પ્રજ્ઞા વશી
‘સાંભળો છો...’
‘બોલો...’
‘તે મારે એમ કહેવું છે કે હમણાં આખા ગુજરાતમાં સેલ ચાલે છે. જ્યાં જુઓ ત્યાં સેલનાં પાટિયાં લાગેલાં છે.’
‘પણ તેનું છે શું?’
‘એક હજારની સાડી હમણાં બસો રૂપિયામાં મળે છે અને નવરાત્રીનાં ચણિયાચોળી તો ફક્ત પાંચસો રૂપિયામાં બે જોડી. બહેનોની સાથે ભાઈઓનાં આભલાં ભરેલાં કફની-પાયજામા સાવ ફ્રી! બોલો...’
‘એમાં મારે શું બોલવાનું છે? મારે તો ફક્ત મુંડાવાનું જ છે ને?’
‘સાવ આવું ખોરા કોપરા જેવું વગર વિચાર્યે બોલવાનું બંધ કરો.’
‘હા, તો એક કામ કરો. તમે બોલો. હું ચૂપ રહું ને સાંભળું. પણ હા, પહેલાં એક કામ કર. દરેક માળિયા, કબાટો તેમજ બૉક્સ પલંગોમાં સાડીનાં તેમજ ચણિયાચોળી, કુર્તી, ફ્રૉક, ગાઉન વગેરેનાં તમામ પોટલાં મારી બહેનો, મામી, કાકી, માસી, કામવાળા, રસોઈવાળા બહેનોને કૅટેગરી પ્રમાણે આપીને ઘરમાં સાડી મૂકવાની જગ્યા ઊભી કર. પછી જ આપણે સેલમાં લટાર મારવા જવું કે નહીં જવું તે નક્કી કરીશું.’
હાર માનવાનું કે નમતું જોખવાનું અમને અમારી બા, દાદી, નાની કે પછી પડોશણ સુધ્ધાંએ શીખવ્યું નહોતું. સમગ્ર નારીજાતિએ તો ડગલે પગલે માત્ર ‘સસ્તું મળે તો અલ્યા ગાંઠે બાંધીને, ભાવિને ઊજળું કરીએ હો જી...’ એવું જ શીખવ્યું છે. જેમ દીપ સે દીપ પ્રગટે એમ અમે સહુ બહેનોએ શૉપિંગ કળાની જ્યોતને જલતી રાખવાની નેમ લીધી હતી. અમારા આ સંસ્કાર કંઈ આજકાલના નથી. એની ધરોહર તો પરાપૂર્વથી ચાલતી આવી છે અને આ શૉપિંગ જ્યોતને આવનારાં હજારો વર્ષ સુધી જલતી રાખવાની છે. આમ એક પતિદેવનાં મહેણાં ટોણાંથી હારીને હાથ હેઠા મૂકવાનું અમને પાલવે એમ નથી.
અમે હાર માન્યા વિના શૉપિંગ કળાના વિકાસાર્થે ફરી ગહન ચિંતન કર્યું અને બોલવાનું શરૂ કર્યું. ‘સાંભળો છો? હું તમારી વાત સાથે સંમત છું, પણ હું વિચારું છું કે... કે...’
‘એક કામ કર. તું વધારે વિચારવાનું છોડ અને બોલ્યે રાખ. સમજવાનું અને વર્તવાનું કે પછી છેલ્લો ફેંસલો તો મારે જ કરવાનો છે.’
‘હા, તો છેલ્લે હું શું કહેતી હતી...’
‘આમ જુઓ તો ક્યારની તું કશું જ નથી કહેતી (માત્ર બકવાસ સિવાય).’
‘ઓકે. તો નવેસરથી મારા વિચારો એક પછી એક રજૂ કરું છું. નંબર એક એ કે મારી તમામ જૂની સાડીઓનાં પોટલાં માળિયેથી ઉતારીને હું એમાંથી ચણિયાચોળી, ગાઉન કે લૉન્ગ કુર્તી દરજી પાસે સીવડાવું અને આપણી ચારે દીકરીઓને અને એની દીકરીઓને ભેટ આપીએ. ઘરનું ઘરમાં જ રહેશે. નવી સ્ટાઇલનું છોકરીઓને તેમજ મારી બહેનોને આપીએ. સાથે સાથે થોડા ડ્રેસ મારે માટે પણ કરાવી જ દઉં. એમ પણ દિવાળીમાં યુરોપની ટૂરમાં ફરવા જઈશું ત્યારે સાડી થોડી પહેરાશે? ત્યારે તો મૉડર્ન ગર્લ બનીને જ ફોટા પડાવવા પડશે. ખરુંને?
હવે વિચાર નંબર બીજો પણ અફલાતૂન છે. ભાગ્યે જ કોઈને આવો વિચાર આવતો હશે. તો સાંભળો :
‘સાડીમાંથી ડ્રેસ કરાવતા જે ટુકડાઓ વધે એમાંથી બાળકોનાં ઝભલા, ટોપી તેમ જ મિક્સ મૅચ કરીને તમારી તેમજ જમાઈઓની નવરાત્રી માટે રંગબેરંગી કફની, કોટી તેમજ નીચેની ચોયણીઓ પણ બનાવીએ. આપણું આખું ફૅમિલી નવરાત્રીમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને નીકળીશું. પહેલાં આ ડ્રેસિસમાં ફોટો શૂટ કરાવીશું અને ઍક્શન તેમજ વિવિધ પોઝમાં રીલ પણ બનાવીશું...
તમે જોજો, આ રીલમાં લોકો ફક્ત ને ફક્ત આપણા જરા હટકે ટ્રેડિશનલ, ગામઠી તેમજ શહેરી ફ્યુઝનના ડ્રેસ જોઈને આપણે ત્યાં અસંખ્ય લોકોના ફોન આવવાના શરૂ થશે કે આવા ડ્રેસ ક્યાં મળે છે. અમને ગમે તેટલા મોંઘા હોય તો પણ નવરાત્રી પહેલાં પહોંચતા કરો. એ વખતે આપણે આ ડ્રેસીસ અનેક ગણા ભાવમાં વેચાણ કરીને અઢળક કમાશું.’
‘પણ ગંભીર પ્રશ્ર્ન એ છે ડાર્લિંગ, કે તારા બધાં કપડાંમાંથી ડ્રેસીસ કરાવી દેશે તો હમણાં પહેરશે શું?’
‘ડાર્લિંગ, તમે સમજ્યા નહીં. હું ભણી નથી પણ ગણી છું ને વેપારીની દીકરી છું... તો ધ્યાનથી મારો ત્રીજો પ્લાન સાંભળો. હમણાં બધા છૂપાં પોટલાંઓ દરજીને ત્યાં ડ્રેસીસ બનાવવા જશે. પછી વેચાણ થશે ને આપણે દસ ગણું કમાશું. પણ આપણે તાત્કાલિક સેલમાં જઈને એકદમ પાણીના ભાવે મળતી એક પર ત્રણ ફ્રી વાળી સાડીઓ, સેલાઓ, કુર્તી, પંજાબી ડ્રેસ વગેરે લાવીને સ્ટૉક કરી દઈએ.’
‘હા. તો ડાર્લિંગ, આ ડ્રેસ સીવનારને સિલાઈના કેટલા આપીશું?’
‘એક ડ્રેસના જેવી સિલાઈ તેવા ભાવ... જેવાં ચણિયાચોળી એવી સિલાઈ. એટલે મારે તો ગધા ભી જાય ઔર રસ્સી ભી જાય... એટલે...’
‘એટલે એમ કે હમણાં તારા ડ્રેસની સિલાઈનું મોટું બિલ ભરું અને બીજી બાજુ સેલમાંથી લાવેલી સાડીઓનાં બિલ પણ ભરું! તારે તો બેઉ હાથે લાડુ ખાવા છે. ત્રીજો લાડુ યુરોપ ફરવાનો... શું ઉત્તમ વિચારો છે તમારા! હવે મારા ઉત્તમ વિચારો સાંભળો. આ વર્ષે બધાં પોટલાં માળિયેથી ઉતારીને તું જે સાડી ન પહેરવાની હોય તે અનાથાશ્રમમાં આપણે આપી આવીશું. જે સાડીની હજી તે ટૅગ પણ કાઢી નથી, એ બધી સાડીઓ પહેરીને હું તારી સાથે રીલ બનાવીશ. મારા પૈસા બચશે અને તારી સાથે ફોટો સેશન ને રીલ બનાવવાની મજા આવશે. તારે યુરોપ જવું છે ને? તો મારો ફ્રેન્ડ ફોટોગ્રાફર છે, એ યુરોપના ફોટાઓનું રીલ અને આપણી રીલનું મિક્સ મૅચ કરી આપશે. બોલ, મારા વિચારો ઉત્તમ કે તારા વિચારો?’
ચારોં ખાને ચિત્ત થઈ ગઈ...! જોકે મેં મારો હાથ ઉપર જ રાખ્યો અને કહ્યું, ‘તમને આવા ઉત્તમ વિચારો આવ્યા ક્યાંથી? મને ખબર છે કે તમે નહીં જ સ્વીકારશો, પણ સાચું કહું તો આટલા ઉત્તમ વિચારો મારી સાથે રહેતાં રહેતાં આવતા થયા. બાકી તો... જવા દો. પણ હા, સેલ તો દિવાળી પછી હોળીમાં પણ આવશે. ત્યારે ફરી આપણે ‘સેલ... સેલ... રમી લેશું ખરુંને!’