સામાન્ય રીતે ખેતીને માત્ર એક પરંપરાગત વ્યવસાય ગણવામાં આવે છે, પરંતુ જો તેમાં કોઠાસૂઝ, સાહસિકતા અને આધુનિક અભિગમ ઉમેરાય તો તે એક ઉત્કૃષ્ટ વ્યવસાય બની શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના એવા વડોદ ગામના ૭૦ વર્ષના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. કાળુભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે ખેડૂત માત્ર ઉત્પાદક ન રહેતા પોતે જ પ્રોસેસર અને વિક્રેતા બને, તો ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી રહેતી.
કાળુભાઈ પાસે કુલ ૧૦ એકર જમીન છે, જેમાંથી ૪ એકરમાં તેઓ છેલ્લા ૧૩-૧૪ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમની આ પ્રાકૃતિક યાત્રાની શરૂઆત કાગવડ ખાતે યોજાયેલા એક કૃષિ મેળામાંથી થઈ હતી. ત્યાં તેમણે એક ખેડૂત પાસે પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી હળદરનો પાક જોયો. તેમને રસ પડ્યો. સાહસિક વૃત્તિ ધરાવતા કાળુભાઈએ ત્યાંથી પ્રેરણા લઈને પોતાના પડતર ખેતરમાં ૧ એકરથી પ્રાકૃતિક પદ્ધતિથી હળદરનું વાવેતર શરૂ કર્યું, જે આજે ૪ એકર સુધી વિસ્તર્યું છે.
કાળુભાઈ પટેલનું સ્પષ્ટપણે માનવું છે કે, માત્ર કાચો માલ વેચવા કરતાં તેનું પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતને પોતાના ઉત્પાદન અને મહેનતના નાણાં મળે છે. તેમણે પણ હળદરને સીધી બજારમાં વેચવાની જગ્યાએ તેનું જાતે જ પ્રોસેસિંગ કરવાનું શરૂ કર્યું. આશરે રૂ. પાંચ લાખના ખર્ચે તેમણે ઘરે જ સ્ટીમ બોઈલર, પોલિશિંગ મશીન અને પલ્વરાઈઝર ધરાવતું પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું છે, જેમાં તેમને બાગાયત ખાતા તરફથી રૂ. અઢી લાખની સહાય પ્રાપ્ત થઈ છે.
આ યુનિટમાં હળદરને પાણીમાં બાફવાને બદલે વરાળથી બાફવામાં આવે છે, જેથી તેના તમામ ગુણકારી અને ઔષધીય તત્ત્વો જળવાઈ રહે છે. બાફેલી હળદરને એક મહિનો સૂકવ્યા બાદ પોલિશિંગ મશીનમાં સાફ કરી, ઘરઆંગણે જ પલ્વરાઈઝર વડે દળીને શુદ્ધ પાવડર બનાવાય છે. આ ઉપરાંત તેઓ લીલી હળદરનું અથાણું તેમજ હળદરનો મુખવાસ પણ જાતે તૈયાર કરે છે. તેઓ "શક્તિ ઓર્ગેનિક" બ્રાન્ડ નામ હેઠળ પોતાના ઉત્પાદનોનું ઘરે જ પરિવારના સભ્યોની મદદથી પેકિંગ કરે છે.
હળદરના રૂ. ૧૫૦ પ્રતિ કિલો બજારભાવ સામે આજે કાળુભાઈ તેનો પાવડર બનાવીને રૂ. ૩૫૦ પ્રતિ કિલોના ભાવે તથા લીલી હળદરનું અથાણું રૂ. ૪૪૦ પ્રતિ કિલોના ભાવે વેચે છે. GOPCAનું ઓર્ગેનિક સર્ટિફિકેટ ધરાવતા પ્રાકૃતિક ઉત્પાદનોની ગુણવત્તાના દમ પર આજે કાળુભાઈ કોઈપણ જાહેરાતો વગર માત્ર માઉથ-ટુ-માઉથ પ્રચાર દ્વારા જ પોતાના તમામ ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ મૂલ્યવર્ધનના પરિણામે તેઓ માત્ર ૪ એકર હળદરના વાવેતરમાંથી વર્ષે રૂ. ૧૦ થી ૧૧ લાખ જેટલી આવક મેળવે છે.
કાળુભાઈએ પાક-વૈવિધ્ય અપનાવ્યું છે. આઠ મહિનાની હળદરની ખેતી બાદ બાકીના સમયમાં તેઓ મગ, તલ કે બાજરી જેવા ટૂંકા ગાળાના પાક લે છે. આ ઉપરાંત બાકીની છ એકર જમીનમાં કપાસ અને તુવેરનું આંતરપાક તરીકે વાવેતર કરે છે. કાળુભાઈ જણાવે છે કે, તુવેરના મૂળ જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ભેળવે છે, જેથી યુરિયા ખાતરની જરૂર પડતી નથી. એટલું જ નહીં, પોટાશ માટે તેઓ આંકડાનો બોળો બનાવીને જમીનમાં ભેળવે છે જેથી બહારથી ખાતર ખરીદવાનો ખર્ચ બચે છે. તેમની મહેનત અને પ્રાકૃતિક કૃષિના પરિણામે તેમની જમીનનો ઓર્ગેનિક કાર્બન આજે ૦.૯૪% જેટલો ઉત્તમ છે.
કાળુભાઈની આ સિદ્ધિને ગુજરાત સરકારે પણ બિરદાવી છે. તેમના આ સફળ મોડેલ માટે તેમને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે જ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા તેમને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાળુભાઈને રાજ્ય કક્ષાના “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અન્ય ખેડૂતોને પ્રેરણા આપતા કાળુભાઈ “પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ”નો ભેદ સમજાવતા જણાવે છે કે, "જમીનમાં દાણા વાવો અને પાક ઉગે એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ, વધુ ઉત્પાદનની લાલચમાં જમીનમાં ઝેર નાખવું એ વિકૃતિ છે. જ્યારે, ધરતી માતાને પોષણ આપીને તેની પાસેથી સાત્વિક આહાર મેળવી સમાજને પીરસવો એ આપણી સંસ્કૃતિ છે. તેમણે ઉમેર્યું હતું કે, "કાચનો ટુકડો પડ્યો હોય તો એને ખબર નથી હોતી, પણ જ્યારે તેના પર સૂર્યનું કિરણ પડે ત્યારે એ ઝળહળી ઊઠે છે. તેવી જ રીતે, રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને મળતા પ્રોત્સાહન, પ્રેરણા અને સહાયથી ખેડૂતોની પણ કામ કરવાની ધગશ બેવડાઈ જાય છે."
કાળુભાઈ માત્ર જૂની પદ્ધતિઓ પર નિર્ભર નથી, પરંતુ તેમની પોતાની શોધ અને વૈજ્ઞાનિક અભિગમ પણ અજોડ છે. પોતાની કોઠાસૂઝથી તેમણે એક ઓટોમેટિક વાવણીયો પણ બનાવ્યો છે. કાળુભાઈ પટેલ ૭૦ વટાવી ચૂક્યા છે, પણ તેમનો ઉત્સાહ યુવાનને શરમાવે તેવો છે. ખેત-પેદાશનું પ્રોસેસિંગ કરી, બ્રાન્ડ બનાવીને ખેતીને વધુ નફાકારક બનાવી શકાય છે તેવું તેમણે સાબિત કર્યું છે.