થાણે: ડોમ્બિવલીમાં નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી 70 વર્ષના પિતાની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.માનપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે 11.30 વાગ્યાની આસપાસ પિસાવલી પરિસરમાં બની હતી. આરોપી પુત્ર વિનોદ (32)નો પિતા મુરલી સહા સાથે ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી થતાં રોષમાં વિનોદે તીક્ષ્ણ હથિયારથી પિતા પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાને કારણે પિતા મુરલીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી પુત્રને તાબામાં લઈ પોલીસે ગુનામાં વપરાયેલું શસ્ત્ર પણ જપ્ત કર્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસેથી કોઈ સ્પષ્ટ ઉત્તર મળ્યા નહોતા. પરિણામે હત્યા પાછળનો હેતુ જાણી શકાયો નહોતો. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એવું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)