નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો જોવા મળ્યો હતો. દિલ્હી શહેર સહિત અનેક વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડી શકે છે. વરસાદની સતત બદલતી પેટર્નને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવમાન ખાતાના રિપોર્ટ અનુસાર, શહેરનું લઘુતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાઈ શકે છે.
ફરી એર-ક્વોલિટી બગડી
દિલ્હીના આકાશમાં સતત વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આ પાછળનું કારણ રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં તથા પાડોશી દેશ પાકિસ્તાન પર સાઈક્લોન સરક્યુલેશન બન્યું છે. આ વિસ્તારમાં સતત ફરતા ધૂળના રજકણો દિલ્હી બાજુ આવી રહ્યા છે.
માત્ર દિલ્હી જ નહીં NCR બાજું પણ આવી રહ્યા છે. આના કારણે એર ક્વોલિટી બગડી રહી છે. વાદળછાયા વાતાવરણને કારણે દિવસે પણ વાહનોની લાઈટ ચાલું રાખવી પડે એવું અંધારૂ રહે છે. તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, ચુરૂ અને બિકાનેર જેવા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
હવે ગરમી અનુભવાશે
ભારે પવન સાથે વરસાદ થયો હતો અને ધૂળની ડમરીઓ ઊડી હતી. હવમાન નિષ્ણાંતનો જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હી પર પડી રહી છે. આ કારણે અચાનક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સ્કાઈમેટના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં શુક્રવારથી આગામી બેથી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારો થશે.
તાપમાન 41થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ તાપમાનમાં વધારો થતા બફારો પણ વધી શકે છે. રાજસ્થાન રાજયમાં પણ ખૂબ જ ગરમીને કારણે જનજીવન પર અસર થઈ રહી છે. દિલ્હીમાં તાપમાન વધતા આસપાસના રાજ્યોમાં પણ ગરમીની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સુધી ગરમી અનુભવાશે.