Tue Oct 06 2026

Logo

જાપાનની `ગોલ્ડન ટી-20 ટીમ'ની મંગળવારે લખનઊમાં વેસ્ટ ઇન્ડિઝ સામે કસોટી

2026-10-05 21:47:43
Author: Ajay Motiwala
જાપાનની `ગોલ્ડન ટી-20 ટીમ'ની મંગળવારે લખનઊમાં વેસ્ટ ઇન્ડિઝ સામે કસોટી

લખનઊઃ શનિવારે જાપાનની એશિયન ગેમ્સની ફાઇનલમાં પાકિસ્તાનને પરાસ્ત કરીને ગોલ્ડ મેડલ જીતનાર શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની ટી-20 ટીમ મંગળવારે (સાંજે 7.00 વાગ્યાથી) વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામે પાંચ ટી-20 મૅચની સિરીઝની પ્રથમ મૅચ રમશે અને એમાં ભારતીય ટીમની કસોટી થશે.

ઓપનિંગમાં અભિષેક શર્માના જોડીદાર તરીકે વૈભવ સૂર્યવંશીને જાળવી રાખવામાં આવશે કે વિકેટકીપર સંજુ સૅમસનને મોકો અપાશે એ જોવું રહ્યું. કારણ એ છે કે જાપાનમાં વીવીએસ લક્ષ્મણ હેડ-કોચ હતો અને ત્યાંની બૅટિંગ માટેની મુશ્કેલ પિચને ધ્યાનમાં રાખીને ત્રણેયને (વર્લ્ડ નંબર-વન ટી-20 બૅટ્સમૅન અભિષેક, વૈભવ અને સૅમસન)ને ટીમમાં રાખવામાં આવ્યા હતા. જોકે કૅરિબિયનો સામેની સિરીઝથી ફરી ગૌતમ ગંભીર હેડ-કોચ છે અને તે એક જ ટીમમાં વૈભવ અને સૅમસન, બન્નેને રાખવાનું ઓછું પસંદ કરતો હોય છે.

પેસ આક્રમણમાં અર્શદીપ સિંહ (Arshdeep Singh) અને શિવમ દુબેની સાથે મયંક યાદવ અને પ્રિન્સ યાદવમાંથી કોને રાખવા એ પણ ગંભીર માટે મુશ્કેલ નિર્ણય બનશે.

પાંચ મૅચનું શેડ્યૂલ

(1) મંગળવાર, છઠ્ઠી ઑક્ટોબરે પ્રથમ ટી-20, લખનઊ (2) શુક્રવાર, નવમી ઑક્ટોબરે બીજી ટી-20, રાંચી (3) રવિવાર, 11મી ઑક્ટોબરે ત્રીજી ટી-20, ઇન્દોર (4) બુધવાર, 14મી ઑક્ટોબરે ચોથી ટી-20, હૈદરાબાદ (5) શનિવાર, 17મી ઑક્ટોબરે પાંચમી ટી-20, બેંગ્લૂરુ. (દરેક મૅચ સાંજે 7.00 વાગ્યે શરૂ થશે)

બન્ને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન/વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મયંક યાદવ/પ્રિન્સ યાદવ અને અર્શદીપ સિંહ.

વેસ્ટ ઇન્ડિઝઃ શાઇ હોપ (કૅપ્ટન, વિકેટકીપર), કમિલ પૂરન, શિમરૉન હેટમાયર, રૉવમૅન પૉવેલ, શેરફેન રુધરફર્ડ, રોમારિયો શેફર્ડ, શમાર સ્પ્રિંગર, અકીલ હોસૈન, ગુડાકેશ મૉટી, શમાર જોસેફ અને મૅથ્યૂ ફૉર્ડ.