નાગોયાઃ રવિવારે પૂરી થયેલી 20મી રોમાંચક એશિયન ગેમ્સમાં ભારત માટે ચંદ્રકો જીતવાની દૃષ્ટિએ છેલ્લા પાંચ દિવસ અત્યંત મહત્ત્વના બન્યા અને સમગ્ર રમતોત્સવની વાત કરીએ તો અંતિમ બે-ત્રણ દિવસ ખૂબ લાભદાયી બન્યા, કારણકે એમાં ટીવી વ્યૂઅરશિપ (VIEWERSHIP)ના રેકૉર્ડ તૂટ્યા હતા.
ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (OCA)ની સંકલન સમિતિના અધ્યક્ષે રવિવારની ક્લોઝિંગ સેરેમની બાદ ખુલાસો કર્યો હતો કે રમતોત્સવ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બે મુકાબલા થયા એને કારણે વ્યૂઅરશિપના વિક્રમો તૂટ્યા હતા.
કાઉન્સિલની સમિતિના ચૅરમૅન તૈયબ ઇકરામે કહ્યું, `ભારત-પાકિસ્તાન વચ્ચેની ટી-20 ક્રિકેટ ફાઇનલ અને ભારત-પાકિસ્તાન વચ્ચેની મેન્સ હૉકી સેમિ ફાઇનલને એટલી બધી વ્યૂઅરશિપ મળી કે એશિયન ગેમ્સનો રેકૉર્ડ જ તૂટી ગયો.'
ઇકરામે આંકડાને લગતી વિગતો નહોતી આપી, પરંતુ એટલું જરૂર જણાવ્યું હતું કે `આ વખતે બ્રૉડકાસ્ટર્સને સૌથી વધુ વ્યૂઅરશિપ મળી જેનું સૌથી મોટું કારણ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બે મૅચ.'
ભારતે આ બન્ને મૅચ જીતી લીધી હતી. ક્રિકેટની ફાઇનલમાં ભારતનો 19 રનથી વિજય થયો હતો, જ્યારે હૉકીની સેમિ ફાઇનલ ભારતે 4-3થી જીતી લીધી હતી.