તેલ અવીવ: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટને હાઈજેક કરવાના ઘાતકી પ્રયાસ પાછળ એક અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈટાલીના જાણીતા અખબારના અહેવાલ મુજબ, ઓમાની કો-પાઈલોટ હમામ અલ-હમ્મામીએ ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી, પ્લેનનો કબજો મેળવીને તેને તેલ અવીવની એક વિશાળ ગગનચુંબી ઈમારત સાથે અથડાવવાનું ભયાનક આયોજન કર્યું હતું.
ફ્લાયદુબઈની ફ્લાઈટને લઈ અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી
તપાસકર્તાઓ અને ફ્લાઇટ ક્રૂના નિવેદનો આધારિત રિપોર્ટ પ્રમાણે, કો-પાઈલોટ અલ-હમ્મામીએ કોકપિટમાં નમાજ પઢવાનું બહાનું બનાવ્યું હતું. કેપ્ટન સ્મિત મચ્છર સન્માનપૂર્વક સામે જોઈ રહ્યા હતા ત્યારે અચાનક અલ-હમ્મામીએ ક્રેશ એક્સ વડે તેમના પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચ્યા છતાં, કેપ્ટન સ્મિતે હિંમત દાખવી અને લોક થયેલો કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા.
કો-પાઈલોટે પ્લેનને રણમાં ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો
જ્યારે ઈમારત સાથે વિમાન અથડાવવાનો પ્લાન નિષ્ફળ ગયો, ત્યારે કો-પાઈલોટે પ્લેનને રણમાં ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઓટોપાઈલટ મોડ બંધ કરી કંટ્રોલ સ્ટીકને નીચેની તરફ દબાવી દીધી, જેના કારણે વિમાન માત્ર 30 સેકન્ડમાં લગભગ 16,000 ફૂટ નીચે આવી ગયું હતું. આ દરમિયાન તેણે એરક્રાફ્ટના કંટ્રોલ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. વિમાનમાં ઉદ્ભવેલી કટોકટી વચ્ચે પેસેન્જરે ત્વરિત સમયસૂચકતા વાપરીને કંટ્રોલ સ્ટીક પોતાની તરફ ખેંચી અને પ્લેનને વધુ નીચે ખાબકતું અટકાવ્યું, ત્યારબાદ ફ્લાઈટમાં સવાર બે ઓફ-ડ્યુટી પાઈલોટ અને અન્ય મુસાફરોએ કોકપિટમાં ઘૂસીને હુમલાખોર કો-પાઈલોટને કાબૂમાં લીધો હતો.
હુમલાખોરે બંને એન્જિનના ફ્યુઅલ સપ્લાય સ્વિચ બંધ કરી દીધા
અહેવાલો મુજબ, કેબિનની અંદર ઈમરજન્સી લાઈટો ચાલુ થઈ ગઈ હતી. બોઈંગ 737માં જ્યારે મુખ્ય પાવર સપ્લાય બંધ થાય અથવા બંને એન્જિનનો ફ્યુઅલ સપ્લાય બંધ થાય ત્યારે જ ઈમરજન્સી લાઈટો બેટરી મોડ પર સક્રિય થાય છે. તપાસકર્તાઓને શંકા છે કે, હુમલાખોરે બંને એન્જિનના ફ્યુઅલ સપ્લાય સ્વિચ બંધ કરી દીધા હતા. ઈઝરાયેલી એજન્સીઓ અને સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલય દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં અલ-હમ્મામીએ એકલા હાથે જ આ કૃત્ય અંજામ આપ્યું હોવાનું બહાર આવ્યું છે.