Thu Jan 29 2026

Logo

White Logo

પ્રાસંગિકઃ નજર લાગી રાજ્જા તોરે બંગલે પર...!

1 day ago
Author: Mumbai Samachar Team
Video

અમૂલ દવે

અમેરિકા અને યુરોપીય દેશો વચ્ચેના સંબંધમાં વધતો તણાવ આજકાલ વિશ્વના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે. 2026ના આ વર્ષમાં, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ નીતિઓએ યુરોપને અસ્થિર કરી દીધું છે. ટ્રમ્પે ફરી એક વખત ગ્રીનલૅન્ડને ખરીદવાની ઈચ્છા જાહેર કરી છે, જે ડેન્માર્કની માલિકીનું છે. આ માગણીથી ડેન્માર્ક અને અન્ય યુરોપીય દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

કહે છે ને કે ‘લોભે લક્ષણ જાય’, તેમ ટ્રમ્પની આ વિસ્તારવાદી ઈચ્છાએ વર્ષો જૂના સાથીદારો વચ્ચે ખાઈ ઊભી કરી છે. તેમના મતે, ગ્રીનલૅન્ડ આર્કિટિક વિસ્તારમાં વ્યૂહાત્મક અને આર્થિક હિતો માટે જરૂરી છે, પરંતુ ડેન્માર્કના વડા પ્રધાને આને ‘વસાહતી માનસિકતા’ ગણાવી સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી. આ વિવાદે યુરોપીય યુનિયનમાં અમેરિકા વિરોધી ભાવનાને વેગ આપ્યો છે.  
 
જોકે,  ટ્રમ્પે એક આશ્ચર્યજનક ‘યુ-ટર્ન’ લીધો છે. ‘નાટો’ના મહાસચિવ સાથેની મુલાકાત બાદ તેમણે યુરોપીય વસ્તુઓ પર 10 ટકા થી 25 ટકા ટૅરિફ લાદવાની ધમકી પાછી ખેંચી લીધી છે અને આર્કિટિક માટે નવા ફ્રેમવર્કની વાત કરી છે. આમ છતાં, યુરોપીય યુનિયને અમેરિકા સાથેના વેપાર કરારની મંજૂરીને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે, કારણ કે ‘દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ’.

બીજી તરફ, કેનેડા પણ હવે અમેરિકાના વિરોધમાં મક્કમતાથી ઊભું છે. 2026માં કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો સખત વિરોધ કર્યો છે. અમેરિકાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટૅરીફના વિરોધમાં કૅનેડાએ વળતા પગલાં લીધા છે. વડા પ્રધાન કાર્નીનું માનવું છે કે અમેરિકાની આક્રમક આર્થિક નીતિઓ કૅનેડાની સાર્વભૌમત્વને જોખમમાં મૂકી રહી છે.

આ તરફ લેટિન અમેરિકામાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ક્યુબા પરના વેપારી અને પ્રવાસી પ્રતિબંધો વધારી દીધા છે, જે ત્યાંના અર્થતંત્રને તોડવાનો પ્રયાસ ગણાય છે. કોલંબિયામાં પણ ડ્રગ વેપાર અને આંતર્કવાદને રોકવાના નામે અમેરિકા જે દખલગીરી કરી રહ્યું છે, જેને ત્યાંની સરકારે ‘અનુચિત’ ગણાવી છે. આ બધા વિવાદ લેટિન અમેરિકામાં અમેરિકાની છબીને મોટું નુકસાન પહોંચાડી રહી છે.

આ બધા વચ્ચે ‘નાટો’ ના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા થયા છે. ટ્રમ્પે અનેકવાર ધમકી આપી છે કે જો અન્ય સભ્યો સંરક્ષણ પાછળ ખર્ચ નહીં વધારે તો અમેરિકા આ સંગઠન છોડી દેશે. ટ્રમ્પે અફઘાનિસ્તાન યુદ્ધમાં યુરોપીય સૈનિકોની ભૂમિકા વિશે ખોટા આરોપો લગાવ્યા તે પછી મોટો વિવાદ થયો છે. તે કહે છે કે યુરોપીય સૈનિકો ફ્રન્ટલાઇનથી પાછળ રહ્યા હતા, જે હકીકતમાં તદ્દન ખોટું છે. 

વાસ્તવમાં, બ્રિટન જેવા દેશોએ આ યુદ્ધમાં પોતાના 457 બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. આવા અપમાનજનક નિવેદનોએ ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોમાં કડવાશ ભરી દીધી છે. સાથોસાથ, અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ને સતત અવગણવામાં આવી રહ્યું છે. પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ અને ઈરાન ન્યુક્લિયર ડીલ જેવા મહત્ત્વના કરારોમાંથી બહાર નીકળવાના અમેરિકાના નિર્ણયોએ વૈશ્વિક સ્તરે અવિશ્વાસ પેદા કર્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોને જ્યારે આ નીતિઓની ટીકા કરી ત્યારે ટ્રમ્પે ફ્રાન્સના વાઈન અને ઉત્પાદનો પર ટૅક્સ વધારવાની ધમકી આપીને બદલો લેવાનો પ્રયાસ કર્યો છે.

આમ જુઓ તો આ તમામ વિવાદો માત્ર રાજકીય નથી, પરંતુ તે વિશ્વની આર્થિક સ્થિરતા અને શાંતિ માટે ગંભીર જોખમ છે. અમેરિકાની ‘એકલા ચાલવાની’ નીતિ સાથી દેશોને ચીન અને રશિયા તરફ ધકેલી રહી છે. જો આ વિવાદો રાજદ્વારી રીતે નહીં ઉકેલાય તો વિશ્વને મોટી આર્થિક મંદીનો સામનો કરવો પડશે. જોકે, આ આંતરરાષ્ટ્રીય ખેંચતાણ વચ્ચે ભારત માટે એક સુવર્ણ તક ઊભી થઈ છે. 

અમેરિકા અને યુરોપ વચ્ચેના તણાવને કારણે યુરોપીય યુનિયન હવે ભારત સાથે મજબૂત વેપારી સંબંધો બાંધવા આતુર છે. ભારત અને ઈયુ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર) ની વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં છે, જેને નિષ્ણાતો ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ તરીકે ઓળખાવી રહ્યા છે. આ કરારથી ભારતને કાપડ, ઇલેક્ટ્રોનિક્સ અને કેમિકલ ક્ષેત્રે નિકાસમાં મોટો ફાયદો થશે અને યુરોપીય ટેક્નોલોજી ભારતમાં આવશે. જાન્યુઆરી 2026ના અંત સુધીમાં આ કરાર પૂરો થવાની ધારણા છે, જે ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે.

અંતે તો એટલું જ કહી શકાય કે ‘સંપ ત્યાં જંપ’, જો અમેરિકા અને યુરોપ સહકાર નહીં સાધે તો તે બંને માટે નુકસાનકારક સાબિત થશે, પરંતુ ભારત આ સ્થિતિમાં પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવીને વિશ્વ મંચ પર મજબૂત ઊભરી રહ્યું છે.