Tue Oct 06 2026

Logo

સોલ્વન્ટ એક્સ્ટ્રુક્ટર્સ એસોસિયેશને તેલીબિયાં કોરિડોર વિકસાવવા મોઝામ્બિકનાં નામપુલા પ્રાંત સાથે કરાર કર્યા

2026-10-02 19:56:44
Author: Ramesh Gohil
સોલ્વન્ટ એક્સ્ટ્રુક્ટર્સ એસોસિયેશને તેલીબિયાં કોરિડોર વિકસાવવા મોઝામ્બિકનાં નામપુલા પ્રાંત સાથે કરાર કર્યા

નવી દિલ્હીઃ સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગના અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રુક્ટર્સ એસોસિયેશને જણાવ્યું હતું તેણે ઉત્તર મોઝામ્બિકનાં નામપુલા પ્રાંતની સરકાર સાથે બન્ને દેશો વચ્ચે ટકાઉ તેલીબિયાં અને વનસ્પતિ તેલનાં કોરિડોર શોધવા માટેનાં કરાર પર સહીસિક્કા કર્યા છે. 

અત્રે મુંબઈમાં ગ્લોબ ઑઈલ ઈન્ડિયા કાર્યક્રમમાં નામપુલાના ગવર્નર એડ્યુઆર્ડો મારિઆમો અબ્દુલ અને એસોસિયેશનનાં પ્રમુખ અંગશુ મલ્લિક દ્વારા કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. એસોસિયેશને જણાવ્યું હતું કે ભારત નવાં સપ્લાય ભાગીદારો શોધી રહ્યું છે કારણ કે તેની લગભગ બધી આયાત આંગળીના વેઢે ગણી શકાય એટલા અથવા તો માત્ર ઈન્ડોનેશિયા, મલયેશિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેનથી થાય છે. 

આગામી વર્ષ 2047 સુધીમાં દેશની ખાદ્યતેલની માગ વધીને 4.65 કરોડ ટન સુધી પહોંચશે અને માત્ર સ્થાનિક ઑઈલ સીડ્સ મિશનથી આ માગનો ખાંચરો સરભર કરી શકાય તેમ નથી. આથી ભારતને નવાં સપ્લાય ભાગીદારોની જરૂર છે અને આફ્રિકા ભાગ્યે જ દેશનાં આયાત પ્રકરણમાં પ્રવેશ્યું છે. વર્ષ 2024માં મોઝામ્બિકથી તેલીબિયાંની આયાત માત્ર બે કરોડ ડૉલરની રહી હતી અને તેમાં પણ મુખ્યત્વે સોયાબીનનો સમાવેશ થયો હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું. 

એસોસિયેશને નામપુલાને એક્સ્પ્લોર કરવા `સ્ટેટમેન્ટ ઑફ ઈન્ટરેસ્ટ' પર હસ્તાક્ષર કર્યા છે, કારણ કે તે મોઝામ્બિકનાં અગ્રણી કૃષિ પ્રાંતો પૈકીનો એક છે અને ત્યાં મગફળી, સોયાબીન, તલ અને ઑઈલ પામનું ઉત્પાદન થાય છે. 

આ પ્રાંત `નાકાલા ડેવલોપમેન્ટ કોરિડોર' પર પણ સ્થિત છે જે હિન્દ મહાસાગરમાં આવેલા નાકાલાના ઊંડા પાણીના બંદર સાથે સડક અને રેલ માર્ગ સાથે જોડાયેલો છે. એસોસિયેશનનાં જણાવ્યાનુસાર આનાથી દક્ષિણ અમેરિકાથી આવતા માલની સરખામણીમાં ભારતનાં પશ્ચિમનાં કિનારા સુધીની દરિયાઈ સફર ઘણી ટૂંકી થાય છે. ભારત અને મોઝામ્બિક વચ્ચે કઠોળના વેપાર અંગે પહેલેથી જ એક લાંબાગાળાનો કરાર અમલમાં છે, જે તેલીબિયાં માટે પણ એક કાર્યકારી માળખું પૂરું પાડે છે. 

આ કરાર હેઠળ પ્રારંભિક તબક્કો ત્રણ વર્ષનો નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ વેપારીક નિર્ણય લેતા પહેલાં ભાગીદારો સંયુક્ત રીતે તકોનો અભ્યાસ કરશે. રોકાણ અને સ્રોત માટેનાં કરાર મોઝામ્બિકના કાયદા અનુસાર થશે અને એસોસિયેશનની સભ્ય કંપનીઓ તેમની ભાગીદારી અંગે વ્યક્તિગત ધોરણે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. 

એકંદરે આ અભ્યાસોનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે ક્યા પાકનું વાવેતર કરવામાં આવશે, નામપુલા કેટલા પ્રમાણમાં તેલનો પુરવઠો પૂરો પાડી શકશે અને તેના માટે કેટલા રોકાણની આવશ્યકતા રહેશે. 

નોંધનીય બાબત એ છે કે ભારત ખાદ્યતેલનો વૈશ્વિક અગ્રણી આયાતકાર દેશ છે અને તેલ વર્ષ 2024-25 (નવેમ્બર-ઑક્ટોબર)માં દેશમાં 1.6 કરોડ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી. એકંદરે દેશની 60 ટકા માગ આયાતથી સંતોષાઈ રહી હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.