મુંબઈઃ રવિવાર, 11મી ઑક્ટોબરે વાનખેડે સ્ટેડિયમમાં ચંડીગઢ સામે રમાનારી રણજી ટ્રોફીની નવી સીઝનની પ્રથમ મૅચ માટેની મુંબઈની ટીમમાં પીઢ ખેલાડી અને ભારતના ભૂતપૂર્વ ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને નથી સમાવવામાં આવ્યો એની સોમવારથી ખૂબ ચર્ચા હતી, પરંતુ મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (MCA)ના એક સૂત્ર પાસેથી એનું કારણ જાણવા મળ્યું હોવાનું પીટીઆઇએ અહેવાલમાં જણાવ્યું છે.
સૂર્યકુમારે ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવ્યું છે એટલે હવે તેણે ડોમેસ્ટિક ક્રિકેટની નવી સીઝનમાં સારું રમીને ફૉર્મ બતાવવું પડશે, પણ તે સીઝન પહેલાંના પ્રૅક્ટિસ કૅમ્પ (CAMP)માં ગેરહાજર રહ્યો હોવાથી રણજી ટીમમાં તેને સામેલ નથી કરવામાં આવ્યો.
વિક્રમજનક 42 વખત રણજી ચૅમ્પિયન બનેલા મુંબઈની ટીમ જાહેર કરવામાં આવી એ પહેલાંની આખી શિબિરમાં તે હાજર નહોતો. મુંબઈના ખેલાડીઓ નવી સીઝન માટે મહિનાથી તાલીમ લઈ રહ્યા છે અને મંગળવારે પણ તેમણે ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ)ના બે્રબર્ન સ્ટેડિયમમાં અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના એમસીએના મેદાન પર પ્રૅક્ટિસ કરી હતી.
એમસીએના સૂત્રેએ પીટીઆઈને જણાવ્યું, `આખરે આ ટીમ ગેમ છે. રેડ બૉલનો તેને (સૂર્યાને) ઘણા સમયથી ખાસ કંઈ અનુભવ પણ નથી. તેના વિશે નિર્ણય સર્વાનુમતે લેવાયો છે.'
પીટીઆઇને જાણવા મળ્યું છે કે સૂર્યકુમારનો 10 દિવસ પહેલાં મુંબઈ ટીમના સિલેક્શન વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી અને પછી કહેવડાવ્યું હતું કે પોતે રણજીમાં રમવા તૈયાર છે. જોકે હવે તેણે પછીથી રણજી ટીમમાં આવવા મળે કે ન મળે, તેણે પોલીસ શીલ્ડ અને પુરુષોત્તમ શીલ્ડ ટૂર્નામેન્ટમાં રમવું જ પડશે.