Tue Oct 06 2026

Logo

સુરત  મેટ્રોમાં દેખાશે હીરાની ચમક, મેટ્રોમાં દેશભરમાં પ્રથમવાર અનેક નવીનતા

2026-10-06 13:17:28
Author: Mumbai Samachar Team
સુરત  મેટ્રોમાં દેખાશે હીરાની ચમક, મેટ્રોમાં દેશભરમાં પ્રથમવાર અનેક નવીનતા

સુરતઃ સુરતની ઓળખ હવે માત્ર ટેક્સટાઇલ અને હીરાની નગરીની નથી. બ્રિજ સિટી અને સિલ્ક સિટી તરીકે ઓળખાતું સુરત હવે આધુનિક પરિવહન વ્યવસ્થાના પર્યાય તરીકે ઓળખ બનાવી રહ્યું છે. શહેરમાં આકાર લઈ રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ સુરતના પરિવહનને નવી દિશા આપવાની સાથે એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, પર્યાવરણ અને વારસાના જતનનું અનોખું ઉદાહરણ બની રહ્યો છે. 

સુરતની ઓળખ હવે મેટ્રોમાં પણ જોવા મળશે

સુરતની વિશ્વવિખ્યાત ડાયમંડ સિટી તરીકેની ઓળખને મેટ્રોની ડિઝાઇનમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેનની સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ કટ્સથી પ્રેરિત ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મેટ્રોમાં પ્રવેશતા જ મુસાફરોને સુરતની ડાયમંડ સિટી તરીકેની ઓળખનો અનુભવ થાય તે રીતે ઇન્ટિરિયર તૈયાર કરવામાં આવ્યું છે. શહેરની ઓળખને જાહેર પરિવહન સાથે જોડવાનો આ પ્રયાસ મેટ્રોને આગવી ઓળખ આપશે.

110 ફૂટ ઊંડાઈએ ‘સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન’

સુરત મેટ્રોની સૌથી મોટી વિશેષતાઓમાં દેશભરમાં ધ્યાનાકર્ષક બની શકે તેવી ‘સ્ટેક્ડ સ્ટેશન’ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે ગીચ વિસ્તારને ધ્યાનમાં રાખીને અંદાજે 110 ફૂટ ઊંડાઈએ બે માળના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે.સામાન્ય મેટ્રો સ્ટેશનમાં બંને દિશાની ટ્રેનોના ટ્રેક બાજુબાજુ હોય છે. પરંતુ સ્ટેક્ડ સ્ટેશનમાં એક દિશાનો ટ્રેક ઉપર અને બીજી દિશાનો ટ્રેક નીચે રહે છે. આમ, ઓછી જગ્યામાં બંને દિશાની મેટ્રો સેવા શક્ય બને છે.સુરત મેટ્રો પ્રોજેક્ટમાં આવા બે સ્ટેક્ડ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 700 વર્ષ જૂનું વૃક્ષ બચાવવા રૂટ બદલાયો

સુરત મેટ્રોની બીજી મહત્વની વિશેષતા પર્યાવરણ અને વારસાના જતન સાથે જોડાયેલી છે.અડાજણ ગામ વિસ્તારમાં મેટ્રો રૂટમાં આવતું 700 વર્ષથી પણ વધુ જૂનું ઐતિહાસિક ‘ચોર આમલી’ વૃક્ષ બચાવવા માટે મેટ્રોનું અલાઈનમેન્ટ જ બદલી નાખવામાં આવ્યું છે. મેટ્રો જેવી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનામાં પ્રગતિ સાથે પ્રકૃતિ અને વારસાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ નિર્ણય ‘પ્રકૃતિ સાથે પ્રગતિ’નું ઉદાહરણ બની રહ્યો છે.

ડ્રીમ સિટી ડેપોમાં 3 હજારથી વધુ વૃક્ષો

ખજોદ ખાતે આશરે 20 હેક્ટર વિસ્તારમાં ડ્રીમ સિટી ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એકસાથે 24 મેટ્રો ટ્રેનો ઊભી રાખી શકાય તેવી સ્ટેબિલિંગ યાર્ડની સુવિધા છે.આ ઉપરાંત મેઈન્ટેનન્સ અને વોશિંગ પ્લાન્ટ, ટેકનિકલ યુનિટ તથા એડમિનિસ્ટ્રેશન બ્લોક જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.ડેપોના પરિસરમાં 3 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. પાણીના પુનઃઉપયોગ માટે સુએઝ અને એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા પણ રાખવામાં આવી છે.

થાંભલા વગર વીજળીથી દોડશે મેટ્રો

સુરત મેટ્રોમાં આધુનિક 750 વોલ્ટ DC થર્ડ રેલ સિસ્ટમ દ્વારા વીજ પુરવઠો આપવામાં આવશે. આ માટે પરંપરાગત રીતે જોવા મળતા વીજળીના થાંભલાઓની જરૂર નહીં પડે.આ સિસ્ટમના કારણે ભારે પવન કે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ વીજ પુરવઠા સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવામાં મદદ મળશે.

મજુરાગેટ બનશે પ્રથમ ઈન્ટરચેન્જ હબ

સુરત મેટ્રોના બંને કોરિડોરને જોડતું મજુરાગેટ સ્ટેશન શહેરનું પ્રથમ ઈન્ટરચેન્જ હબ બનશે. અહીં મુસાફરો એક કોરિડોરમાંથી બીજા કોરિડોરમાં સરળતાથી જઈ શકશે.આ સાથે સુરતના રેલવે સ્ટેશન, સિટી બસ અને GSRTC ડેપોને એકબીજા સાથે જોડતી મલ્ટી-મોડલ પરિવહન વ્યવસ્થા શહેરની મુસાફરીને વધુ સરળ બનાવશે.

85 મીટરના મહાકાય ગર્ડરે સર્જ્યો એન્જિનિયરિંગનો રેકોર્ડ

સારોલી અને રઘુકૂલ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં મેટ્રો માટે 85 મીટર લાંબો ઓપન વેબ ગર્ડર લોન્ચ કરવામાં આવ્યો છે.આ ગર્ડર બનાવવા માટે આશરે 810 ટન સ્ટીલ અને 47 હજારથી વધુ નટ-બોલ્ટનો ઉપયોગ થયો છે. ગીચ શહેરી વિસ્તારમાં આટલી મોટી સ્ટીલની રચનાનું લોન્ચિંગ મેટ્રો પ્રોજેક્ટની એન્જિનિયરિંગ ક્ષમતાનું ઉદાહરણ છે.

સુરત માટે માત્ર મેટ્રો નહીં, પરિવર્તનની નવી સફર

સુરતના પરિવહનના ઈતિહાસમાં જળમાર્ગો, બગ્ગી અને ટાંગાથી શરૂ થયેલી સફર હવે આધુનિક મેટ્રો સુધી પહોંચી છે.ટેક્સટાઇલ, ડાયમંડ, BRTS અને બ્રિજ સિટી તરીકે પોતાની આગવી ઓળખ બનાવનાર સુરત હવે મેટ્રો દ્વારા આધુનિક અને ટકાઉ શહેરી પરિવહન તરફ આગળ વધી રહ્યું છે.

સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન એટલે શું ? 

સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન એટલે એવું સ્ટેશન જ્યાં બંને દિશાના પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક એક જ લેવલ પર બાજુ-બાજુમાં હોવાને બદલે એકબીજાની ઉપર-નીચે (એક પર એક) તૈયાર કરાયા હોય છે. જેમાં ઉપરના માળેથી એક તરફની ટ્રેન જાય છે અને તેની બરાબર નીચેના માળેથી વિરુદ્ધ દિશાની ટ્રેન પસાર થાય છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ઓલ્ડ સિટીના અત્યંત ભીડભાડવાળા વિસ્તારો એવા ભાગળ અને કાપોદ્રા ખાતે આવા બે અંડરગ્રાઉન્ડ સ્ટેક્ડ સ્ટેશનો તૈયાર કરાયા છે. સુરતના આ સાંકડા માર્ગો પર જ્યાં જમીન પૂરતી નથી, ત્યાં આસપાસની મિલકતો કે ઐતિહાસિક ઇમારતોનું જમીન સંપાદન કર્યા વગર ઊભી જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવા માટે આ પ્રકારનું સ્ટેશન તૈયાર કરાયું છે. આ પ્રકારના સ્ટેશનો બનાવવા માટે ટનલ બોરિંગ મશીન વડે એકબીજાની ઉપર-નીચે 'વર્ટિકલ સ્ટેક્ડ ટનલ' તૈયાર કરાય છે. તેમજ જમીન ધસી ન પડે તે માટે મજબૂત ડાયાફ્રામ વોલ અને 'ટોપ-ડાઉન' કન્સ્ટ્રક્શન પદ્ધતિ જેવી અદ્યતન એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.