દેશની ટોચની રિટેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી અકવાર વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલની કિંમત 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 3 રૂપિયા પ્રતિ લીટર વધાર્યા છે. નવી કિંમતો શનિવારથી તત્કાળ પ્રભાવથી લાગૂ થઇ ગયા છે. હવે પેટ્રોલ 100.71 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.31 રૂપિયા પ્રતિ લીટરના હીસાબે મળશે.
કારણની વાત કરીએ તો, આ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં થયેલા ઉછાળાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધવાને લીધે સ્થાનિક ઇંધણ વેપારીઓ પર પડતર કિંમતનું દબાણ વધ્યું છે.
આંતરરાષ્ટ્રીય તેલના ભાવોની અસર
નાયરાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા બનેલી છે અને કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવોમાં ભારે વધ-ઘટ જોવા મળી રહી છે. અહેવાલ મુજબ, કંપની વધતી જતી આંતરરાષ્ટ્રીય પડતર અને સ્થાનિક વેચાણ કિંમતો વચ્ચેના તફાવતને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
ભારત પોતાની કાચા તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધવાની સીધી અસર રિફાઇનિંગ તેમજ ઇંધણ વેચાણના ખર્ચ પર પડે છે.
આ પહેલાં ક્યારે ભાવ વધ્યા હતા?
નાયરા એનર્જીએ આ અગાઉ માર્ચ 2026માં પણ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો કર્યો હતો. ત્યારપછી આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ નરમ પડતાં કંપનીએ 1 જુલાઈએ પેટ્રોલ પ્રતિ લિટર ₹5 અને ડીઝલ ₹3 સસ્તું કરી દીધું હતું.
સરકારી તેલ કંપનીઓ કરતાં અલગ વલણ
હાલના સમયે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના છૂટક ઇંધણના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં ઉછાળો આવ્યો હોવા છતાં, સ્થાનિક ઇંધણના ભાવો અંગે સરકારી અને ખાનગી કંપનીઓની વ્યૂહરચના અલગ-અલગ જોવા મળી રહી છે.
જુદા જુદા રાજ્યોમાં ભાવ અલગ હોઈ શકે છે
નાયરા દ્વારા કરવામાં આવેલા વધારાની અસર અલગ-અલગ રાજ્યોમાં જુદી જુદી હોઈ શકે છે. તેનું કારણ સ્થાનિક ટેક્સ, વેટ (VAT) અને અન્ય ચાર્જીસ છે. આથી, પ્રતિ લિટર ₹5ના મૂળ વધારા છતાં ગ્રાહકોને મળતી અંતિમ કિંમત રાજ્ય અનુસાર અલગ અલગ રહી શકે છે.
શું વધશે આમ આદમીનો ખર્ચ?
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાની અસર ફક્ત ગાડી ચલાવનારાને નહીં પડે. ડીઝલની કિંમત વધવાથી ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સનો ખર્ચ વધી શકે છે જેની અસર માલભાડા અને કેટલાક સામાનની કિંમતો પર પડી શકે છે.