Fri Apr 17 2026

Logo

હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા: પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

2026-04-17 17:58:46
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ બન્યા છે. હરિવંશ સિંહ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. ૯ એપ્રિલના રોજ હરિવંશનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાજ્યસભાના ઉપસભાપતિનું પદ ખાલી પડ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ઉપલા ગૃહના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસભાપતિ તરીકે નિમણૂંક બદલ હરિવંશ નારાયણ સિંહને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.

હરિવંશને અભિનંદન પાઠવતા મોદીએ કહ્યું કે આ અનુભવને એક શ્રદ્ધાંજલિ છે અને એક સહજ કાર્યશૈલીની સ્વીકૃતિ છે. વડા પ્રધાને કહ્યું કે આપણે બધાએ હરિવંશના નેતૃત્વમાં ગૃહની શક્તિની વધતી અસરકારકતાને જોઇ છે. 

હું કહી શકું છું કે તેઓ માત્ર ગૃહની કાર્યવાહીનું સંચાલન કરતા નથી, પરંતુ ગૃહને સમૃદ્ધ બનાવવા માટે તેમના જીવનના અનુભવોનો પણ ઉપયોગ કરે છે. હરિવંશનું ત્રીજી વખત આ પદ પર ચૂંટાઇ આવવું એ ગૃહના તેમના પર અને તેમના અનુભવ પરના વિશ્વાસને દર્શાવે છે.

આ પહેલી વાર છે જ્યારે કોઇ નામાંકિત સભ્ય ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે. હરિવંશ અગાઉ પત્રકાર રહી ચૂક્યા છે. ત્યારબાદ ખડગેએ આશા વ્યક્ત કરી કે ઉપસભાપતિ વિપક્ષનું ધ્યાન રાખશે અને તેમને ગૃહમાં પૂરતો સમય આપશે. 

તેમણે કહ્યું કે તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન હરિવંશ લોકશાહીને જીવંત રાખવા માટે વિપક્ષને વધુ મહત્વ આપશે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે તેમને દુઃખ છે કે લોકસભામાં ઉપાધ્યક્ષનું પદ ૨૦૧૯થી ખાલી પડ્યું છે. જે બંધારણની ભાવનાની વિરુદ્ધ છે.

અગાઉ જ્યારે હરિવંશને ચૂંટવાનો પ્રસ્તાવ અપનાવવામાં આવી રહ્યો હતો ત્યારે સમાજવાદી પાર્ટી અને ટીએમસીએ વોકઆઉટ કર્યું હતું. હરિવંશને ઉપસભાપતિ તરીકે ચૂંટવા માટે કુલ પાંચ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા.