Tue Oct 06 2026

Logo

સાયબર ફ્રોડનાં નાણાંથી મોબાઇલ ખરીદતી ટોળકીના સભ્યની અમદાવાદમાંથી ધરપકડ

2026-10-06 17:06:22
Author: Yogesh D. Patel
સાયબર ફ્રોડનાં નાણાંથી મોબાઇલ ખરીદતી ટોળકીના સભ્યની અમદાવાદમાંથી ધરપકડ

મુંબઈ: સાયબર ફ્રોડ આચરીને મેળવેલા રૂપિયાથી મોબાઇલ ખરીદનારી ટોળકીના બે સભ્યને એલ. ટી. માર્ગ પોલીસે અમદાવાદ અને કુર્લાથી ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી વિવિધ કંપનીના 19.66 લાખ રૂપિયાના પચીસ મોબાઇલ જપ્ત કરાયા હતા.

એલ.ટી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અનિસબેગ સમીરબેગ મિર્ઝા (23) અને મોઇન રહીમ શેખ (34) તરીકે થઇ હતી. પોલીસ હવે આરોપીઓને ફરાર સાથીદારોની શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ દાખલ ગુનાના ફરિયાદીને અજાણી વ્યક્તિએ કૉલ કરી પોતાની ઓળખ ખાનગી બૅંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે આપી હતી. ફરિયાદીના ક્રેડિટ કાર્ડ પરની મેલ ઓર્ડર સર્વિસ બંધ કરવા માટે તેને વ્હૉટ્સઍપ પર લિંક પાઠવી હતી અને તે ઓપન કરવા કહ્યું હતું.

ફરિયાદીએ લિંક પર ક્લિક કરી તેને ઓપન કરી હતી. ત્યાર બાદ ફરિયાદીની જાણ બહાર તેના ક્રેડિટ કાર્ડથી ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા 4.48 લાખ રૂપિયાની ખરીદી કરીને ઓનલાઇન છેતરપિંડી આચરાઇ હતી. આ પ્રકરણે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે ગુનામાં સામેલ બે આરોપીને અમદાવાદ અને કુર્લાથી ઝડપી પાડવામાં આવ્યા હતા.