Thu Oct 08 2026

Logo

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ છોડી! 25 લોકોના મોત, યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી નિંદા

2026-10-08 07:51:00
Author: Vimal Prajapati
રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ છોડી! 25 લોકોના મોત, યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી નિંદા


કિવઃ રશિયા-યુક્રેન યુદ્ધ એક નિર્ણાયક અને ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. બંને રાષ્ટ્રો એકબીજા સામે વિનાશક હુમલાઓ કરી રહ્યા છે, જેના કારણે રહેણાંક વિસ્તારો અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ વિનાશક સંઘર્ષ વચ્ચે રશિયાએ ફરી યુક્રેન પર ભારે હુમલો શરૂ કર્યો છે. રશિયન મિસાઇલો અને ડ્રોને કિવ અને લગભગ એક ડઝન અન્ય યુક્રેનિયન સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 24 નાગરિકો માર્યા ગયા હતા અને લગભગ 60 લોકો ઘાયલ થયા હતા.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષ અને સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યારે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયન ફાઈટર જેટે યુક્રેનના અનેક શહેરો પર ભારે તબાહી મચાવી છે. જોકે, એક દિવસ પહેલા યુક્રેને મોસ્કો અને તેની આસપાસના વિસ્તારો પર 650 વિસ્ફોટક ડ્રોન છોડ્યા હતા. આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું હતું. આ હુમલામાં મોસ્કોથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા મોસ્કો ઓબ્લાસ્ટમાં એક મુખ્ય ઓઈલ ડેપો નાશ પામ્યો હતો. 

રશિયાએ યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો

યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરૂદ્ધમાં જવાબ આપતા રશિયાએ યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનનો મારો ચલાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રશિયન હવાઈ હુમલાઓએ યુક્રેનના અનેક વિસ્તારોને ખંડેરમાં ફેરવી નાખ્યા છે.  રશિયાએ ખાસ કરીને યુક્રેનના ઔદ્યોગિક શહેર નિપ્રોને નિશાન બનાવ્યું છે. આ હુમલાના કારણે અત્યારે ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયાએ 130 ડ્રોન અને 48 ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલો દ્વારા યુક્રેનના અલગ અલગ શહેરો પર હુમલો કર્યો છે. જેમાંથી 161 હવાઈ લક્ષ્યોને તોડી પાડ્યા હોવાનો યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. યુક્રેનનું કહેવું છે કે, તેમને હુમલાની પહેલા જ ખબર પડી ગઈ હતી. 

યુક્રેનના આ શહેરોને રશિયાએ નિશાન બનાવ્યાં

યુક્રેનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રશિયન હુમલાઓએ રાજધાની કિવ ઉપરાંત પોલ્ટાવા, નિપ્રોપેટ્રોવસ્ક, ખાર્કિવ અને ચેર્નિહિવ સહિતના અનેક વિસ્તારોને હચમચાવી નાખ્યા છે. વિસ્ફોટોને કારણે અનેક સ્થળોએ આગ લાગી હતી અને મોટી ઈમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા હતા અને યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી, પરંતુ તેમાં ફરી બંને દેશોએ એકબીજા પર હુમલાઓ શરૂ કરી દીધા છે.

 

આ હુમલાના કારણે થયેલા નુકસાન અંગે વિગતો આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, યુક્રેન પરના આ મોટા રશિયન હુમલામાં કુલ 25 લોકો માર્યા ગયા હતા અને લોકો ઘાયલ થયા હતા. આ એક સંયુક્ત હુમલો હતો, જેમાં ઘણી બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો સમાવેશ કરવામાં આવ્યો હતો. યુક્રેનિયન યોદ્ધાઓએ 44 મિસાઇલો તોડી પાડી છે. આ સાથે રશિયા દ્વારા કરવામાં આવેલા  આ હુમલાની વોલોડીમિર ઝેલેન્સ્કીએ ભારે નિંદા પણ કરી છે.