Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં 15 હજાર સરકારી ઈમારતો પર લાગશે સોલાર રૂફટોપ સિસ્ટમ, જાણો શું છે સરકારનો પ્લાન

2026-10-06 09:36:00
Author: Mayur Patel
ગુજરાતમાં 15 હજાર સરકારી ઈમારતો પર લાગશે સોલાર રૂફટોપ સિસ્ટમ, જાણો શું છે સરકારનો પ્લાન

ગાંધીનગરઃ ગુજરાતમાં 15 હજાર સરકારી ઈમારતો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવશે. જે અંતર્ગત 2026-27 માટે રૂ. 314 કરોડની ફાળવણી કરવામાં આવી છે.  ગુજરાત સરકારી ઈમારતો પર ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર સિસ્ટમ્સના વિસ્તરણ સાથે સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યએ 15 હજાર સરકારી ઈમારતોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા 2011-12થી અમલમાં મુકાયેલી આ પહેલનો હેતુ પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવાનો, પરંપરાગત વીજળી સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવાનો અને સરકારના વીજ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. સૂત્રોએ જણાવ્યું કે, 2025-26 દરમિયાન આ કાર્યક્રમમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી, જેમાં 1377 સરકારી ઈમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ્સ લગાવવામાં આવી હતી અને 17.1 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો ઉમેરો થયો હતો. આ વિસ્તરણ સાથે, માર્ચ 2026 સુધીમાં રૂફટોપ સોલાર સિસ્ટમ ધરાવતી સરકારી ઈમારતોની કુલ સંખ્યા 6014 પર પહોંચી ગઈ હતી, જેનાથી આ પહેલ હેઠળ કુલ સ્થાપિત ક્ષમતા 95 મેગાવોટ થઈ હતી.

સૂત્રોએ ઉમેર્યું કે, આ વર્ષે સરકારી ઈમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ્સ લગાવવાનું સૌથી મોટું વિસ્તરણ થઈ રહ્યું છે. 15,000 સરકારી ઈમારતો પર તે લગાવવામાં આવશે. જેનાથી આશરે 65 મેગાવોટ સૌર ક્ષમતા ઉમેરાવાની અપેક્ષા છે, જે રાજ્યના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગને વધુ મજબૂત બનાવશે.

આ કાર્યક્રમ માટે વર્ષ 2026-27ના બજેટમાં રૂ.314 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી સામાન્ય સરકારી ઈમારતો માટે રૂ. 278 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ઈમારતો માટે રૂ. 3 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ઈમારતો માટે રૂ. 33 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

તાજેતરના ડેટા અનુસાર, ગુજરાત 47,148 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બનીને ઊભરી આવ્યું છે. રાજ્યએ છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ઉમેરીને રાજસ્થાનને પાછળ છોડી રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. સૌર અને પવન ઊર્જા ગુજરાતના રિન્યુએબલ એનર્જીનો મુખ્ય આધાર બની રહી છે.