નવી દિલ્હી: ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવે તેવી શકયતા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે. ગલવાન ઘાટીમાં વર્ષ 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમ મુલાકાત હશે. જોકે, આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
12 અને 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં 18 મી બ્રિક્સ સમિટ
ભારતમાં 12 અને 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં 18 મી બ્રિક્સ (BRICS) સમિટનું આયોજન થવાનું છે. આ સંદર્ભમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત લઈ શકે છે. જોકે બંને દેશોના વિદેશ મંત્રાલયોએ હજુ સુધી આ દ્વિપક્ષીય બેઠકની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
SCO સમિટમાં બંને નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા
વર્ષ 2020માં ગલવાન હિંસા બાદ સરહદી તણાવ ઘટાડવા માટે બંને દેશોએ સૈન્ય અને રાજદ્વારી સ્તરે અનેક તબક્કાની બેઠકો યોજી છે. તાજેતરમાં કઝાકિસ્તાનના બિશ્કેક ખાતે યોજાયેલી SCO સમિટમાં બંને નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. જોકે ત્યાં કોઈ ઔપચારિક દ્વિપક્ષીય વાટાઘાટો થઈ ન હતી. હવે દિલ્હીમાં યોજાનારી સંભવિત બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
અજીત ડોભાલે ચીનની મુલાકાત લીધી હતી
આ ઉપરાંત શી જિનપિંગની ભારત મુલાકાત પૂર્વે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, ભારત-ચીન સરહદી બાબતો અંગે 'પરામર્શ અને સંકલન માટેની કાર્યપદ્ધતિ' (WMCC) હેઠળ તથા બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે ઉચ્ચ-સ્તરીય ચર્ચાઓ પણ યોજાઈ હતી. આ બેઠકોના આધારે જ બંને ટોચના નેતાઓ વચ્ચેની શિખર બેઠકની પૂર્વ તૈયારી કરવામાં આવી હતી.