અનવર વલિયાણી
ઈન્સાનને આ દુનિયામાં જગતકર્તા અલ્લાહે પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યો છે. જેમ એકબીજા દેશના પ્રતિનિધિઓ પોતપોતાના દેશના નિયમોને ધ્યાનમાં રાખી કાર્ય કરે છે તેવું જ કાર્ય ઈન્સાને ધર્મની આચારસંહિતા, કાયદા, કાનૂન, ઈન્સાને મદે્નજર, ધ્યાનમાં રાખી કરવાના હોય છે જેને ઈસ્લામની પરિભાષામાં ‘શરિયત’ કહે છે. એજ પ્રમાણે પયંગબર હઝરત મુહંમ્મદ સાહેબ, ઈમામો, ખલિફા- રાજ્યકર્તાઓ પ્રજા સાથે જે નેક ભલાઈભર્યો વ્યવહાર કર્યો તેને હદીસ કહેવામાં આવે છે.
શરિયતના હદમાં રહીને કરવામાં આવતું દરેક કાર્ય ઈબાદત, અલ્લાહની સ્તૂતિ: પૂજાપાત્ર સમાન છે.
*અલ્લાહનાં કાર્યોને મજાક- મસ્તી ન સમજો.
*અલ્લાહે જે તમારા પર અહેસાન, ઉપકાર, કૃપા, મહેરબાની કરેલ છે તેને કોઈપણ સંજોગમાં ભૂલશો નહીં.
*ઈસ્લામ તેની ઉમ્મત- પ્રજાને ફક્ત બંદગી (ભક્તિ)માં જ લીન રહેવાનું કહેતો નથી બલ્કે ઈસ્લામ સખત પરિશ્રમ દ્વારા રોજીરોટી મેળવવાનું બંદા પર ફરજ ઠેરવેલ છે અને મહેનતકશોની તારીફ (પ્રસંશા) કરે છે.
આખરી પયંગબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ. અ. વ.) ફરમાવે છે કે, ‘તે ખાણું સૌથી ઉત્તમ પ્રકારનું છે જે પોતાની મહેનત અને ઈમાનદારીથી મેળવીને આરોગવામાં આવ્યું હોય.’
હિદાયતમાં તો દુન્યવી મહેનતને પણ ઈબાદત (પ્રાર્થના, ભક્તિ)ના દરજ્જા સુધી લઈ જઈ શકાય તેવી નસિહત (બોધ) મળી રહેવા પામે છે. પોતાની ફરજો પૂરી કરતાં રહીને વફાદારીથી નોકરી કરવામાં આવે તો તે ઈબાદત છે. ઈમાનદારીથી વેપાર- તીજારત કરવામાં આવે તો તે પણ ઈબાદત છે.
શરિયતની મર્યાદામાં રહીને કરવામાં આવેલું તે તમામ કાર્ય, કે જે મહેનત- પરિશ્રમ કરીને- આજીવિકા મેળવેલ હોય તે ઈબાદતનો જ એક ભાગ દરજ્જો રાખે છે. મતલબ કે મોમીન (એક સાચા મુસલમાન)ની પ્રત્યેક મહેનતમાં ઈબાદત અને પ્રત્યેક ઈબાદતમાં મહેનત હોવી જોઈએ.
ફરમાવવામાં આવ્યું છે કે, ‘અય મુસલમાનો! તમે અમારી યાદીમાં લાગ્યા રહો જેથી અમારે ત્યાં પણ તમારા માટે મુક્તિની ઘોષણા થતી રહે. અને જગતકર્તા જેના માટે મુક્તિનો નિર્ણય કરી લે છે, પછી તેને શું કમી રહે?
માનવી માત્ર સાચા ખોટાની સમજ ધરાવે છે, પરંતુ માણસજાત એટલી બધી અહેસાન ફરામોશ (નગુણી) થઈ ગઈ છે, કે અલ્લાહતઆલાના આ અતિ અમૂલ્ય તોહફા (ભેટ)નો ગેરલાભ ઉઠાવે છે યાદ રાખવું ઘટે કે પશુ- પક્ષીઓ પણ અન્ન માટે જમીન પર પોતાનું મસ્તક (માથુ) નમાવતા હોય છે અને જો હક અને અનહક, જાઈઝ અને નાજાઈઝને સમજવાની આટલી સમજ પ્રાણી માત્રને આપવામાં આવી હોય તો અલ્લાહે ઈન્સાનને પોતાનો પ્રતિનિધિ બનાવીને આ દુનિયામાં મોકલ્યો છે તેને કેટલી ઊંડી સમજશક્તિ પ્રદાન કરી હશે? પણ અફસોસ! આદમની ઔલાદ આ દેણગીને ભૂલી બેઠો છે અને રોશનીને બદલે અંધકાર તરફ ઘસડાતો જઈ રહ્યો છે.
વ્હાલા વાચક બિરાદરો! પવિત્ર કુરાનમાં ખુદાવંદે કરીમ અસનાદ, સદા સત્ય ઉચ્ચારનાર સત્યવાદી પયંબર હુઝુરે અનવર સલ. કહે છે કે-
‘...એ મોમિન, આસ્થા- શ્રદ્ધા લાવનાર ભાગ્યશાળી છે જે અલ્લાહની યાદમાં સતત પરોવાયેલો રહે છે. અલ્લાહની યાદમાં, તેના સ્મરણમાં ગૂંથાયેલા રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આ બાબતના લાભ અગણિત છે. રૂહ એટલે કે આત્માની ઉન્નતિ માટે તેની સુધારણા માટે, આચાર વિચારની પ્રગતિ, પ્રેરણાદાયક બનવા માટે અલ્લાહતઅલાની સ્તૂતિ જેવો બીજો કોઈ ઉત્ત્મોત્મ ઉપાય આના સિવાય બીજો કયો હોઈ શકે?
શરીરની ગંદકી તો ન્હાવા ધોવાથી સ્વચ્છ થઈ જશે પણ હૃદયમાં રહેલી ખરાબીને સાફ કરવા માટે અલ્લાહ- તઆલાનું જ સ્મરણ જરૂરી છે, અગત્યનું છે. માત્ર સ્નાન કરી પાક થઈ ગયા એ વાત સાચી પણ દિલોદિમાગની સ્વચ્છતાનું મૂલ્ય તો અમૂલ્ય- અનેકગણું અધિક છે. મન સાફ ન હોય તો કશું જ સાફ નથી એમ સમજી લેવું.
*નિખાલસતા ધર્મનું આભૂષણ છે એવું આભૂષણ જેનું મૂલ્ય અમૂલ્ય છે.
હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમની આજ્ઞાઓનું ઉલ્લંઘન ગુનાઓ તરફ દોરી જવા પ્રેરતો હોય છે અને જાણતા સમજતા હોવા છતાં તેની સાવધાની ન રાખીએ કે તે પ્રત્યે આંખ આડા કાન ધરી દઈએ તે તેના જેવો અજ્ઞાની બીજો કોણ હોઈ શકે? અને એટલે જ સૌથી જરૂરી પ્રેરકબળ જો કોઈ હોય તો તે એક જ છે કે અલ્લાહતઆલાની યાદ-સ્મરણમાં પરોવાયેલી રહેવું, મસ્ત રહેવું, પ્રસન્ન રહેવું.
વ્હાલા વાચક મિત્રો! ખરેખર અલ્લાહની યાદમાં એટલી મીઠાશ છે જેટલી મીઠાશ આપણે મધ, ગોળ કે ખાંડમાં પણ માણી નહીં હશે. સાચા દિલ, શાંત મનથી મગ્ન થઈને કોઈપણ સ્મરણ કે જે અલ્લાહતઆલાની યાદમાં દોરી જતું હોય તેને ધ્યાનમાં રાખવું સૌથી શ્રેષ્ઠ...! એકવાર આ ઉત્તમ ટેવ દિલોદિમાગમાં સ્થાન ગ્રહણ કરી લેશે પછી એ સનાતન સત્ય સમજી લો બેડો પાર જ છે. કારણ દીવા જેવું સ્પષ્ટ છે: જ્યારે તમે અલ્લાહને યાદ કરો છો તો અલ્લાહતઆલાએ વચન આપ્યું જ છે કે ‘ફઝકુરૂની અઝ કુરકુમ...!’ અર્થાત્ ‘તુમ મુઝે યાદ કરો, મેં તુમ્હે યાદ કરુંગા...!’ માશા અલ્લાહ: અલ્લાહ મહાન છે.
અલ્લાહના દરબારમાં પળેપળની નોંધ લેવાય છે. તમામ કામો એવા ચપટીમાં પૂર્ણ થશે કે કોઈ ગમે તેટલું ઈચ્છે તો પણ તે કામને અવરોધી નહીં શકે- બગાડી નહીં શકે તેવો આ લખનારનો જાત અનુભવ છે. અલ્લા પ્રત્યેની સાચા મનથી આસ્થા કોઈ પણ કામને સરળ બનાવવામાં ઉપયોગી બની રહેવા પામે છે.
પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે કે, ‘અલ્લાહને વિશેષ પ્રમાણમાં યાદ કરતા રહો કે જેથી તમે સફળ થાઓ...!’
*સફળ થવા માટે વિકળ થવાની કે નાસીપાસ થવાની સહેજે જરૂર નથી.
*અલ્લાહનું સતત ઝિક્ર (યાદ) જ આપણને એવા માર્ગે દોરી જશે જેની કલ્પના સુધ્ધાં કરી નહીં હોય.
*‘જેઓ ઊભા રહીને તેમજ બેસીને અથવા પડખા પર સૂતા સૂતા અલ્લાહને યાદ કરે છે તેઓ પણ સન્માર્ગે દોરાઈને કામિયાબી- સફળતા હાંસલ કરી લેવા સમર્થ બની શકશે.
*કોઈપણ સ્થિતિમાં પાક- સાફ થઈને અલ્લાહતઆલાનું સ્મરણ તમારા શ્ર્વાસોશ્ર્વાસમાં રમતું થઈ જાય ત્યાં સમગ્ર વિશ્ર્વની પ્રસન્નતા તમારા હૃદયમાં છવાઈ જશે.
*અલ્લાહની ખુશી માટે જે કાંઈ સન્માર્ગે કરશો, નિખાલસ દિલથી કરશો, મનના ખજાના ખોલી નાખશો એળે નહીં જાય.
*આપણી જાન, માલ-મિલક્ત, ઈજ્જત-આબરૂ આલ- ઔલાદનો તે માલિક છે. કણકણમાં, રોમેરોમમાં, બુંદબુંદમાં તે વસેલો છે. ‘હમાઉસ્ત’ અર્થાત્ અલ્લાહનું જ છે.
*આ દુનિયા ક્ષણભંગુર છે, ફના (આશવંત) છે માત્રને માત્ર અલ્લાહની યાદ જ હંમેશાં જીવંત રહેશે અને કણેકણ સ્મરણ કરનારની સાક્ષી આપશે.
આ સંદર્ભમાં હદીસ શરીફમાં- ફરમાવવામાં આવ્યું છે કે કેટલાંક સહાબીઓ દ્વારા હુઝૂરે અનવર, રસૂલે ખુદા (સલ)ને અરજ વ્યક્ત કરવામાં આવી કે, ‘સઘળાં કામોમાં ક્યું કામ શ્રેષ્ઠ છે?’
આપ હુઝૂર (સલ)એ ફરમાવ્યું, ‘મૃત્યુ સમયે અલ્લાહની યાદમાં જીભ પરોવાયેલી હોય!’ આપ (સલ)એ એ પણ ફરમાવ્યું કે,
*અલ્લાહને યાદ કરનારો યાદ ન કરનારા ગાફિલો (અજ્ઞાનિઓ) વચ્ચે એવો છે જાણે મડદાઓ વચ્ચે જીવતો માણસ હોય છે.
*સૂકા ઘાસ વચ્ચે લીલું વૃક્ષ હોય છે.
*ભાગતા સૈનિકો વચ્ચે અડીખમ ઊભો રહેનાર સૈનિક સમાન હોય છે.
*આજ ક્ષણથી અલ્લાહના સ્મરણમાં જીભ પરોવાયેલ રાખો જીભને પ્રવૃત્ત રાખવી જ ઉત્તમ અને ફાયદેમંદ છે.
*એ મોમિન નસીબદાર હશે જેને આ પ્રેરણા પ્રાપ્ત થઈ જાય. ઝિકરૂલ્લાહ સે ગાફિલ મોમિન નહીં રહતે અનવર અકલમંદી કા યે સલીકા ઉનકી ઝિંદગીકા ખઝાના હૈ...!
સાપ્તાહિક સંદેશ:
* અલ્લાહ પર એતબાર, ભરોસાો અને તેનું સતત સ્મરણ બંદાનો બેડો પાર કરે છે:
ગુજર જાએગા યહ વક્ત ભી ગાલિબ,
જરા ઈત્મીનાન રખ
જબ ખુશી ના ઠહરી,
તો ગમ્ કી કયા ઔકાત