Mon Oct 05 2026

Logo

પાંચ દિવસ થઈ ગયા...ભારતીય શૂટર્સ ગોલ્ડ મેડલને નિશાન બનાવી જ નથી શકતા

Nagoya   2026-09-24 16:19:05
Author: Ajay Motiwala
પાંચ દિવસ થઈ ગયા...ભારતીય શૂટર્સ ગોલ્ડ મેડલને નિશાન બનાવી જ નથી શકતા

નાગોયાઃ વિશ્વ સ્તરના મોટા રમતોત્સવમાં નિશાનબાજી ભારતીયોની એક સૌથી મોટી તાકાત ગણાય છે, પરંતુ જાપાનની એશિયન ગેમ્સ શરૂ થયાને પાંચ દિવસ થઈ જવા છતાં ભારતીય શૂટર્સના ગોલ્ડ મેડલ તરફના નિશાન સતત નિષ્ફળ જઈ રહ્યા છે. ભારતીય નિશાનબાજો ચાર સિલ્વર મેડલ અને ચાર બ્રૉન્ઝ મેડલ જીત્યા છે, પરંતુ હજી સુધી એકેય ગોલ્ડ નથી મળી શક્યો. એશિયન સ્પર્ધામાં તો ભારતીય શૂટર્સ પાવરહાઉસ તરીકે જાણીતા છે, પણ આ વખતે જે સ્થિતિ છે એવું ભારત માટે અગાઉ ભાગ્યે જ બન્યું છે.

મોટી સ્પર્ધાઓમાં ભારતીય શૂટર્સ ગોલ્ડ મેડલ જીતવામાં કાબેલ ગણાતા હોય છે. હરીફ દેશોના શૂટર્સ (Shooters)ને ભારતીય નિશાનબાજોનો સૌથી વધુ ડર રહેતો હોય છે, પણ એશિયન ગેમ્સમાં ભારતીય નિશાનબાજોના પાસાં ઊલટા પડી રહ્યા છે. ગુરુવારે મેન્સ 10 મીટર ઍર પિસ્તોલ ટીમ હરીફાઈમાં ભારતીયો સુવર્ણચંદ્રક જીતવા માટે જાણીતા છે, પરંતુ એમાં પણ નિરાશા મળી હતી. કમલજીત, આકાશ ભારદ્વાજ અને કેદારલિંગ ઉચાગનવે આઠ નિશાનબાજોવાળી ફાઇનલમાં જ નહોતા પહોંચી શક્યા.

કમલજીત (Kamaljeet) ફાઇનલના પ્રવેશથી એક પૉઇન્ટ દૂર રહી ગયો હતો. તે 580ના સ્કોર સાથે નવમા સ્થાને રહ્યો હતો, જ્યારે ભારદ્વાજ 579ના સ્કોર સાથે 11મા નંબરે અને કેદારલિંગ 568ના સ્કોર સાથે છેક 35મા સ્થાને રહ્યો હતો. ભારતીયોનો 1,727નો કુલ ચોથા સ્થાન માટે પૂરતો હતો, પરંતુ જાપાન તક ઝડપીને 1,730ના સ્કોર સાથે બ્રૉન્ઝ મેડલ માટેની સ્થિતિમાં આવી ગયું હતું.

બુધવારે ઑલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર તેમ જ એશા સિંહ અને સુરુચિ સિંહની ત્રિપુટી 10 મીટર ઍર પિસ્તોલની ફાઇનલમાં નહોતી પહોંચી શકી.

2022માં 28 ગોલ્ડ, આ વખતે હજી એક જ

2022માં ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતીયો કુલ 28 ગોલ્ડ મેડલ જીત્યા હતા, પરંતુ આ વખતે પાંચ કરતાં વધુ દિવસ થઈ જવા છતાં ભારતીયોના ફાળે (ગુરુવારે બપોર સુધીમાં) એક જ ગોલ્ડ મેડલ આવ્યો અને એ પણ મહિલા ક્રિકેટરોએ અપાવ્યો. 2022માં ભારતે કુલ 106 ચંદ્રક જીતી લીધા હતા અને ચોથા નંબર પર હતું, જ્યારે આ વખતે હજી સુધી માંડ 15 મેડલ આવ્યા છે જેમાં એક ગોલ્ડ, છ સિલ્વર તથા આઠ બ્રૉન્ઝ સામેલ છે અને ભારત છેક 14મા નંબરે હતું.