મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવારના પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમના મૃતદેહની ઓળખાણ મુશ્કેલ બની હતી. જેમાં વિમાનના આગ લાગી જતાં મૃતદેહો પણ મહદઅંશે સળગી ગયા હતા. આ અકસ્માતમાં નાયબ સીએમ અજીત પવાર સહિત પાંચ લોકોના નિધન થયા છે. જેમાં નાયબ સીએમ અજીત પવારની મૃતદેહની ઓળખાણ તેમના હાથ પર રહેલી કાંડા ધડિયાળથી થઇ હતી.
વિમાન સવારે પોણા નવ વાગ્યા આસપાસ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું
નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન સવારે પોણા નવ વાગ્યા આસપાસ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. એક મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે રવાના થયેલા નેતા સાથે સર્જાયેલી આ હોનારતને પગલે પ્રશાસન અને રાજકીય આલમમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા અને એવિએશન સેફ્ટી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે મુંબઈથી બારામતી જવા માટે રવાના થયેલું અજિત પવારનું ખાનગી ચાર્ટર્ડ પ્લેન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને પાયલટે વિમાન પરથી કાબૂ ગુમાવ્યો હતો
ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર
મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી.
ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતી ખાતે થશે અજિત પવારના અંતિમ સંસ્કાર
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતીમાં આવેલી વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના પરિસરમાં કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકાળ અવસાન બાદ બારામતી ખાતે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમને વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડે તેવી શક્યતા છે.
આજે મહારાષ્ટ્ર માટે ખૂબ જ મુશ્કેલ દિવસ
મુખ્યમંત્રી ફડણવીસે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું, "દાદા ચલે ગયે ! જમીન સાથે જોડાયેલા નેતા, મારા મિત્ર અને સાથી, નાયબ મુખ્યમંત્રી અજિત દાદા પવાર વિમાન દુર્ઘટનામાં અવસાન હૃદયદ્રાવક છે. મારું હૃદય સુન્ન છે. મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. તેમણે કહ્યું, "મેં મારા શ્રેષ્ઠ મિત્રને ગુમાવ્યો છે. આ મારા માટે એક વ્યક્તિગત ખોટ છે. આ એક એવું નુકસાન છે જેની ભરપાઈ નહિ થઇ શકે.