ગાંધી જયંતી નિમિત્તે ટોક શો 'શેખર ટુનાઇટ'માં બોલીવૂડના મુન્નાભાઈ એટલે કે સંજય દત્ત દ્વારા દેશના વર્તમાન માહોલ અંગે આપવામાં આવેલા નિવેદને મોટો રાજકીય ભૂકંપ સર્જ્યો છે. સંજુબાબાને આ શોમાં જવું ખૂબ જ ભારે પડ્યું છે. શો દરમિયાન સંજય દત્તે દેશમાં શાંતિના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પગલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર વાક્યુદ્ધ શરૂ થઈ ગયું છે.
એક ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે અભિનેતાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરવો પડ્યો હતો કે તેમનું નિવેદન માત્ર એક હળવા સંવાદ અને 'મુન્નાભાઈ' સ્ટાઈલની 'ગાંધીગીરી'નો હિસ્સો હતું. તેમ છતાં બંને પક્ષો વચ્ચે રાજકીય નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી.
ટોક શો દરમિયાન 'મુન્નાભાઈ' શૈલીમાં વાત કરતાં સંજય દત્તે કહ્યું હતું કે, આ દેશના લોકો ખૂબ સારા છે અને અહીં શાંતિ હોવી જરૂરી છે. મને હવે આપણા દેશમાં પહેલા જેવી શાંતિ અનુભવાતી નથી. આપણે હંમેશાં અતિથિ દેવો ભવઃમાં માનનારા અને મોટા દિલવાળા રહ્યા છીએ. હું ભગવાન શિવને પ્રાર્થના કરું છું કે તે જૂના સુમેળભર્યા દિવસો જલ્દી પાછા આવે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે સંજુબાબા મજાકિયા અંદાજમાં વડા પ્રધાન બનવાની કલ્પના કરતાં તેમણે ટિપ્પણી કરી હતી કે, જો હું વડા પ્રધાન બનીશ તો વિદેશ પ્રવાસો કરવાને બદલે દેશની જનતા વચ્ચે જ રહીશ, જેથી લોકો સાથેનો સીધો સંપર્ક જળવાઈ રહે.
ભાજપના અગ્રણી નેતાઓએ આ નિવેદન સામે આકરો વાંધો દર્શાવ્યો હતો. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભારત 80 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આજે એક સ્થિર, સુરક્ષિત અને વિકાસશીલ દિશામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં શાંતિનો માહોલ છે. જો કોઈને અહીં સમસ્યા જણાતી હોય કે માહોલ અનુકૂળ ન લાગતો હોય, તો તેઓ દેશ છોડીને બીજે ક્યાંય પણ જવા માટે સ્વતંત્ર છે.
ભાજપના નેતાઓએ સંજય દત્તના યુએઈ (UAE) ગોલ્ડન વિઝા અને પરિવારના દુબઈમાં રહેઠાણ તરફ ઈશારો કરતાં કહ્યું કે, દેશ બહાર રહેતા લોકો ભારતના આંતરિક વાતાવરણ પર સવાલ ઉઠાવીને રાષ્ટ્રની વૈશ્વિક છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ સંજય દત્તનો બચાવ કરતાં કહ્યું હતું કે સંજય દત્તે દેશના હાલના સામાજિક વાતાવરણનું વાસ્તવિક સત્ય રજૂ કર્યું છે. તેમના અંતરમનમાંથી દેશની સ્થિતિ અંગેનો સાચો અવાજ નીકળ્યો હતો. જો આ માત્ર સ્ક્રિપ્ટ હતી, તો આટલું સાચું નિવેદન અચાનક કેમ બહાર આવ્યું? સંજય દત્ત ભૂતકાળમાં જેલ અને કાનૂની મુશ્કેલીઓ વેઠી ચૂક્યા છે, એટલે સંભવતઃ દબાણ હેઠળ આવીને તેમણે સ્પષ્ટતા કરવી પડી હશે.
કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષના રાજમાં અસહિષ્ણુતા એટલી વધી ગઈ છે કે કોઈપણ જાણીતી વ્યક્તિ દેશની સ્થિતિ પર વાત કરે તો તેને તરત દેશ છોડી જવાની ધમકીઓ મળવા લાગે છે.
વિવાદ વધુ વકરતાં સંજય દત્તે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી હતી. જેમાં સંજુબાબાએ લખ્યું હતું કે મારો આશય કોઈ વ્યક્તિ, પક્ષ કે સમુદાયની લાગણી દુભાવવાનો બિલકુલ નહોતો. તે માત્ર એક સ્ક્રિપ્ટેડ, મનોરંજક અને હળવાશભર્યો સંવાદ હતો. 'મુન્નાભાઈ'ની ગાંધીગીરીની જેમ મારો હેતુ માત્ર પ્રેમ અને ભાઈચારો વ્યક્ત કરવાનો હતો. મારા નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું છે.