Tue Oct 06 2026

Logo

વ્યાપક સુધારાને ટેકે ભારત આઠ ટકા વૃદ્ધિ હાંસલ કરવાની નજીકઃ શક્તિકાંતા દાસ

2026-10-05 19:44:50
Author: Ramesh Gohil
વ્યાપક સુધારાને ટેકે ભારત આઠ ટકા વૃદ્ધિ હાંસલ કરવાની નજીકઃ શક્તિકાંતા દાસ

નવી દિલ્હીઃ જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)માં કરવામાં આવેલા સુધારા, લક્ષ્યાંક આસપાસનો ફુગાવો, બૅન્કિંગ ક્ષેત્રે સુધારા અને રાજકોષીય સ્તરે સ્થિરતાની પ્રતિબદ્ધતા જેવાં પગલાંઓને ધ્યાનમાં લેતા ભારત આઠ ટકા વૃદ્ધિદર હાંસલ કરવાની નજીક હોવાનું વડા પ્રધાનનાં મુખ્ય સચિવ અને રિઝર્વ બૅન્કનાં ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું. 

અત્રે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધતાં શક્તિકાંતા દાસે ગત રવિવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતની સ્થિતિસ્થાપકતા વ્યાપક અને પારસ્પારિક મજબૂતીકરણ અને સુધારાનું પરિણામ છે. તેમણે જણાવ્યું હતું કે જુલાઈથી સપ્ટેમ્બર, 2025-26થી એપ્રિલથી જૂન 2026-27 સુધીના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવે તો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ આઠ ટકા કરતાં વધુ છે, જે મેં થોડા મહિના પહેલા ફાઈનાન્સિયલ ટાઈમ્સ લંડનમાં આપેલા નિવેદન સાથે સુસંગત છે કે ભારત આઠ ટકા વિકાસ દરનાં નોંધપાત્ર અંતરે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં તેમણે ગત જૂન અંતના ત્રિમાસિકગાળામાં જોવા મળેલા 7.8 ટકાના વૃદ્ધિદર માટે મજબૂત સ્થાનિક માગ અને અનુકૂળ રોકાણ પરિસ્થિતિના આકર્ષક પ્રદર્શનને આભારી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે ભારતની સ્થિતિસ્થાપકતા આકસ્મિક નથી. તે વ્યાપક અને પરસ્પર મજબૂતીકરણ અને સુધારાઓનું પરિણામ છે. છેલ્લા એક દાયકામાં હાથ ધરવામાં આવેલા સુધારા એક વખતના પગલાં નહોતા, પરંતુ બફર બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા, જે અર્થતંત્રમાં વિક્ષેપો પાડતા અંશોને શોષવા અને ઝડપથી વિકાસ પુનઃ પ્રાપ્ત કરવા માટે મદદ કરનાર હતા. 

આ પ્રકારનાં પગલાં લવચીક ફુગાવાના લક્ષ્યાંક, જીએસટીની રજૂઆત, રાજકોષીય પ્રતિબદ્ધતા, ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અને બૅન્કિંગ ક્ષેત્રનાં સુધારાનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે બાહ્ય ક્ષેત્રનાં સૂચકાંકો વ્યાપકપણે સ્થિતિસ્થાપક રહ્યા છે, જે નિકાસ, વૈવિધ્યકરણ, મુક્ત વેપાર કરાર, સર્વિસીસ વેપારમાં સતત પુરાંત અને સ્થિર ઈનવર્ડ રેમિટન્સ દ્વારા સમર્થિત છે. ભારત તેની વિકાસયાત્રાનાં મહત્ત્વપૂર્ણ બિંદુ પર છે અને ઉચ્ચ વૃદ્ધિદર ટકાવી રાખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વ્યૂહરચના મુખ્યત્વે બે પૂર સ્તંભો પર આધારિત છે, જેમાં પહેલું સ્વદેશી પાયાના મૉડૅલોમાં રોકાણ દ્વારા સાર્વભૌમ ક્ષમતા અને બીજું ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ માળખું, સેમિક્નડક્ટર વિકાસ અને મજબૂત નવીનતાસભર ઈકોસિસ્ટમનો સમાવેશ થતો હોવાનું જણાવતાં તેમણે ભારતનાં વિસ્તરતા આર્થિક સ્તરને ટેકો આપવા માટે નાણાકીય ક્ષેત્રને વધુ ગાઢ બનાવવાનું આહ્વાન કર્યું હતું.