Tue Oct 06 2026

Logo

આઇસીસી અવૉર્ડ માટે આ ચાર ભારતીય ખેલાડીના નામ નૉમિનેટ થયા

Dubai   2026-10-06 16:29:34
Author: Ajay Motiwala
આઇસીસી અવૉર્ડ માટે આ ચાર ભારતીય ખેલાડીના નામ નૉમિનેટ થયા

દુબઈઃ ભારતની મેન્સ ક્રિકેટ ટીમના કૅપ્ટન શુભમન ગિલ તથા ઓપનર અભિષેક શર્માને તેમ જ મહિલા ટીમની ઑૅલરાઉન્ડર શેફાલી વર્મા અને સ્પિનર શ્રી ચરનીને અનુક્રમે આઇસીસી મેન્સ તથા વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ (Award) માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે.

આ પુરસ્કાર સપ્ટેમ્બર મહિના માટેના છે અને એ માટે નૉમિનેટ (Nominate) થયેલા અન્ય દેશોના ખેલાડીઓમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા તથા શ્રીલંકન મહિલા ખેલાડી ચમારી અથાપથ્થુનો પણ સમાવેશ છે.

અભિષેકે સપ્ટેમ્બરમાં ચાર ટી-20 મૅચમાં કુલ 229 રન બનાવ્યા હતા. એમાં અફઘાનિસ્તાન સામે તેણે વિક્રમજનક 30 બૉલમાં ફટકારેલી સદીનો પણ સમાવેશ હતો. શુભમન ગિલે વેસ્ટ ઇન્ડિઝ સામેની બે વન-ડેમાં 333 રન ખડકી દીધા હતા. એમાં તેની ડબલ સેન્ચુરી પણ સામેલ હતી. તેને પાંચમી વખત આઇસીસી મન્થ્લી અવૉર્ડ જીતવાનો મોકો છે.

ચમારી અથાપથ્થુએ એશિયા કપમાં અને એશિયન ગેમ્સમાં બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મ કર્યું હતું, જ્યારે શેફાલી વર્માએ ટૉપ-ઑર્ડરમાં ઉમદા પર્ફોર્મ કર્યું હતું અને એશિયા કપમાં તેના 236 રન તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા. સ્પિનર શ્રી ચરનીએ તાજેતરમાં ટી-20 બોલિંગ રૅન્કિંગમાં હાઇએસ્ટ-એવર રેટિંગ પૉઇન્ટ મેળવ્યા હતા. તેણે સપ્ટેમ્બરમાં સાત ટી-20માં 18 વિકેટ લીધી હતી.