Wed Oct 07 2026

Logo

આણિક ડેપોમાં બસમાં લાગેલી આગ ઍક્સિડન્ટ કે પછી માનવીય ભૂલ જવાબદાર? કૉન્ટ્રેક્ટરને દંડ ફટકારવામાં આવશે

2026-10-07 22:58:41
Author: Sapna Desai
આણિક ડેપોમાં બસમાં લાગેલી આગ ઍક્સિડન્ટ કે પછી માનવીય ભૂલ જવાબદાર? કૉન્ટ્રેક્ટરને દંડ ફટકારવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયન પાસે બેસ્ટના આણિક ડેપોમાં  બે દિવસ પહેલાં  લાગેલી આગમાં ૧૨ નવી નક્કોર બસ બળીને ખાખ થઈ ગઈ હતી, તેના પર બુધવારે  બેસ્ટ કમિટીની બેઠકમાં થયેલી ચર્ચા દરમ્યાન આ આગની ઘટના એક ઍક્સિડન્ટ હતી કે પછી માનવીય ભૂલને કારણે થઈ હોવા મુદ્દે ભારે ચર્ચા થાય બાદ બેસ્ટ સમિતિના  પ્રમુખે  આગની ઘટનાનો  અહેવાલ આગામી બેઠકમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. 

બુધવારે બેસ્ટ સમિતિની બેઠકમાં બેસ્ટના ઉપક્રમે આણિક ડેપોમાં બેસ્ટની બસમાં લાગેલી આગ બાબતે  મૌખિક રૂપે માહિતી આપવામાં આવી હતી. તે મુજબ બળી ગયેલી બસોમાંની એક બસમાંથી ગૅસ સિલિન્ડરમાં ગળતર થયું હતું અને કોઈ જગ્યાએ  સ્પાર્ક થયા બાદ   બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.  આગ એટલી મોટી હતી કે અન્ય બસો આગની ચપેટમાં  આવી ગઈ હતી અને કુલ ૧૨ બસમાં આગ લાગી હતી, જેમાંથી છ તદ્દન નવી રજિસ્ટર્ડ થયા વગરની બસો હતી. આગ લાગી ત્યારે  બેસ્ટ ઉપક્રમના કર્મચારીએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ અંદરથી બંધ હોવાથી કર્મચારી સમયસર બસને હટાવી શક્યો નહોતો, જેથી આગ ફેલાઈ હતી. 

આ બાબતે બેસ્ટ કમિટીના સભ્ય નીતિન નંદગાંવકરે ક્હ્યું હતું કે આ બાબતની માહિતી લેવા દરમ્યાન જણાઈ આવ્યું હતું કે  માનવીય ભૂલને કારણે આગ લાગી હતી. એક બસમાંથી બીજી બસની ટાંકીમાં ગૅસ ખાલી કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તે જ સમયે આગ ફાટી નીકળી હતી. નીતિન નંદગાંવકરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કૉન્ટ્રેક્ટર કેટલીક બાબતો છુપાવી રહ્યો છે. ડેપોમાં પાર્ક કરેલી અને લૉક  કરાયેલી બસોની ચાવી કોની પાસે હતી તે સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ.

નવી બસોમાં આગ કેવી રીતે લાગી શકે?  આ અકસ્માત માત્ર માનવીય ભૂલને કારણે થયો છે. 
આગની દુર્ઘટના બાબતે ચર્ચા બાદ  બેસ્ટ સમિતિના પ્રમુખ તૃષ્ણા વિશ્ર્વાસ રાવે કહ્યું હતું કે તેમણે મેયર અને પાલિકા કમિશનરને પત્ર લખીને બેસ્ટના દરેક વેરહાઉસમાં ફાયર એન્જિન મૂકવાની માગણી કરી છે અને બેસ્ટ પ્રશાસનને  આગામી બેઠકમાં આ આગ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.