Mon Oct 05 2026

Logo

ડૉલર સામે રૂપિયો 10 પૈસા ગબડ્યો

2026-10-05 19:48:50
Author: Ramesh Gohil
ડૉલર સામે રૂપિયો 10 પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારના બંધ સામે 10 પૈસા નબળો પડીને 96.35ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ગાંધી જયંતીની જાહેર રજા હોવાથી બજાર બંધ રહી હતી. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારના 96.25ના બંધ સામે સાધારણ સુધારા સાથે 96.20ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.35 અને ઉપરમાં 96.20ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 10 પૈસા તૂટીને 96.35ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત ગુરુવારે ડૉલર સામે રૂપિયો 96ની મનોવૈજ્ઞાનિક સપાટી ગુમાવીને 96.25ના મથાળે બંધ રહ્યો હતો. 

જોકે, આજથી શરૂ થઈ રહેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ત્રણ દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદર અંગે ક્ેવો નિર્ણય લેવામાં આવશે તેની અનિશ્ચિતતા વચ્ચે સાવચેતીનો અભિગમ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિદેશી ફંડોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ અને ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેતાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થઈને 95.95થી 96.50ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. 

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે અગાઉ રિઝર્વ બૅન્કે ફેબ્રુઆરી, 2023માં રિપોરેટ 25 બેસિસ પૉઈન્ટ વધારીને 6.25 ટકા કર્યા હતા. ત્યાર બાદ વર્ષ 2023-24 દરમિયાન વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા અને ત્યાર બાદ ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં રિપોરેટ 5.25ની સપાટીએ છે. 

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.25 ટકા વધીને 102.18 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.22 ટકા વધીને બેરલદીઠ 102.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 472.77 પૉઈન્ટ અને 133.80 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા. તેમ જ ગત ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 9484.22 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.