Mon Oct 05 2026

Logo

આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં મોટો વિસ્ફોટ; ફાર્મા કંપનીનું બોઈલર ફાટતાં 5 કર્મચારીઓના મોત, 10થી વધુ ગંભીર

2026-10-03 13:46:00
Author: Vimal Prajapati
આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં મોટો વિસ્ફોટ; ફાર્મા કંપનીનું બોઈલર ફાટતાં 5 કર્મચારીઓના મોત, 10થી વધુ ગંભીર

આંધ્ર પ્રદેશના તિરૂપતિ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના તિરૂપતિ જિલ્લાના સત્યવેદુ મંડલ વિસ્તારમાં શ્રી સિટીમાં આ ઘટના બની છે. ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીમાં બોઈલર ફાટ્યું તેના કારણે પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ સાથે 10 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

બ્લાસ્ટ થતાં ફેક્ટરી કેમ્પસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, TIL હેલ્થકેર ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા વિસ્ફોટને કારણે અફરાતફરી મચી ગઈ હતી, જેના પગલે બચાવ અને કટોકટીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ કર્મચારીઓને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા હજી મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. એટલું જ નહીં પરંતુ આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પણ કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી.

મંત્રી નારા લોકેશ અને સાંસદ ગુરુમૂર્તિએ સંવેદના વ્યક્ત કરી

આ ઘટના મામલે અધિકારીઓનું કહેવું છે કે, પહેલા આ અંગે તપાસ કરવામાં આવશે કે, આ ઘટના કોઈ ટેકનિકલ ખામી, સુરક્ષા પ્રણાલીઓની નિષ્ફળતા, કામગીરીમાં ક્ષતિ અથવા અન્ય કોઈ કારણસર બન્યું છે. આ ઘટના અંગે આંધ્ર પ્રદેશના શિક્ષણ અને આઈટી પ્રધાન નારા લોકેશે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે જો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના પ્રત્યે સંવેદનાઓ પણ વ્યક્ત કરી છે. ઘાયલોને સારામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. આ સાથે મૃતકોના પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. 

 

તિરૂપતિના સાંસદ ડૉ. મડ્ડિલા ગુરુમૂર્તિએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે જે કર્મચારીઓના મોત થયાં તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. આ સાથે અધિકારીઓને રાહત અને બચાવકાર્ય તેજ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ કરવામાં આવે તેવી મડ્ડિલા ગુરુમૂર્તિ દ્વારા માંગણી કરવામાં આવી છે. ડૉ. મડ્ડિલા ગુરુમૂર્તિએ સરકારને પણ અપીલ કરી છે કે, મૃતકોની પરિવારને સત્વરે મદદ કરવામાં આવે! હવે સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય જાહેર કરવામાં આવે છે તે જોવાનું રહેશે.