Thu Oct 08 2026

Logo

રેન્ટ ગરબા પાર્ટનરઃ સોશિયલ મીડિયા પર વાયરલ થતી પોસ્ટ્સ પોલીસની રડારમાં

2026-09-20 21:11:33
Author: Pooja Shah
રેન્ટ ગરબા પાર્ટનરઃ સોશિયલ મીડિયા પર વાયરલ થતી પોસ્ટ્સ પોલીસની રડારમાં

અમદાવાદઃ ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર હવે માત્ર માતાજીની ભક્તિ આરાધનાનો ન રહેતા, વ્યાવસાયિક બની ગયો છે ત્યારે નવરાત્રીના એક મહિના પહેલા વાયરલ થયેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર પોલીસનું ધ્યાન ગયું છે અને અમુક સામાજિક સંસ્થાઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. આ સાથે સાયબર નિષ્ણાતોએ પણ લોકોને સાબદા રહેવાની સલાહ આપી છે. 

રેન્ટ ગરબા પાર્ટનર નામની ખૂબ વાયરલ થયેલી પોસ્ટ અંગે સુરત પોલીસે જણાવ્યું હતું કે આ બાબતની તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ અંગેની વિગતો પોલીસના ધ્યાન પર લાવવામાં આવી છે.  આ પોસ્ટ્સની ચકાસણી કરી રહ્યા છીએ અને જો કંઈ શંકાસ્પદ જણાશે તો પગલાં લેવામાં આવશે.

આ પોસ્ટ્સમાં લોકો એક દિવસ, અમુક કલાકો કે સંપૂર્ણ નવરાત્રી રમવા માટે પોતાની જાતને ભાગીદાર તરીકે ઓફર કરી રહ્યાન છે. જેનો ચાર્જ રૂ. 1000થી 10,000 સુધી અલગ અલગ પેકેજ પ્રમાણે છે. સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ એમ અલગ અલગ કેટેગરીમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતીમાં આ પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. 

આ જાહેરાતોમાં માત્ર સાથે ગરબા રમવા નહીં, પણ પેકેજના આધારે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સાથે સેલ્ફી, ગરબા સ્ટેપ્સ શિખવાડવાના, રિલ્સ અને વીડિયો સાથે બનાવવાની ઓફર પણ છે. આમાંથી ઘણા અકાઉન્ટ્સમાં ફોલોઅર્સ પણ ઘણા છે. તેનો અર્થ એમ પણ થઈ શકે કે તેમને રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે સાયબર એક્સપર્ટ્સ આ મામલે લોકોને ચેતવી રહ્યા છે.

ખાસ કરીને યુવાનો કોઈ સાથે પૈસાની લેવડ-દેવડ ન કરે તેમ જ પોતાની વ્યક્તિગત માહિતી શેર ન કરે કારણે કે આગળ જતા તેમને નુકસાન થઈ શકે છે. આ સાથે અમુક સામાજિક સંસ્થાઓના કહેવા અનુસાર માતાજીના ગરબા ભક્તિભાવ સાથે જોડાયેલા છે. આ રીતે પાર્ટનર શોધવાનો તહેવાર નથી, જો કંઈ પણ અજુગતું થશે તો અમે પગલાં લઈશું.