાન સમયમાં બંનેના ઉછેરમાં સમાનતાનાં મૂલ્યો વણી લેવાં તે માત્ર ઇચ્છનીય નથી, પરંતુ એક અત્યંત અનિવાર્ય અને મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે.

સમાજની રચનામાં કૌટુંબિક સમાનતા એ પાયાની ઈંટ છે. પેઢીઓથી ચાલ્યા આવતા રૂઢિચુસ્ત વિચારોએ આપણાં ઘરોમાં સ્પષ્ટ શ્રમવિભાજન કરી દીધું હતું. દીકરીને ઘરકામ, સહનશીલતા અને નમ્રતાના પાઠ ભણાવવામાં આવતા, જ્યારે દીકરાઓને બહારનાં કામ, સાહસિકતા અને નિર્ણાયકતાની છૂટ આપવામાં આવતી. 

આ માનસિકતા દીકરીઓને સ્વાવલંબી બનતાં અને દીકરાઓને સંવેદનશીલ બનતાં અટકાવે છે. જ્યારે માતા-પિતા પોતાના બાળકોને જાતિના ચશ્માં પહેર્યા વગર માત્ર એક ‘મનુષ્ય’ તરીકે જુએ છે ત્યારે સમાનતાના સાચા ઉછેરનો પ્રારંભ થાય છે. સમાનતાનો અર્થ એવો નથી કે બંને વચ્ચેની કુદરતી કે શારીરિક ભિન્નતાઓને નકારી દેવી, પરંતુ તેનો વાસ્તવિક અર્થ એ છે કે બંનેને વિકાસ માટે સમાન તક, સમાન અધિકાર અને સમાન જવાબદારી સોંપવી.

જે ઘરમાં પુત્ર અને પુત્રી બંનેને એકસરખા સ્નેહ અને શિસ્ત સાથે ઉછેરવામાં આવે છે ત્યાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જ્યારે એક પિતા પોતાની દીકરીને માત્ર રક્ષણ આપવાની જગ્યાએ તેને આત્મરક્ષણ, આત્મવિશ્વાસ અને આર્થિક નિર્ણયશક્તિ શીખવે છે ત્યારે તે ખરા અર્થમાં એક સક્ષમ નાગરિક બને છે. તેને માત્ર ‘પરી’ બનાવીને કાચના મહેલમાં રાખવાને બદલે વાસ્તવિક દુનિયાના પડકારો સામે લડતાં શીખવવું જરૂરી છે. 

તેવી જ રીતે માતા પોતાના પુત્રને માત્ર રાજકુમારની જેમ સેવાઓ આપવાને બદલે તેને પોતાનાં કામ પોતે કરવાનું, રસોડાના કામમાં મદદ કરવાનું અને ઘરની જવાબદારીઓ વહેંચવાનું શીખવે છે ત્યારે તે એક જવાબદાર વ્યક્તિ બને છે. ઘરકામ એ કોઈ સ્ત્રીનું એકચક્રી શાસન નથી, પણ જીવન જીવવાની એક પાયાની કળા છે, જે દીકરા અને દીકરી બંનેને આવડવી જ જોઈએ.

સમાનતાનાં મૂલ્યો આધારિત ઉછેરનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે ભવિષ્યના સમાજમાંથી હિંસા, અહંકાર અને અસમાનતાનાં દૂષણોને નાબૂદ કરે છે. જે છોકરો પોતાના ઘરમાં પોતાની બહેન સાથે સમાન વ્યવહાર થતો જુએ છે અને પોતાની માતાને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાન ભાગીદાર તરીકે જુએ છે, તે મોટો થઈને ક્યારેય સ્ત્રીને ઊતરતી કક્ષાની નહીં ગણે. તેનામાં સ્ત્રી પ્રત્યે માન, આદર અને સમાનતાની ભાવના સહજ રીતે કેળવાશે. તેનાથી વિપરીત, જે દીકરીને ઘરમાં સાંભળવામાં આવે છે અને જેના વિચારોને મહત્ત્વ આપવામાં આવે છે તે ભવિષ્યમાં પોતાના જીવનના નિર્ણયો આત્મવિશ્વાસથી લઈ શકશે અને કોઈ પણ પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવી શકશે.

બાળકોના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પણ સમાન ઉછેર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર પરંપરાગત સમાજમાં પુરુષો પર ‘મજબૂત’ હોવાનો અને પોતાની લાગણીઓ ન દર્શાવવાનો અદૃશ્ય બોજ હોય છે. ‘છોકરાઓ રડે નહીં’ એવા વાક્યો બોલીને આપણે નાનપણથી જ દીકરાઓની સંવેદનશીલતાને કચડી નાખીએ છીએ. આના કારણે મોટા થઈને તેઓ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકતા નથી અને માનસિક તણાવ કે ક્રોધનો ભોગ બને છે. 

જો મમ્મીના લાડલાને પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની, રડવાની અને નબળાઈ દર્શાવવાની છૂટ આપવામાં આવે તો તે એક વધુ સંવેદનશીલ અને સંતુલિત માણસ બની શકે છે. એ જ રીતે દીકરીને હંમેશાં નમ્ર અને સહનશીલ રહેવાનું શીખવવાને બદલે પોતાના હકની વાત કરવા અને સ્પષ્ટવક્તા બનવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.

માતા-પિતાનું વર્તન એ બાળકો માટે સૌથી મોટો પાઠ્યપુસ્તક છે. બાળકો જે સાંભળે છે તેના કરતાં જે જુએ છે તેમાંથી વધુ શીખે છે. જો ઘરમાં માતા અને પિતા વચ્ચે સમાનતા, પરસ્પર આદર અને જવાબદારીઓની યોગ્ય વહેંચણી હશે તો તેમનાં બાળકો પણ એ જ મૂલ્યો સાથે મોટાં થશે. ઘરના નિર્ણયોમાં બંને સંતાનોની વાતને સરખું મહત્ત્વ આપવું, રમકડાં કે કપડાંની પસંદગીમાં લિંગ આધારિત ભેદભાવ ન રાખવો જેમ કે દીકરીને માત્ર ઢીંગલીઓ અને દીકરાને માત્ર ગાડીઓ જ આપવી, અને બંનેને તમામ ક્ષેત્રોમાં આગળ વધવાની સમાન તક આપવી એ આજના સમયની માગ છે.

ટૂંકમાં ‘પાપા કી પરી’ કે ‘મમ્મીનો લાડલો’ હોવામાં કશું જ ખોટું નથી, જો તે પ્રેમાળ સંબંધોનું એક મધુર સરનામું હોય, પરંતુ આ પ્રેમ જ્યારે અંધપ્રેમ બનીને દીકરાને બેજવાબદાર અને દીકરીને નિંર્ભર બનાવી દે  ત્યારે તે ચિંતાનો વિષય બને છે. જો આપણે એક સ્વસ્થ, સુસંસ્કૃત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું હોય તો આપણે આપણી આગામી પેઢીને માત્ર લાડકોડમાં ઉછેરવાને બદલે સમાનતા, જવાબદારી, સંવેદનશીલતા અને પરસ્પર આદરનાં મૂલ્યોથી સિંચિત કરવી પડશે. દીકરો અને દીકરી એ કુટુંબરૂપી રથનાં બે સમાન પૈડાં છે. જો બંનેને સમાન શક્તિ, શિક્ષણ અને આત્મવિશ્ર્વાસ આપવામાં આવે તો જ સમાજનો વિકાસ યોગ્ય દિશામાં અને યોગ્ય ઝડપે થઈ શકશે.