Thu Oct 08 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ મુસ્લિમો ખરેખર ફ્રાન્સ પર કબજો કરી શકે?

2026-10-08 07:48:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ મુસ્લિમો ખરેખર ફ્રાન્સ પર કબજો કરી શકે?

 

ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ મોં ખોલે ત્યારે પૈસા પડી જાય એવો બકવાસ જ કરે છે પણ  ફ્રાન્સમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન અંગે તેમણે રસપ્રદ અને વિચારતા કરી મૂકે એવી વાત કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે, ફ્રાન્સની અશાંતિના મૂળમાં દુનિયાના બીજા દેશોમાંથી થઈ રહેલું બેફામ ઈમિગ્રેશન છે અને ગેરકાયદે રીતે ઘૂસી આવેલા મુસ્લિમો ફ્રાન્સ પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે, આ આંદોલનને સ્કૂલો સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી પણ ઇસ્લામ દ્વારા એક સમયના મહાન  દેશ પર કબજો જમાવવાના પ્રયત્ન સાથે સંબંધ છે. 

ફ્રાન્સમાં હાલમાં શિક્ષણની વ્યવસ્થામાં સુધારા માટે પ્રચંડ આંદોલન ચાલી રહ્યું છે.  શાળાઓ માટે અપૂરતા ભંડોળની ફાળવણી, શિક્ષકોની અછત, વર્ગખંડોમાં વધુ પડતી ભીડ અને ખરાબ માળખાગત સુવિધાઓના મુદ્દે વિદ્યાર્થીઓએ બાંયો ચડાવી છે અને દેશવ્યાપી આંદોલન ફાટી નિકળ્યું છે. ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં પેરિસમાં આંદોલન શરૂ થયું ને 30થી વધુ શહેરોમાં ફેલાઈ ગયું છે. ટ્રેડ યુનિયનો અને સરકારી કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાતાં ફ્રાન્સમાં અરાકજતા અને અંધાધૂંધીનો માહોલ છે. 

આંદોલનના કારણે શિક્ષણ તો સાવ ઠપ્પ છે. હાઈ-સ્કૂલના હજારો  વિદ્યાર્થીઓએ સેંકડો સ્કૂલો અને યુનિવર્સિટી કેમ્પસ પર કબજો કરીને શિક્ષણ સાવ બંધ કરાવી દીધું છે. પેરિસ, માર્સેલી, લિલ, લ્યોન, નાન્ટેસ, સ્ટ્રાસબર્ગ, રેનેસ સહિતનાં તમામ શહેરોમાં ઉગ્ર  દેખાવો થઈ રહ્યા છે ને હિંસા પણ થઈ રહી છે. બેરિકેડ્સ સળગાવવા, તોડફોડ અને રમખાણ-વિરોધી પોલીસ સાથે મારામારીની ઘટનાઓ રોજ બને છે. 

ભારતમાં પોલીસ દેખાવકારોને ઝૂડી નાખીને ભગાડી મૂકે તેની નવાઈ નથી પણ ફ્રાન્સ જેવા સભ્ય મનાતા દેશમાં ટીયર ગેસ છોડવો પડે એ પણ મોટી વાત મનાય છે. અત્યાર લગી ઠેકઠેકાણે  પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો છે અને પાણીનો મારો ચલાવવો પડ્યો છે તેથી ફ્રાન્સમાં તો સરકાર સામે ભારે આક્રોશ છે. 

અત્યાર લગી એવું મનાતું હતું કે, ફ્રાન્સમાં શિક્ષણના કથળતા સ્તર અંગે પ્રજા જાગૃત હોવાથી આંદોલન ચાલી રહ્યું છે પણ ટ્રમ્પે આંદોલનને ઈસ્લામ સાથે જોડીને નવો ટ્વિસ્ટ આપી દીધો છે. આ આંદોલનને શિક્ષણ સાથે નહીં પણ ફ્રાન્સમાં ઈસ્લામનું શાસન સ્થાપવા સાથે સંબંધ હોવાનો ટ્રમ્પનો દાવો વિચારતા કરી મૂકે એવો છે તેમાં બેમત નથી. ફ્રાન્સમાં છેલ્લાં કેટલાંક વરસોમાં બીજા દેશોમાંથી ગેરકાયદે રીતે ઘૂસતા મુસ્લિમોનો ખડકલો વધ્યો છે એવું આપણે વાંચીએ જ છીએ. તેમાં ટ્રમ્પે આ મમરો મૂકી દીધો તેથી આખો મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે. 

ટ્રમ્પે કરેલી આ વાતમાં દમ છે? ફ્રાન્સમાં મુસ્લિમોની વસતીના આંકડાનું એનાલિસિસ કરીને આ વાત સમજીએ. ફ્રાન્સમાં ધાર્મિક આસ્થાને વ્યક્તિગત બાબત ગણવામાં આવે છે તેથી સત્તાવાર વસતીગણતરીમાં નાગરિકોનો ધર્મ કે વંશીય ઓળખની વિગતો પુછાતી નથી. આ કારણે સત્તાવાર વસ્તીગણતરીના ડેટામાં કેટલા મુસ્લિમો છે તેની વિગતો નથી મળતી પણ બિનસત્તાવાર અંદાજ પ્રમાણે, મુસ્લિમ વસ્તી 50 લાખ થી 70 લાખની વચ્ચે છે. 

ફ્રાન્સની કુલ વસતી 7 કરોડની આસપાસ હોવાથી દેશની કુલ વસ્તીમાં લગભગ 8 ટકાથી 10 ટકા મુસ્લિમો છે. ફ્રાન્સમાં કુલ વસતીના 40થી 50 ટકા વસ્તી ખ્રિસ્તીઓની છે. ખ્રિસ્તીઓ મુખ્યત્વે રોમન કેથોલિક છે. લગભગ 40 ટકા લોકો કોઈ ધર્મ પાળતા નથી. આમ ધર્મની રીતે ફ્રાન્સમાં ખ્રિસ્તીઓ પછી સૌથી વધારે વસતી મુસ્લિમોની હોવાથી ખ્રિસ્તી  ધર્મ પછી ઇસ્લામ બીજો સૌથી મોટો ધર્મ છે. 

ફ્રાન્સના મુસ્લિમોમાં યુવાઓની સંખ્યા વધારે છે અને  મુસ્લિમોમાં લગભગ અડધા લોકો 24 વર્ષથી ઓછી ઉંમરના છે. મુસ્લિમોમાં પણ લગભગ અડધા લોકો જન્મથી ફ્રાન્સના નાગરિકો છે જ્યારે બાકીના અડધોઅડધ નાગરિકતા મેળવવાની કાનૂની પ્રક્રિયા એટલે કે (નેચરલાઇઝેશન) દ્વારા ફ્રેન્ચ નાગરિક બન્યા છે. ઓગણીસમી સદી અને વીસમી સદીની શરૂઆતમાં દુનિયામાં બ્રિટન અને ફ્રાન્સ સૌથી શક્તિશાળી દેશો હતો. 

દુનિયાના અડધાથી વધારે દેશો પર આ બંને દેશનો કબજો હતો. ફ્રાન્સે ઘણા બધા આફ્રિકન દેશો પર કબજો કરેલો તેથી આફ્રિકન દેશોમાંથી મોટા પ્રમાણમાં લોકો ફ્રાન્સ આવ્યા. આ કારણે ફ્રાન્સની મુસ્લિમ  વસ્તીનો મોટો હિસ્સો અલ્જેરિયા, મોરોક્કો, ટ્યુનિશિયા વગેરે ઉત્તર આફ્રિકન દેશોમાંથી આવેલાં લોકોનો છે. 

આ મુસ્લિમો દાયકાઓ પહેલાં ફ્રાન્સ આવી ગયેલા ને હવે તેમના વંશજો ફ્રાન્સમાં રહે છે. તૂર્કી અને નાઇજીરિયા, ઇથિયોપિયા, દક્ષિણ આફ્રિકા, અંગોલા અને કેન્યા જેવા સબ-સહારન આફ્રિકન દેશોમાંથી આવેલા મુસ્લિમો પણ છે પણ તેમનું પ્રમાણ ઓછું છે. આ મુસ્લિમો નીચલા આર્થિક સ્તરના હોવાથી કામદારો તરીકે કામ કરતા તેથી મોટા ભાગના મુસ્લિમો મોટા શહેરી વિસ્તારોમાં વસે છે. ફ્રાન્સની રાજધાની પેરિસનો વિસ્તાર ઇલે-દ-ફ્રાન્સ કહેવાય છે. આ વિસ્તાર સિવાય માર્સેલી, લ્યોન, લિલ વગેરે શહેરોમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે. 

ફ્રાન્સ સરકાર સત્તાવાર રીતે ગેરકાયદે રહેનારા મુસ્લિમોની વસતીના આંકડા નથી આપતી પણ બિનસત્તાવાર રીતે લગભગ 10 લાખ મુસ્લિમો ગેરકાયદે રીતે ફ્રાન્સમાં ધામા નાંખીને પડ્યા હોવાનું મનાય છે. ફ્રાન્સ દરિયાકાંઠે વસલો દેશ છે અને લગભગ 60 ટકા સરહદ દરિયાઈ હોવાથી આફ્રિકન દેશોમાંથી મોટા પ્રમાણમાં ઘૂસણખોરી થાય છે. 

આફ્રિકાના દેશોમાંથી તો મુસ્લિમો ઠલવાય જ છે પણ સિરિયા અને ઈરાક જેવા એશિયન દેશો તથા તૂર્કીયેમાંથી પણ મોટા પ્રમાણમાં મુસ્લિમો ઘૂસી આવે છે. નાની નાની હોડીઓમાં આવતા આ મુસ્લિમોને રોકવા શક્ય નથી. રાતના અંધારામાં ફ્રાન્સમાં ઘૂસતા મુસ્લિમો ફ્રાન્સ સરકાર માટે મોટો માથાનો દુ:ખાવો છે પણ આ દુ:ખાવાની કોઈ દવા નથી કેમ કે દરિયા આડે દીવાલ કઈ રીતે ઉભી કરાય? 

આ બધાં કારણોસર ફ્રાન્સમાં મુસ્લિમોની વસતી વધી રહી છે પણ આ વસતી એટલી પણ નથી કે ફ્રાન્સ પર કબજો કરી લે. ફ્રાન્સમાં વરસોથી રહેનારા મોટા ભાગના મુસ્લિમો ફ્રાન્સના કલ્ચરમાં ભળી ગયેલા છે અને આર્થિક રીતે સમૃદ્ધ છે તેથી તેમને ધાર્મિક ઉન્માદની વાતોમાં રસ નથી પડતો. બહારથી આવીને વસેલા મુસ્લિમોમાંથી પણ મોટા ભાગના પોતાના દેશોની અરાજકતા અને હિંસાથી કંટાળીને આવેલા છે. એ લોકોનો એજન્ડા કોઈ પણ રીતે જીવવાનો છે, ઈસ્લામના શાસનનો નથી એ જોતાં ટ્રમ્પની વાત અત્યારે તો દમ વગરની જ લાગે છે. 

ટ્રમ્પનો આ વાતો કરવાનો ઈરાદો પોતાના એજન્ડાને સાચો ઠેરવવાનો છે. ટ્રમ્પ કડક ઈમિગ્રેશન નીતિના તરફદાર છે. અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓની તગેડી મૂકવાથી માંડીને અમેરિકામાંથી બીજા દેશના લોકોને નહીં ઘૂસવા દેવા માટે કડક નિયમો બનાવવા સહિતનાં પગલાં ટ્રમ્પે લીધાં છે. તેના કારણે મોટા ભાગના દેશો સાથેના અમેરિકાના સંબંધો બગડ્યા છે અને  અમેરિકામાં મોંઘવારી વધી છે. આ કારણે ટ્રમ્પ સામે આક્રોશ છે. ટ્રમ્પ લોકોના મનમાં એવું ઠસાવવા માગે છે કે, ફ્રાન્સની જેમ આપણે પણ જે આવે એને હાથ પહોળા કરીને આવકારીશું તો આપણી હાલત પણ ફ્રાન્સ જેવી થઈ જશે ને અમેરિકા પર કબજો કરવા માટેના મુસ્લિમોના ઉધામા શરૂ થઈ જશે.