Thu Oct 08 2026

Logo

કથા કોલાજઃ લોકોની આંખોમાં મને આકર્ષણ ને વાસના દેખાવા લાગ્યાં!

2026-10-08 07:53:00
Author: Kajal oza Vaidya
કથા કોલાજઃ લોકોની આંખોમાં મને આકર્ષણ ને વાસના દેખાવા લાગ્યાં!

 

કાજલ ઓઝા-વૈદ્ય

નામ: કિમી કાટકર 
સમય: 2026
સ્થળ: ગોવા
ઉંમર: 61 વર્ષ કિમી કાટકરની ફિલ્મી સફર
(ભાગ: 2)

આજે હું એક ઇતિહાસ બની ગઈ છું... નવી પેઢીના કેટલાય છોકરાંઓ મને ઓળખતા પણ નથી, ને સાચું પૂછો તો મારે એવી કોઈ ઓળખની જરૂર પણ રહી નથી. એક દેખાવડી, ગ્લૅમરસ, બોલ્ડ અને સ્ટારડમ ધરાવતી અભિનેત્રી કિમી કાટકર કરતાં વિશ્વ વિખ્યાત અને ક્રિએટિવ ફોટોગ્રાફર શાંતનુ શિઓરેની પત્ની તરીકે ઓળખાવામાં મને ગૌરવ થાય છે! ફિલ્મી દુનિયા કોઈ સાધુસંતોની દુનિયા નથી એ વાત તો સૌ જાણે જ છે. મારી ઉંમરના પ્રમાણમાં હું ખૂબ મિલનસાર, નિખાલસ અને સરળ હતી. મારી આ સરળતાને કેટલાક લોકો ‘ચાલુ’ કે લફરાબાજ હોવાનું લેબલ લગાવતા. 

જોકે મારી માએ કોઈ દિવસ એમની વાતોને સિરિયસલી લીધી નથી. એ મને હંમેશાં શીખવાડતી કે ‘ચર્ચા પ્રસિદ્ધ વ્યક્તિની જ થાય-રસ્તે ચાલતા નવરા અને નકામા માણસોની ચર્ચા કોઈ કરતું નથી!’ મારા દરેક શુટમાં, સ્ટોરી સેશન કે ફોટો સેશનમાં મારી મમ્મી સતત હાજર રહેતી. મારાં કપડાં, મેકઅપ અને ભોજન, પાણી, કૉફી વગેરેનો ખ્યાલ એ એવી રીતે રાખતી જાણે મારી મા નહીં, મૅનેજર હોય! મને ઘણી વખત સહેજ સંકોચ થતો, હું એને કહેતી, ‘તું શું કામ બધે સાથે આવે છે? હું હવે મોટી થઈ ગઈ છું. 

મારું ધ્યાન રાખી શકું છું.’ એ હસતી અને કહેતી, ‘તું કેટલું ધ્યાન રાખી શકે છે એ તો હું ન હોઉં તો જ સમજાય! આ પશુઓની દુનિયા છે. અહીં તારા જેવી કૂણી અને સુંદર હરણીઓને ફાડી ખાતા પાંચ મિનિટ પણ નહીં લાગે!’ એક રીતે જોવા જાઓ તો એ સાચી હતી, કારણ કે લોકોની આંખોમાં મને એ આકર્ષણ અને વાસના વંચાવા લાગ્યાં હતાં.

હું ઊંચી અને પાતળી હતી. મારા ફીચર્સ એકદમ શાર્પ હતા અને સંઘર્ષમાં જીવન વિતાવ્યું હોવાને કારણે મારી ઉંમરની અન્ય છોકરીઓ કરતાં મારો આત્મવિશ્વાસ ઘણો વધારે હતો. પહેલાં ફોટોશુટ પછી એ જ કૉસ્ચ્યુમ ડિઝાઇનરે મને એમના ફૅશન શોમાં રેમ્પવૉક કરવાનું આમંત્રણ આપ્યું. મારું મૂળ નામ નયનતારા કાટકર હતું, જે મારા પિતા કાટકર વકીલે અડપ્ટેશનના સમયે આપ્યું હતું. એ સમયના હિરોઈનનાં નામો પ્રમાણે મારું નામ જુનવાણી અને અઘરું લાગ્યું એટલે મારી માએ મારું નામ કિમી કરી નાખ્યું. 

એ પછી મારી કારકિર્દી દરમિયાન મારું નામ ‘કિમી’ જ રહ્યું. નયનતારામાંથી કિમી બન્યા પછી મારે માટે આ પહેલો દરવાજો ખૂલ્યો હતો. એ પહેલા રેમ્પવૉક પછી મને અનેક ફૅશન શોમાંથી ઑફર આવવા લાગી. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ સહિત ભારતનાં નાનાંમોટાં શહેરોમાં અને વિદેશમાં પણ હું ફૅશન શો માટે પ્રવાસ કરવા લાગી. મમ્મી સતત સાથે રહેતી. કોઈ પણ પ્રોજેક્ટની ડીલ મમ્મી જ કરતી. 

મારા પૈસા એ જ સંભાળતી અને ઇન્વેસ્ટ કરતી... પરંતુ હું એટલું સમજી શકતી હતી કે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી અમારી આર્થિક હાલત ઘણી સારી, બલ્કે સુરક્ષિત થવા લાગી હતી. હવે મારે  નાની મોટી જરૂરિયાત માટે સમાધાન કરવા પડતાં નહીં બલ્કે, નવાં સારાં કપડાં, મેકઅપની વસ્તુઓ અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મને વધુ સરળતાથી અને સહેલાઈથી મળવા લાગી. હું હજી પુખ્તવયની નહોતી, પરંતુ 17 વર્ષની ઉંમરે જ મને એટલું સમજાઈ ગયું કે જો હું કામ કરતી રહીશ તો અમે આટલી જ સારી રીતે જીવી શકીશું! 

મેં આગળ કહ્યું એમ, મારે માટે મોડલિંગ કે અભિનય-કોઈ ગ્લૅમરની દુનિયામાં પ્રવેશ મેળવવાની તરસનું પરિણામ નહોતું. મારે તો ‘કમાવું’ હતું, મમ્મી અને હું લેણદારોને જવાબ આપતાં આપતાં થાકી ગયાં હતાં, ત્યાં જ સૌના પૈસા ધીમે ધીમે ચૂકતે થવા લાગ્યા. લોકો મને ઓળખવા લાગ્યા. જાહેરાતોમાં અને નાનીમોટી ઍડ ફિલ્મોમાં અભિનય કરવાને કારણે મને ઓળખ અને આર્થિક સહાય બંનેનો ફાયદો થયો. 

હવે ક્યાંક રેસ્ટોરાંમાં, ઍરપોર્ટ પર કે જાહેર સ્થળોએ લોકો પૂછતા, ‘તમે કિમી કાટકર છોને?’ મને ગૌરવ સાથે આનંદની લાગણી થતી. મજાની વાત એ હતી કે મારી આ ઓળખ અને સફળતાથી મારા કરતાં ઘણો વધારે આનંદ મારી માને થતો. એની મહેનત, સંઘર્ષ અને એણે જોયેલા સ્વપ્નનું પરિણામ એને મારી સફળતારૂપે મળી રહ્યું હતું.

જોકે એનું મૂળ સ્વપ્ન બોલિવુડમાં પોતાની ઓળખ ઊભી કરવાનું અને સ્ટાર બનવાનું હતું. એ પોતે તો સ્ટાર બની શકી નહીં, પરંતુ મને અભિનેત્રી અને સ્ટાર બનાવવા માટે એનો સંઘર્ષ હજુએ એટલો જ તીવ્રતાથી ચાલી રહ્યો હતો. એવામાં સુરેન્દ્ર મોહન નામના નિર્માતા-દિગ્દર્શકની ઑફિસથી ઑડિશન માટે ફોન આવ્યો. અમે એમની ઑફિસે જઈને ઑડિશન આપ્યું. મને મારી પહેલી ફિલ્મમાં રોલ મળ્યો. 

ફિલ્મ ‘પત્થર દિલ’ રાકેશ રોશન અને પદ્મિની કોલ્હાપુરે અભિનીત ફિલ્મ હતી. એ ફિલ્મમાં મારો રોલ ખૂબ નાનો હતો, પરંતુ પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર મારો પ્રવેશ થયો. આ ફિલ્મ 1980ના દાયકાની ટિપિકલ બોલિવૂડ મસાલા ફિલ્મ હતી, જેમાં ઍક્શન, ડ્રામા, રોમાન્સ અને પારિવારિક મૂલ્યોનો સમન્વય હતો. વાર્તા બે મિત્રો, દુશ્મનાવટ અને પરિવારના સંબંધોની આસપાસ ફરતી હતી. એ ફિલ્મમાં મને બબ્બર સુભાષ (બી. સુભાષના નામે જાણીતા હતા) નામના દિગ્દર્શકે જોઈ. 

એમણે એ જ સમયે ‘ઍડ્વેન્ચર્સ ઑફ ટારઝન’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ ફિલ્મમાં મને હીરોઈનનો રોલ મળ્યો. મને રોલ મળવાનું એક કારણ એ પણ હતું કે ફિલ્મના કૉસ્ચ્યુમ માત્ર પાતળી અને ઊંચી મોડલને જ શોભે એમ હતા, પરંતુ મોટાભાગની સારી મોડલ્સ જંગલમાં અને કઠિન લોકેશન પર જવા તૈયાર નહોતી. મેં તરત જ તૈયારી બતાવી. એટલું જ નહીં, ત્રણ મહિના સુધી મારી ટ્રેનિંગ કરવામાં આવી જેમાં શરીરની કસરત, દોરડા પર ચાલવું અને ચડવું, ઝાડ પર ચઢવા જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. મારે હેમંત બિરજે સાથે જંગલમાં ફસાયેલી શહેરની અમીર બાપની દીકરીનો રોલ કરવાનો હતો. 

ફિલ્મની વાર્તા જંગલના રક્ષક ટારઝન અને શહેરથી આવેલા લોકોની આસપાસની કથા હતી. રૂબી (કિમી કાટકર) તેના પિતા સાથે જંગલમાં એક રહસ્યમય કબીલાની શોધમાં આવે છે, જ્યાં જંગલી જાનવરો વચ્ચે તેનો સામનો ટારઝન સાથે થાય છે. ટારઝન તેને જંગલનાં જોખમોથી બચાવે છે અને બંને વચ્ચે પ્રેમ થાય છે. બીજી તરફ, એપોલો સર્કસનો લાલચુ માલિક ટારઝનને પકડીને સર્કસમાં લાવવા માટે ડી.કે. (દલીપ તાહીલ) નામના એક ક્રૂર શિકારીને મોકલે છે. 

ટારઝનને પકડીને શહેરમાં લાવવામાં આવે છે અને પછી ટારઝન કેવી રીતે ત્યાંથી મુક્ત થાય છે તે આખી ફિલ્મની રોમાંચક વાર્તા હતી... એ ફિલ્મનાં ગીતો સુપરહિટ થયાં, સંગીત બપ્પી લહેરીનું હતું. ડિરેક્ટર બબ્બર સુભાષ ટારઝનના રોલ માટે કોઈ નવા ચહેરાને શોધતા હતા. હેમંત બિરજે પહેલાં એક સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, તેમની શાનદાર બૉડી જોઈને તેમને આ રોલ મળ્યો અને 3 મહિનાની ટ્રેનિંગ બાદ શૂટિંગ શરૂ થયું. 

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જંગલોમાં થયું હતું. શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી. ભારે ગરમી, જીવજંતુઓ અને કાદવ વચ્ચે લાંબા કલાકો સુધી કામ કરવું પડતું. તે સમય માટે અત્યંત બોલ્ડ ગણાતાં કપડાં પહેરવાને કારણે ફિલ્મ રિલીઝ થયા પછી ભારે વિવાદ થયો. ફિલ્મ ભલે સમીક્ષકોને ખાસ ગમી ન હોય, પરંતુ મારી લોકપ્રિયતા આકાશે પહોંચી ગઈ અને મને ‘ટારઝન ગર્લ’ તરીકે ઓળખ મળી.  (ક્રમશ:)