Mon Oct 05 2026

Logo

તમિલનાડુના ત્રિચીમાં દીપ પ્રાગટય મુદ્દે ટીવીકે અને કોંગ્રેસના નેતાઓ આમને સામને

2026-10-05 17:44:30
Author: Chandrakant Kanoja
તમિલનાડુના ત્રિચીમાં દીપ પ્રાગટય મુદ્દે ટીવીકે અને કોંગ્રેસના નેતાઓ આમને સામને

ત્રિચી: તમિલનાડુના ત્રિચીમાં એક કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટય મુદ્દે ટીવીકેના ધારાસભ્ય અને કોંગ્રેસના રાજયસભા સાંસદ વચ્ચે વિવાદ સર્જાયો હતો.આ વિવાદ એટલો વધ્યો કે ટીવીકેના ધારાસભ્ય  નવલપટ્ટુ વિજીએ કોંગ્રેસના સાંસદ ક્રિસ્ટોફર તિલકના હાથમાંથી મીણબત્તી પાડી દીધી હતી. આ દરમિયાન  મામલો એટલો વણસી ગયો કે  મંચ પર થોડીવાર માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે તમિલનાડુના હિન્દુ ધાર્મિક અને ધર્માદા બંધારણ વિભાગના મંત્રી એસ. રમેશ પણ આ કાર્યક્રમમાં હાજર હતા અને તેમણે બંને નેતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના સાંસદને દીવાને બદલે મીણબત્તી આપવામાં આવી ત્યારે વિવાદ સર્જાયો 

ત્રિચીમાં ICDS દ્વારા સામૂહિક 'ગોદ ભરાઈ' (સીમંત) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી એસ. રમેશ ઉપરાંત થિરુવેરુમ્બુરના ટીવીકે ધારાસભ્ય નવલપટ્ટુ વિજી, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ક્રિસ્ટોફર તિલક અને અન્ય જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ મંત્રી રમેશે દીવો પ્રગટાવ્યો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર પ્રતીક દયાલે દીવો પ્રગટાવ્યો. જોકે, જ્યારે કોંગ્રેસના સાંસદને દીવાને બદલે મીણબત્તી આપવામાં આવી ત્યારે વિવાદ સર્જાયો હતો.

ટીવીકેના ધારાસભ્ય નારાજ હતા

આ ઉપરાંત ટીવીકેના ધારાસભ્ય નારાજ હતા કારણ કે તેમને પ્રોટોકોલ મુજબ વિધિવત દીપ પ્રગટાવાની   તક આપવામાં નહોતી આવી. જ્યારે કોંગ્રેસના સાંસદ ક્રિસ્ટોફર દીપ પ્રાગટ્ય માટે આગળ વધ્યા અને વિજી (ધારાસભ્ય) તરફ મીણબત્તી લંબાવવામાં આવી ત્યારે તેમણે તે સ્વીકારવાને બદલે નીચે પાડી દીધી. આ ઘટના દરમિયાન બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમજ મંચ પર હાજર મંત્રી રમેશે પરિસ્થિતિને શાંત કરવા માટે દરમિયાનગીરી કરી હતી.