ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે, ખાસ કરીને એવા પરાઓ કે જે અત્યાર સુધી પાકા રસ્તાના જોડાણથી વંચિત હતા, ત્યાં બારમાસી રસ્તાઓ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી આદિવાસી પટ્ટામાં ટ્રાન્સપોર્ટેશન અને કનેક્ટિવિટીની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-4 હેઠળ રાજ્યના 1,614 પરાઓની પસંદગી કરવામાં આવી છે. આ એવા વિસ્તારો છે જ્યાં 2011ની વસ્તી ગણતરી મુજબ ટ્રાયબલ એરિયામાં 250થી વધુ અને નોર્મલ એરિયામાં 500થી વધુ વસ્તી છે, છતાં તેમને હજુ સુધી મુખ્ય માર્ગો સાથે પાકા જોડાણ મળ્યા નથી. આ પ્રથમ તબક્કા અંતર્ગત પસંદ કરાયેલા પરાઓમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ કુલ 2,020 કિલોમીટર લંબાઈના રસ્તાઓ તૈયાર કરવાનું આયોજન છે, જેના માટે અંદાજે રૂ. 2,600 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવશે. આ માળખાકીય સુવિધાનો સીધો લાભ 1,699 જેટલા પરાઓમાં વસતી 8 લાખથી વધુ વસ્તીને મળશે. પાકા બારમાસી રસ્તા બનવાથી ચોમાસા દરમિયાન પડતી હાલાકી દૂર થશે અને શિક્ષણ તેમજ આરોગ્ય જેવી ઇમરજન્સી સેવાઓ ગામડાઓ સુધી સરળતાથી પહોંચી શકશે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામગીરી માટે નાણાકીય જોગવાઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવી છે. આ યોજનામાં 60 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીનો 40 ટકા હિસ્સો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. હાલમાં બાકી રહેલા અન્ય પરાઓના સર્વેની ચકાસણી પણ કેન્દ્ર સરકાર સ્તરે ગતિમાં છે, જેથી આગામી સમયમાં વધુ વિસ્તારોને આ યોજનાનો લાભ મળી શકે.