Fri Oct 09 2026

Logo

15 ઑક્ટોબરથી સ્કૂલ બસની ફી માટે યુપીઆઈ બંધ? વાલીઓએ હવે ચેક કે ક્રેડિટ કાર્ડથી કરવી પડશે ચુકવણી

2026-10-09 20:38:40
Author: Mumbai Samachar Team
15 ઑક્ટોબરથી સ્કૂલ બસની ફી માટે યુપીઆઈ બંધ? વાલીઓએ હવે ચેક કે ક્રેડિટ કાર્ડથી કરવી પડશે ચુકવણી

Chat GPT Image


મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્કૂલ બસની ફી ભરતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશને 15 ઑક્ટોબરથી સ્કૂલ બસની ફી યુપીઆઈ દ્વારા સ્વીકારવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અત્યાર સુધી ડિજિટલ પેમેન્ટ દ્વારા બસની ફી ભરતા વાલીઓએ ચુકવણીની બીજી રીત અપનાવવી પડી શકે છે.

સ્કૂલ બસ સંચાલકોના જણાવ્યા અનુસાર, બે હજાર રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહારો પર પેમેન્ટ ગેટવે દ્વારા ચાર્જ વસૂલવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એસોસિએશનનું કહેવું છે કે છ મહિનાની સ્કૂલ બસની ફી સામાન્ય રીતે બે હજાર રૂપિયાથી વધુ હોય છે. આવા વ્યવહારો પર વધારાનું શુલ્ક લાગવાથી બસ સંચાલકો પર આર્થિક બોજ વધે છે.

સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અનિલ ગર્ગે વાલીઓને બસની ફી યુપીઆઈને બદલે ચેક અથવા ક્રેડિટ કાર્ડથી ભરવાની અપીલ કરી છે. એસોસિએશનનું કહેવું છે કે બે હજાર રૂપિયાથી વધુના વ્યવહારો પર પ્રતિ વ્યવહાર 200 રૂપિયા સુધીનું શુલ્ક લાગતું હોવાને કારણે યુપીઆઈ મારફતે ફી વસૂલવી આર્થિક રીતે મુશ્કેલ બની રહી છે.

એસોસિએશને સ્કૂલ બસોને આ શુલ્કમાંથી મુક્તિ આપવાની માંગ પણ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી છે. સ્કૂલ બસ, પેટ્રોલ પંપ અને સ્પેર પાર્ટ્સના વ્યવસાયને આવશ્યક સેવાઓ ગણીને આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો છૂટ નહીં મળે તો યુપીઆઈ દ્વારા ફી વસૂલવાનું કાયમી ધોરણે બંધ કરવાની ફરજ પડી શકે છે, તેવી ચેતવણી પણ એસોસિએશને આપી છે.

જોકે, આ નિર્ણય તમામ શાળાઓ અને બસ સંચાલકો પર એકસરખી રીતે લાગુ થયો છે કે નહીં તેની વાલીઓએ પોતાની શાળા અથવા સંબંધિત બસ વ્યવસ્થાપન પાસેથી ખાતરી કરવી જરૂરી છે. તેથી 15 ઑક્ટોબર પહેલાં બસની ફી ભરવાની પદ્ધતિ અંગે શાળાની સૂચનાઓ તપાસી લેવી અને ચેક અથવા ક્રેડિટ કાર્ડ જેવા વિકલ્પો તૈયાર રાખવા વાલીઓ માટે ઉપયોગી રહેશે.