નવી દિલ્હી: ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ તીર્થધામો બદ્રીનાથ, કેદારેશ્વર અને ગંગોત્રીમાં હવે બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તમામ હિતધારકો સાથે આ મુદ્દે પરામર્શ કરીને સૈદ્ધાંતિક સંમતિ સાધી લીધી છે, જેને આગામી બોર્ડ મીટિંગમાં સત્તાવાર મંજૂરી આપવામાં આવશે. બીજી તરફ, ગંગોત્રી મંદિર સમિતિએ આ અંગે પહેલેથી જ નિર્ણય લઈ લીધો છે. જોકે, સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવતા તમામ લોકોનું સ્વાગત ચાલુ રહેશે.
આ સંવેદનશીલ મુદ્દે મુસ્લિમ ધર્મગુરુઓ તરફથી પણ મહત્વની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડો. ઉમર અહેમદ ઈલિયાસીએ આ નિર્ણયને આસ્થાનો વિષય ગણાવતા તેનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દરેક ધાર્મિક સ્થળના પોતાના આગવા નિયમો હોય છે અને જો મંદિર સમિતિ આવો નિર્ણય લે તો તેમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે રીતે મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોનો પ્રવેશ વર્જિત છે, તેવી જ રીતે હિંદુ આસ્થાના કેન્દ્રો પર પણ આવા નિયમો હોઈ શકે છે. મુસ્લિમોએ અન્ય ધર્મોની પવિત્ર જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ જેથી કોઈપણ પ્રકારનો ટકરાવ ન થાય.
મંદિર સમિતિઓના આ વલણની સાથે જ હરિદ્વારની ગંગા સભાએ પણ 'હર કી પૌડી' ખાતે બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ દોહરાવી છે. અત્યાર સુધી ગંગોત્રી અને બદ્રી-કેદારમાં આ મુદ્દે સહમતી સધાઈ છે, જ્યારે યમુનોત્રી મંદિર સમિતિએ હજુ સુધી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. ઉત્તરાખંડ સરકાર આ મામલે મંદિર સમિતિઓના અભિપ્રાય સાંભળ્યા બાદ પોતાનો આખરી નિર્ણય લેશે તેમ જણાવાયું છે.
જોકે, આ મામલે રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. કોંગ્રેસે આ હિલચાલનો સખત વિરોધ કરતા આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર જનતાના મૂળભૂત પ્રશ્નો પરથી ધ્યાન હટાવવા માટે આવા મુદ્દાઓ ઉછાળી રહી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગંગોત્રી ધામ હિંદુઓનું પવિત્ર સ્થળ છે અને ત્યાં પહેલેથી જ કોઈ મુસ્લિમ જતું નથી, પરંતુ ઓળખ સાબિત કરવાની શરતો લાદીને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.