Mon Oct 05 2026

Logo

મેન્સ ટી-20માં ભારત સીધું સેમિમાં પહોંચી ગયું: જાણો, કેવી રીતે અને કોની સામે રમશે

Nishin   2026-09-28 11:00:00
Author: Ajay Motiwala
મેન્સ ટી-20માં ભારત સીધું સેમિમાં પહોંચી ગયું: જાણો, કેવી રીતે અને કોની સામે રમશે

પાકિસ્તાન પણ પહોંચી ગયું સેમિ ફાઈનલમાં, ભારત સામે ફાઈનલ રમાશે?

નિશીન (જાપાન): એશિયન ગેમ્સ ટી-20 ટૂર્નામેન્ટમાં આજે અહીં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કવૉર્ટર ફાઈનલ રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે આ મૅચ ન રમાઈ હોવાથી ભારત (India)ને સીધો સેમિ ફાઇનલ (Semi Final)માં પ્રવેશ મળી ગયો છે. મહિલાઓની ટી-20માં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગયા અઠવાડિયે જ દેશને ગોલ્ડ મેડલ અપાવી દીધો હતો.

ભારતીય ટીમમાં કોણ કોણ?

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ માટે હવે ગોલ્ડ મેડલ માત્ર બે ડગલાં દૂર છે. શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની ટીમમાં સંજુ સૅમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી તેમ જ ઈશાન કિશન (વિકેટકીપર), તિલક, અભિષેક, અર્શદીપ, બુમરાહ, શિવમ દુબે, અક્ષર પટેલ, વિપ્રજ નિગમ, બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર અને યશ ઠાકુરનો સમાવેશ છે.

સેમિ ફાઈનલ ક્યારે કોની સામે?

ગુરૂવાર, પહેલી ઑક્ટોબરે (સવારે 10:30 વાગ્યાથી) આ જ સ્થળે ભારતની સેમિ ફાઇનલ શ્રીલંકા અથવા નેપાળ સામે રમાશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ક્વૉર્ટર ફાઈનલમાં ટૉસ પણ નહોતો થઈ શક્યો. પિચ અને આઉટફીલ્ડ રમવાલાયક ન હોવાને મૅચ રદ જાહેર કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટના નિયમ મુજબ રેન્કિંગને આધારે ભારતને સીધો સેમિ ફાઇનલમાં પ્રવેશ મળી ગયો હતો.

પહેલી ક્વૉર્ટર ફાઈનલ આ જ સ્થળે પાકિસ્તાન અને હોંગ કોંગ વચ્ચે રમાવાની હતી, પણ ખૂબ વરસાદ પડ્યો હોવાથી આ મૅચ પણ નહોતી રમાઈ. પાકિસ્તાનને સીધું સેમિફાઇનલમાં જવા મળી ગયું છે. ક્વૉટર ફાઇનલ રાઉન્ડની બીજી બે મુખ્ય ટીમમાં શ્રીલંકા અને બાંગ્લાદેશનો સમાવેશ છે.

જો ભારત અને પાકિસ્તાન પોતપોતાની ફાઈનલ જીતી જશે તો શનિવારે ત્રીજી ઑક્ટોબરની ફાઇનલમાં બંને વચ્ચે ટક્કર થશે.