Thu Oct 08 2026

Logo

વડોદરામાં રામદેવપીરના નેજા હાઈટેન્શન લાઈનને અડતા બે યુવાનોને કરંટ લાગ્યો, એકની હાલત ગંભીર

2026-09-20 18:13:00
Author: Vimal Prajapati
વડોદરામાં રામદેવપીરના નેજા હાઈટેન્શન લાઈનને અડતા બે યુવાનોને કરંટ લાગ્યો, એકની હાલત ગંભીર

વડોદરાઃ વડોદરા શહેરમાં એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આ ઘટના સર્જાઈ છે. જેમાં રામદેવપીરના ભક્તોનો સંઘ હાઈટેન્શન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ સંઘ રામદેવપીરના નેજા લઈને જઈ રહ્યાં હતા ત્યારે એક ધજા અચાકન હાઈટેન્શન વીજ લાઈનને અડી ગઈ હોવાથી બે યુવાનોને વીજકરંડ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં રામદેવપીર સંઘમાં સામેલ પિયુષ તથા અક્ષય નામના બે યુવકો વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા.

ધજા વીજ વાયર સાથે સ્પર્શી જતાં ધડાકા થયો

નોંધનીય છે કે, સંઘની ધજા વીજ વાયર સાથે સ્પર્શી જતાં ધડાકા સાથે કરંટ લાગ્યો હતો. જેથી રોડ પર પણ મોટો ખાડો પડી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. કરંટ લાગવાના કારણે બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર ઘટનાને પગલે સંઘના અન્ય ભક્તોમાં અફરાતફરીમાં માહોલ છવાઈ ગયો હતો. લોકો દોડાદોડ કરવા લાગ્યાં હતા. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કરંટ લાગેલા બંને યુવકોને શહેરની ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, અહીં બંને યુવકોની સારવાર ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 

બે યુવકોમાંથી એકની હાલત અત્યંત ગંભીરઃ સૂત્ર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત થયેલા બે યુવકો પૈકી એકની હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેની હાલત ગંભીર છે તે યુવકને આઈસીયુમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ગંભીર અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે પોલીસ અને વીજ કંપનીને પણ જાણ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.