Fri Oct 09 2026

Logo

મેટ્રો એક્વા લાઈનની નવી પહેલ: 10 વર્ષ માટે સીલ કરાઈ ટાઇમ કેપ્સ્યુલ, 10 સ્ટેશન પર મળશે ખાસ સ્ટેમ્પ

2026-10-09 20:07:31
Author: Mumbai Samachar Team
મેટ્રો એક્વા લાઈનની નવી પહેલ: 10 વર્ષ માટે સીલ કરાઈ ટાઇમ કેપ્સ્યુલ, 10 સ્ટેશન પર મળશે ખાસ સ્ટેમ્પ

મુંબઈ: મુંબઈ મેટ્રોની એક્વા લાઇનના સંપૂર્ણ રૂટ પર કામગીરીને એક વર્ષ પૂર્ણ થતાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા બે વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. 9 ઑક્ટોબર 2026ના રોજ એમએમઆરસીએ ‘એક્વા લાઇન પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઇલ’નું અનાવરણ કર્યું અને ‘એક્વા લાઇન ટાઇમ કેપ્સ્યુલ’ને સીલ કરી હતી. આ કાર્યક્રમ એમએમઆરસીનાં મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડેના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

એક્વા લાઈન ટાઈમ કેપ્સ્યુલને 10 વર્ષ માટે સીલ કરવામાં આવી છે. તેને 8 ઑક્ટોબર 2036ના રોજ, એક્વા લાઈનના સંપૂર્ણ રૂટ પર કામગીરીની 10મી વર્ષગાંઠ નિમિત્તે ખોલવામાં આવશે. તેમાં વર્ષ 2026 દરમિયાન એક્વા લાઈનની સફર, તેની સિદ્ધિઓ અને યાદોને દર્શાવતી સામગ્રી સાચવી રાખવામાં આવી છે, જેથી ભવિષ્યની પેઢીઓ મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોની શરૂઆત અને વિકાસની ઝલક મેળવી શકે.

ભારતના મેટ્રો ક્ષેત્રમાં આ પ્રકારની પ્રથમ પહેલ ગણાતી ટાઈમ કેપ્સ્યુલમાં એક્વા લાઈનના નિર્માણ અને સંચાલન સાથે જોડાયેલી તસવીરો, દસ્તાવેજો, મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને યાદગાર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલનો હેતુ એક્વા લાઇનની ઐતિહાસિક સફરને સાચવી રાખવાનો છે, જેથી એક દાયકા પછી પણ લોકો આ પ્રોજેક્ટની શરૂઆત અને તેની સાથે જોડાયેલી યાદોને જાણી શકે.

વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે એમએમઆરસીએ ‘એક્વા લાઇન પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઈલ’ ની પણ શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ મુસાફરો અને પ્રવાસના શોખીનો એક્વા લાઈનના 10 નિર્ધારિત સ્ટેશનોની મુલાકાત લઈને ખાસ ડિઝાઈન કરાયેલા સ્મારક સ્ટેમ્પ એકત્ર કરી શકશે. દરેક સ્ટેમ્પ તે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારની વિશિષ્ટ ઓળખને રજૂ કરશે. આ રીતે મેટ્રોની મુસાફરીને શોધખોળ અને નવી બાબતો જાણવાના અનુભવ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એક્વા લાઈનની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી દરમિયાન એમએમઆરસીએ સૌથી વધુ મુસાફરી કરનારા મુસાફરોનું સન્માન પણ કર્યું હતું. આ રૂટ પર સતત મુસાફરી કરીને સહયોગ આપનારા આ મુસાફરોની ભાગીદારીને માન્યતા આપવાના હેતુથી આ સન્માન સમારોહ યોજાયો હતો. ટાઈમ કેપ્સ્યુલ અને પાસપોર્ટ એન્ડ સ્ટેમ્પ ટ્રેઈલ દ્વારા એમએમઆરસીએ એક્વા લાઈનની એક વર્ષની સફરને યાદગાર બનાવવાની સાથે તેને ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. એક પહેલ ભૂતકાળની યાદોને સાચવી રાખશે, જ્યારે બીજી મુસાફરોને મેટ્રોના વિવિધ સ્ટેશનો અને તેમના વિસ્તારોને નવા અંદાજમાં જાણવાની તક આપશે.