લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. જેમાં બીએસપી પ્રમુખ માયાવતીના ભત્રીજા આકાશ આનંદની પક્ષમાં વાપસી થઇ છે. તેમને બીએસપીના રાષ્ટ્રીય સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ચૂંટણીઓ માટે ઉત્સાહપૂર્વક વ્યાપક તૈયારીઓ
આ અંગે માયાવતીએ પોતાના એકસ હેન્ડલ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, એ સર્વવિદિત છે કે પૂજનીય બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અને તેમના સમર્પિત અનુયાયી માન્યવર કાંશીરામજી, જેઓ 'બહુજન' સમાજના હિત માટે સમર્પિત હતા.તેમના અપ્રતિમ બલિદાન, જીવનભરના કઠિન સંઘર્ષો અને ઉચ્ચ આદર્શો હંમેશાં પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. આ માર્ગને અનુસરીને જ BSPએ રાષ્ટ્રીય રાજકારણમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. તેમજ હાલમાં સમાજના તમામ વર્ગોને સાથે લઈને, ખાસ કરીને આગામી યુપી વિધાનસભા ચૂંટણીઓ માટે ઉત્સાહપૂર્વક વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે."
પક્ષમાં શિસ્ત જાળવી રાખવા કઠોર નિર્ણયો લીધા
માયાવતીએ વધુમાં કહ્યું, "મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર 'બહુજન સમાજ' માત્ર મારું અંગત વર્તુળ નહીં એ મારો વિશાળ પરિવાર છે. તેમના હિત અને કલ્યાણ મારા માટે સર્વોપરી છે અને હંમેશાં રહેશે. આ બાબતને ધ્યાનમાં રાખીને, અને ખાસ કરીને પક્ષમાં શિસ્ત જાળવી રાખવા માટે, મેં તાજેતરના દિવસોમાં કેટલાક કઠોર નિર્ણયો લીધા છે.મારા પોતાના ભાઈ-બહેનો અને તેમના પરિવારો પણ આ બાબતમાં ક્યારેય અપવાદ રહ્યા નથી, અને આ હકીકત સૌ કોઈ જાણે છે."
આકાશ આનંદનું વર્તન સામાન્ય રીતે સંતોષકારક રહ્યું
માયાવતીએ જણાવ્યું હતું કે, જોકે પાર્ટીમાં આકાશ આનંદનું વર્તન સામાન્ય રીતે સંતોષકારક રહ્યું છે, તેમ છતાં તેમની સાથે જોડાયેલા કેટલાક એવા મુદ્દાઓ હતા જેના કારણે પાર્ટીના સંગઠનમાં જરૂરી ફેરફારો કરવા પડ્યા અને આખરે તેમના સસરા અશોક સિદ્ધાર્થને રાજકારણમાંથી નિવૃત્ત થવાની ફરજ પડી. ત્યારથી લોકોએ આકાશ આનંદના વ્યક્તિત્વ અને કાર્યશૈલીમાં નોંધપાત્ર ફેરફારો જોયા છે. તેનું એક ઉલ્લેખનીય ઉદાહરણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પાર્ટીમાં તેમની વાપસી અંગેની તેમની તાજેતરની પોસ્ટ છે.એક એવી પોસ્ટ જેણે ઘણી ચર્ચા જગાવી છે.
આકાશ આનંદની વિનંતીને માન્ય રાખી
માયાવતીએ જણાવ્યું કે, પક્ષમાં એવી સર્વસંમતિ સધાઈ છે કે આકાશ આનંદની વિનંતીને માન્ય રાખીને તેમને અગાઉની જવાબદારીઓ ઉપરાંત પક્ષ માટે ફરીથી કામ કરવાની તક આપવામાં આવે. આ ઉપરાંત ઈશાન આનંદે તો ત્યાં સુધી કહ્યું છે કે તેઓ કોઈપણ સત્તાવાર હોદ્દો ધારણ કર્યા વિના કોઈપણ જવાબદારી સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણભાવ સાથે નિભાવવા તૈયાર છે.