Thu Oct 08 2026

Logo

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ! સૌરાષ્ટ્ર-કચ્છમાં માટે હવે કોઈ જ મોટું એલર્ટ નહીં

2026-09-20 08:49:02
Author: Mumbai Samachar Team
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ! સૌરાષ્ટ્ર-કચ્છમાં માટે હવે કોઈ જ મોટું એલર્ટ નહીં

ગુજરાતમાં બદલાયું હવામાનનું ચિત્ર, વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ

અમદાવાદઃ કેરળથી શરૂ થયેલું પશ્ચિમના રાજ્યોનું ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. આગામી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશના અર્થતંત્ર માટે મહત્ત્વના ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. બે દિવસ પહેલા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જે વરસાદ થયો એ વાદળાઓ ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યા છે. પણ ફરીથી પરત ફરતા હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા. રાજ્યના હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાન, રામગઢ, ફાલૌડી સુધી વરસાદી અસર વર્તાય એવી આગાહી વ્યક્ત કરી છે, જ્યારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી રવિવાર (20 સપ્ટેમ્બર 2026)થી આગામી ચાર દિવસમાં ચોમાસું વિદાય લેશે. 

કોઈ એલર્ટ નથી

હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદને લઈ કોઈ મોટુ એલર્ટ નથી. પાડોશી રાજ્ય રાજસ્થાન પર સમુદ્ર સપાટીથી 3 કિમીની ઊંચાઈએથી ચોમાસું વાદળો વિદાય લેશે એ સમયે થોડો વરસાદ પડી શકે છે. રાજસ્થાન પર સવારના સમયે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. આ કારણે રાજ્યનું તાપમાન નીચું ઊતરશે અને વાતાવરણમાં ઠંડક વધુ પ્રસરશે. બીજી તરફ યુપીથી લઈને ગુજરાત સુધી અને સૌરાષ્ટ્રથી લઈ મધ્ય પ્રદેશ સુધીના આખા વિશાળ વિસ્તારમાં વરસાદ લાવતો ટ્રફ યથાવત છે, જેના પરિણામે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. બીજીતરફ સૌરાષ્ટ્રમાં વરસાદી વાદળો હાલમાં નથી. કોઈ સિસ્ટમ પણ એક્ટિવેટ થાય એવી નથી. હવામાન ફરી થોડું ગરમ રહેશે પણ વહેલી સવારે ઠંડક વર્તાશે. દિવસ દરમિયાન ગરમાવો અનુભવાશે. મોડીરાત્રે અને વહેલી સવારે ઠંડક અનુભવાશે. 

સમગ્ર દેશમાં વરસાદની ઘટ

રાજધાની દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં રવિવારથી આગામી ચાર દિવસ સુધી વાતાવરણ સુકુ રહેશે. આંદામાનના દરિયામાં એક પ્રેશર ઊભું થશે એ તીવ્ર બનશે તો ફરી વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં વાતાવરણ સામાન્ય રહેશે. શનિવારે દિલ્હીનું તાપમાન 32 ડિગ્રી રહ્યું હતું. સામાન્ય વાદળો વચ્ચે દિલ્હીવાસીઓનો દિવસ શરૂ થયો હતો. બંગાળની ખાડીથી ઓડિશા, આંધ્રપ્રદેશ તથા છત્તીસગઢ સુધી હજુ પણ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, બિહાર, કેરળ, કર્ણાટક, ગોવા જેવા રાજ્યમાં હજુ એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે. એ પછી ત્યાંથી પણ વરસાદ વિદાય લેશે. આ વર્ષે સમગ્ર દેશમાં 697મીમી વરસાદ થયો છે.  જે ગત વર્ષના સામાન્ય વરસાદ કરતા ઓછો છે. આ વર્ષે ભારતમાં પણ અલનીનોની અસર જોવા મળી છે. ગુજરાતમાં વરસાની ઘટ 7 ટકા નોંધાઈ છે. ખાસ કરીને જામનગર, દ્વારકા, પોરબંદર તથા કચ્છના જિલ્લાઓમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો હેરાન-પરેશાન થયા છે.