નવી દિલ્હી: 18મી લોકસભાના બજેટ સત્રનો મંગળવારથી વિધિવત પ્રારંભ થયો છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરકારના ભાવિ વિઝન અને અત્યાર સુધીની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાય પર ભાર મૂક્યો હતો. જોકે, સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષી સાંસદોના વિરોધ પ્રદર્શનને કારણે ગૃહનું વાતાવરણ ગરમાયું હતું, જે આગામી દિવસોમાં પણ સત્ર હંગામેદાર રહેવાના સંકેત આપે છે.
બજેટ સત્રની રૂપરેખા અને હંગામો
આ વખતનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે, જેમાં કુલ 30 બેઠકો થશે. પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિએ જ્યારે તેમના 45 મિનિટના ભાષણમાં 'VB-G RAM G' કાયદાનો ઉલ્લેખ કર્યો ત્યારે વિપક્ષે જોરદાર સૂત્રોચ્ચાર કરીને કાયદો પાછો ખેંચવાની માંગ કરી હતી. બીજી તરફ, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના સત્તાધારી પક્ષના સભ્યોએ પાટલી થપથપાવીને આ કાયદાને સમર્થન આપ્યું હતું.
રાષ્ટ્રપતિના સંબોધનની મુખ્ય વાતો
રાષ્ટ્રપતિએ ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત આજે વિશ્વમાં એક બ્રિજની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાના શૌર્યના વખાણ કર્યા અને મિશન સુદર્શન ચક્ર વિશે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત, તેમણે દેશમાં ચાલતી 150 વંદે ભારત ટ્રેનો અને ભારતના પોતાના સ્વદેશી અંતરિક્ષ સ્ટેશન સ્થાપવાની દિશામાં થઈ રહેલી પ્રગતિને ગૌરવશાળી ગણાવી હતી. તેમણે યુરોપિયન યુનિયન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી રોજગારી વધશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ બજેટ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર ટકરાવ થવાની શક્યતા છે. વિપક્ષ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન (SIR), મનરેગાના બદલે આવેલા નવા કાયદા, પ્રદૂષણની સમસ્યા અને યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરવામાં આવશે. હાલમાં લોકસભામાં 9 મહત્વના બિલો પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025 અને સિક્યોરિટીઝ માર્કેટ કોડ 2025 જેવા મહત્વના કાયદાઓનો સમાવેશ થાય છે, જેના પર આ સત્ર દરમિયાન ગંભીર મંથન થઈ શકે છે.